વહેલા ઉઠવું એ માત્ર ઊંઘ પૂરી થયા પછીનો નિત્ય ક્રમ નથી. એ એક સંસ્કાર છે. એક સંસ્કૃતિ છે. આજે જે વિદ્યાર્થીઓ વહેલા ઉઠીને શાળાએ જાય છે તેઓ કંઈ એ સંસ્કાર ધરાવે છે એમ માનવું નહિ. કારણ કે શિક્ષણમાં તો જેમ બધું ફરજિયાત હોય એમ વહેલા ઉઠવું એ પણ ફરજિયાત. મનોવિજ્ઞાનનો નિયમ છે કે જે કંઈ આજે ફરજિયાત હોય એને આવતીકાલે આપણે ધિકકારતા હોઈએ છીએ. ફરજિયાત તો અમરપદ મળે તોય ન લેવાય અને ફરજિયાત કોઈ આપણે આંગણે કામધેનુ બાંધી જાય તો એય ન સ્વીકારાય. કારણ કે સ્વનિર્ણય અને સ્વ-ઈચ્છા એ તો મનુષ્યત્વનો સૌથી મોટો આવિષ્કાર છે. ફરજિયાત જે કંઈ હોય એ ત્યાગ કરવા યોગ્ય જ હોય છે. હા, જે બાળકની અભિરુચિ વહેલા ઉઠવાની હોય એ વાત અલગ છે. મોટાભાગના બાળકો તો શાળાએ જાય ત્યારે સંયુક્ત કુટુંબમાં અરધું ઘર તો ઘોરતું હોય છે. એમાંય જો પિતાએ બાળકને શાળાએ મૂકવા જવાનું ન હોય તો તેઓ સ્વયં જ ઘસઘસાટ ઊંઘતા હોય છે. આપણે ત્યાં શિયાળામાં બધી શાળાઓ કંઈ બપોરની થઈ જતી નથી. ગમે તેવી ઠંડીમાં પણ મહત્ શાળાઓ તો સવારની જ રહે છે. આવી ઠંડીમાં વહેલા ઉઠતી વખતે બાળકની હાલત જે હોય એની કલ્પના હજુ સુધી તો આપણા દેશમાં કોઈને નથી. આ બાળકો મોડા સુતા હોય છે તો પણ એમણે વહેલા ઉઠવું પડે છે. ખરેખર તો આપડા દેશમાં થર્ડ ક્લાસ વિષયો પર પીએચ.ડી. કરનારા કહેવાતા સંશોધકોનો રાફડો ફાટેલો છે. તેઓ લાયબ્રેરીમાં બેસીને ઉતારા કરતા હોય છે. કોઈ સંશોધકે બાળકોની વહેલી સવારે સ્કૂલે જવાની સમસ્યા પર અભ્યાસ કરીને મહાનિબંધ લખવો જોઈએ અને એનો સારાંશ હોય એ કહેવાતા શિક્ષણવિદો સામે મૂકવો જોઇએ. બાળકો સ્કૂલોને ચાહે એ માટે આપણે શું પ્રયત્ન કરીએ છીએ એનો પણ થોડો આત્મવિચાર કરવો જોઈએ. જે બાળકોને વહેલી સવારના સ્કૂલે જવાનું હોય એમને સ્કૂલ કેટલી વહાલી હોઈ શકે તેના પર વિચાર કરો અને એ જ બાળકોને તેઓ એની મેળે જાગે ત્યારે શાંતિથી સ્કૂલે જવાનું હોય તો કેવી મજા પડે એના પર પણ શિક્ષણવિદોએ થોડો વિચાર કરવો જોઈએ. મોટાભાગની માતાઓ બાળકોને સ્કૂલે જવાના સમયે ધરાર ઉઠાડતી હોય છે અને આપણા દેશના ૯૦ ટકા બાળકો અનિચ્છાએ ઉઠતા હોય છે ત્યારે સ્વાભાવિક છે કે એને પ્રશ્ન થતો હોય કે સ્કૂલે ન જ જવાનું હોય તો કેવું સારું ! એને કારણે બાળકનો વિદ્યાક્ષેત્ર સાથેનો સંબંધ ગળથૂથીમાંથી જ ખોટી રીતે બંધાય છે. પછી એ જ બાળકો જ્યારે ચતુરાઈ અને ચાલાકી શીખે છે ત્યારે સ્કૂલની ઉપેક્ષાની શરૂઆત થાય છે. દરરોજ વહેલી સવારે માતા કેટલા સાદ કરે છે ? કદાચ એટલા જ સાદ જો એ ભગવાનને કરેને તો ત્રિભુવનમોહન ઈશ્વર સ્વયં એના ઘરના દરવાજે હાજર થઈ જાય ! બાળક નાનું હોય અરે શાળાએ જતું થાય ત્યારે દરરોજ સવારે માતા અને બાળક વચ્ચે જાગવાના પ્રશ્ને એક સંઘર્ષ રચાય છે. આ સંઘર્ષ નિવારી શકાય એવો છે, છતાં એ અંગે બાળકને કે માતાને માર્ગદર્શન આપવા માટે શિક્ષણ ક્ષેત્ર પાસે કોઈપણ પ્રકારની બુદ્ધિમત્તા નથી. એને કારણે ઘરેઘરમાં દરરોજ વહેલી સવારે વહેલા ઊઠવા અંગે માતા અને બાળક વચ્ચે અથડામણ થાય છે. કેટલીક માતા તો પહેલા સાદથી જ રાક્ષસી કુળનો પરિચય આપે છે તો બીજી માતાઓ પહેલા સપ્તકથી