પેન્શનધારકોએ દર વર્ષે સામાન્ય રીતે નવેમ્બર-ડિસેમ્બરમાં ટ્રેઝરી, બેંક અથવા સંબધિત વિભાગમાં જીવન પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે. જેના માટે દૂર-દૂરના વિસ્તારમાં રહેતા પેન્શનરોને ટ્રેઝરીમાં જવા ઘણી વખત મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને મુસાફરીમાં પણ ખર્ચ થતો હોય છે. પરંતુ હવે ભારતીય ડાક વિભાગ દ્વારા તમામ વિભાગના પેન્શનધારકોને ઘરે બેઠા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ પ્રદાન કરવાની સુવિધા અપાઇ રહી છે. આ માટે રૂપિયા ૭૦ની ફી નિર્ધારીત કરાઈ છે. આ પ્રમાણપત્ર આપમેળે સંબંધિત વિભાગને ઓનલાઈન પહોંચી જશે અને પેન્શન મળવામાં કોઈ અડચણ નહીં થાય. પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું કે,”ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કે ૨૦૨૦માં કેન્દ્રીય, રાજ્ય અને કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થાના પેન્શનધારકો માટે જીવન પ્રમાણપત્ર શરૂ કરવા ડિજિટલ લાઇફ સર્ટિફિકેટની ડોર સ્ટેપ સેવા શરૂ કરી હતી. જે પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગ અને નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટરના સમન્વયમાં છે. આ સુવિધાનો લાભ મેળવવા પેન્શનધારકો પોતાના વિસ્તારના પોસ્ટમેન સાથે તેમજ પોસ્ટ ઈન્ફો મોબાઈલ એપ દ્વારા ઓનલાઇન અનુરોધ કરી શકે છે. પોસ્ટ વિભાગની પહેલ પેન્શનધારકોને ઘણી સુવિધા આપશે તેમજ તેની સાથે પેન્શનધારક પોસ્ટમેનના માધ્યમથી ઘરે બેઠા પેન્શનની રકમ આધાર ઈનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ દ્વારા પોતાના બેંક ખાતામાં મેળવી શકશે.