કલોલ તાલુકાના બોરીસણા ગામે રહેતો યુવક ભાભર પાસે આવેલ એક ગામમાં રહેતી મહિલા સાથે વાત કરતો હતો જેની તેના પતિએ વહેમ રાખી યુવકને અને તેના મિત્રને ભોજનમાં ઘેનની ગોળીઓ નાખી બેભાન કરી દીધા હતા ત્યારબાદ બંનેને શેરીસા પાસેની કેનાલમાં નાખી દેવામાં આવ્યા હતા જેમાં યુવકની લાશ કડી પાસેની કેનાલમાંથી મળી હતી અને તેના મિત્રની શોધખોળ હાથ ધરવામાં આવી છે બનાવ અંગે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
કલોલ પાસેના બોરીસણા ગામે રહેતા દશરથ સોમાજી ઠાકોર પોતાની કારમાં તેમના મિત્ર ગિરીશને લઈને ઘરેથી નીકળ્યા હતા. તેઓ ઘરે કહીને નીકળ્યા હતા કે મહેસાણા ખાતે પૈસા આપવા જવાનું છે અને રાત્રિના ત્રણેક વાગે આવશે. તેમ કહીને તેઓ નીકળ્યા હતા ત્યારબાદ ઘર વાળાઓએ તેમનો સંપર્ક કરતા તેમનો સંપર્ક થઈ શકતો ન હતો અને તેમનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ આવતો હતો જેથી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને તેમના ગુમ થવા અંગે કલોલ તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમની કાર કેનાલથી શેરીસા ગામ તરફ જવાના ઢાળ નજીક પડેલ હોવાનું માલુમ પડતા પરિવારજનો ત્યાં પહોંચી ગયા હતા અને તેઓએ પોલીસને જણાવેલ કે તેમના પિતા દશરથ ભાભર તાલુકાના ખડોસણ ગામે રહેતી મહિલા સાથે વાતચીત કરતા હતા જેથી તેનો પતિ ભરતજી જેમતુ ઠાકોરને તેની પત્ની સાથે દશરથજીના આડા સંબંધો છે તેઓ શક અને વહેમ રાખીને ભરતજી પાસેથી પૈસા માગતો હતો અને દશરથ તેને ઓનલાઇન પૈસા આપતા હતા તેમજ ભરતજીએ દશરથ જોડેથી પૈસા લઈને કાર ખરીદી હતી તે કાર તેણે દશરથજીના પુત્રના નામે ખરીદી હતી.
ત્યારબાદ તેણે ૧.૧૦ હજાર ભરતજી પાસેથી લઈને સાડીઓની દુકાન ચાલુ કરી હતી જેથી પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી હતી બીજી તરફ રાપર પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી અને તેઓની પૂછતાછમાં તેઓએ કબુલાત કરી હતી કે દશરથ કાર લઈને તેમના મિત્ર ગીરીશજી સાથે આવ્યા હતા અને તેઓએ જમવામાં ઘેનની ગોળીઓ નાખી દઈ દશરથજી અને ગિરીશજીને જમાડયા હતા અને ત્યારબાદ ભરતજી દશરથની કાર લઈને આ બંનેને તેમાં બેસાડીને નીકળ્યો હતો અને પાછળ તેમની કારમાં તેના મિત્રો મેઘરાજ ઉર્ફે મેઘો ઉર્ફે રાજ ઠાકોર તથા પ્રકાશ વશરામ ઠાકોર આવી રહ્યા હતા અને દશરથજીને શેરીસા કેનાલ પાસે લાવીને દશરથજી અને તેના મિત્ર ગિરીશને કેનાલમાં ફેંકી દીધા હતા ત્યારબાદ તેઓ કાર લઈને કચ્છ જતા રહ્યા હતા જ્યાંથી રાપર પોલીસે તેમને ઝડપ્યા હતા.
બીજી તરફ દશરથની લાશ કડી પંથકની નર્મદા કેનાલમાંથી મળી આવી હતી જેથી રાપર પોલીસે પકડેલા તમામ આરોપીને સાંતેજ પોલીસને સોંપ્યા હતા સાંતેજ પોલીસે તેમની પૂછપરછ કરતા આ તમામે દશરથ તેના મિત્ર ગિરીશને કેનાલમાં નાખી દીધા હોવાની કબુલાત કરી હતી તેના આધારે પોલીસે ત્રણેય આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.