સ્વરપેટી ખોલે છે અને છેલ્લે વીણાના તાર તૂટી જવા સુધી પહોંચે છે. આવી સ્ત્રીઓ પછીથી જ્યારે નિજ મંદિરમાં પૂજા કરવા બેસે છે ત્યારે એ જગાડે એ પહેલા જ ઠાકોરજી ઓલરેડી જાગીને તૈયાર બેઠા હોય છે. વહેલી સવારથી ઠાકોરજી ડરી ગયા હોય છે કે આ ભક્તાણી મને જગાડવા ક્યાંક એવી જ બૂમો પાડશે તો….! એ સમયે માતાના હૈયાની સ્થિતિ જોવા જેવી હોય છે. કારણ કે માતાનું હૃદય સર્વ સંજોગોમાં બાળક તરફ હોય છે. મનથી તો માતા ઈચ્છતી જ નથી કે તે જંપી ગયેલા બાળકને આ અત્યાચારી શૈલીથી જગાડે ! છતાં આપણી શિક્ષણ વ્યવસ્થા એવી છે કે માતા પાસે જ ક્રૂરતાપૂર્વક બાળકને જગાડવાની પ્રવૃત્તિ કરાવે છે. શિક્ષણ ક્ષેત્રનો આ સૌથી મોટો અપરાધ છે. કારણ કે માતા પોતાના જંપી ગયેલા બાળકમાં સમગ્ર બ્રહ્માંડની શાંતિના દર્શન કરતી હોય છે ! એવા સમયે પોતાની જ અનિચ્છાથી માતા દરરોજ સવારે જાણે કે યુદ્ધે ચડે છે. બાળકને જગાડવામાં માતા એક સૈનિક છે અને પિતા સેનાપતિ ! જ્યારે સૈનિકથી કામ ન પતે ત્યારે સેનાપતિને મેદાનમાં ઉતારવામાં આવે છે. પરંતુ આ શિક્ષણથી મારા સંતાનોનું કલ્યાણ થશે એવી માન્યતાથી ગમે તેમ કરીને દંપતી બાળકને જગાડે છે. બાળક દસ વરસ શાળાએ જાય ત્યાં સુધીમાં તેઓ કુલ પચીસ-ત્રીસ હજાર સાદ કરી ચૂક્યા હોય છે. જ્યારથી ઈંગ્લિશ મીડિયમનો પ્રવાહ ચાલુ થયો છે ત્યારથી બાળકને જગાડવાની ક્રૂરતામાં વધારો થયો છે. કેટલીક સ્ત્રીઓ તો પોતાના બાળકમાં એક મહાન માણસને જોવા લાગી છે અને જાણે કે પોતે આઈન્સ્ટાઈન, ન્યૂટન કે બિલ ગેટ્‌સ કે એલેક્ઝાન્ડર ધ ગ્રેટને જગાડતી હોય એવા ખુશનુમા ખયાલમાં રાચે છે. જો કે દરેક માતાને મન એના સંતાનો મહાન જ હોય છે અને એમ માનવાનો એને સંપૂર્ણ અધિકાર છે પરંતુ ઈંગ્લિશ મીડિયમે થોડી ઘણી માનવીયતા હતી તે પણ હણી લીધી છે અને ફરજિયાતપણાનો એકડો વધુ પાકો કર્યો છે. બાળકો એ વાત સારી રીતે સમજે છે કે માંદા પડીએ તો રજા રાખવા મળે. એટલે એમના અર્ધજાગ્રત મનમાં એ કમાન્ડ પહોંચી જાય છે અને રજા રાખવાના મોહમાં બાળકનું શરીર માંદગીના બિછાને પડવા લાગે છે. રજા કોને વ્હાલી ન હોય ? અને બાળક કંઈ દેવોનું મન લઈને તો અવતરતું નથી. એની પાસે પણ આપણી જેવું જ સામાન્ય માનવમન હોય છે. જાગોને જશોદાના વહાલા વહાણલા વાયા…. તમારે ઓશિકે મારા ચીર ચંપાયા… વહાલા વ્હાણલા વાયા… બાળકને જગાડતી વેળાએ ગીત કે જેને આપણે પ્રભાતિયાં કહીએ છીએ તેની આ પરંપરા છે. બાળકને કઈ રીતે જગાડવા તે આપણે પશ્ચિમના દેશો પાસેથી શીખવા જવાની જરૂર નથી. ગિરિ તળેટીમાં નરસૈંયો પોતાના જન્મના પાંચ હજાર વરસ પહેલાના કૃષ્ણને માતા યશોદાના સ્વરમાં જગાડે છે…. હે.. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા… તુજ વિના ધેનુમાં કોણ જાશે…. આપણે તો પૂર્વના દેશો છીએ અને આદિકાળથી જાગેલા છીએ, જાગતા આવ્યા છીએ. સૂર્યાય નમઃ આદિત્યાય નમઃ ભાસ્કરાય નમઃ એ આપણા પ્રાતઃકાલીન વંદનવાર છે. જે બાળકો રાતે વહેલા જંપી જાય છે તેઓને વહેલા ઉઠવાનું અસલ સુખ મળે છે. પૂરતી ઊંઘ લીધા પછી તેઓનામાં તાજગી અને ઉલ્લાસ હોય છે. ઉલ્લાસ વિનાના ભણતરનો શો અર્થ છે ?