ડ્રગ્સ જેવા માદક પદાર્થોનું દૂષણ આજે મહાનગરો ઉપરાંત ગામડાંઓ સુધી પહોંચી ગયું છે ત્યારે ગુજરાત સરકાર આ દૂષણને ડામવા માટે પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ૨૦૨૧માં કેફી દ્રવ્યો પકડાવનારાને ઇનામ આપતી પ્રથમ નાર્કો રિવોર્ડ પોલિસી અમલમાં મૂકી હતી જેના પરિણામે ડ્રગ્સની જપ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૧માં રિવોર્ડ પોલિસી લાન્ચ થઈ ત્યારથી ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં ?૧૬,૧૫૫ કરોડની કિંમતનું ૮૭,૬૦૭ કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. નાર્કોટિક્સ રિવોર્ડ પોલિસી દ્વારા ગુજરાત યુવાનોને કેફી દ્રવ્યોની ચુંગાલમાંથી છોડાવવાની અને ડ્રગ્સ પેડલરોને સકંજામાં લેવાની દિશામાં આગળ વધ્યું છે.
નાર્કો રિવોર્ડ પોલિસી લાન્ચ કરતી વખતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એવું જણાવ્યું હતું કે, “ડ્રગનું દૂષણ આપણા સમાજને નબળો પાડશે અને યુવાનો તેનાથી દૂર રહે એ જરૂરી છે. ડ્રગ્સ અસ્થાયી રૂપે હાઈ ફીલિંગ આપી શકે છે પરંતુ લાંબા ગાળે તે આપણા શરીરને ભયંકર નુકસાન કરે છે. કોઈ જગ્યાએ ડ્રગ્સ વેચાતું હોય અને એ અંગે યુવાનોને જાણ થાય તો તેમણે પોલીસ અને રાજ્યના ગૃહ વિભાગને માહિતગાર કરવા જોઈએ.”
ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે અને એટલે જ તે ડ્રગ્સ પકડવામાં દેશભરમાં અગ્રેસર છે. ગુજરાત માદક પદાર્થોના દુરુપયોગને રોકવાના હેતુથી બાતમીદારો માટે રિવોર્ડ પોલિસી શરૂ કરનારું પહેલું રાજ્ય છે. ડ્રગ્સને નેસ્તનાબૂદ કરવાના પ્રયાસોમાં પોલીસ, કર્મચારીઓ/અધિકારીઓ અને બાતમીદારો પણ મહત્વનો ભાગ ભજવે છે. બાતમીદારોના જોખમને ધ્યાનમાં લેતાં અને રાજ્યમાં કેફી પદાર્થોનો વ્યાપાર અટકાવવા માટે ગુજરાત સરકારે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ બાતમીદારોને પ્રોત્સાહન આપવા માટે નાર્કોટિક્સ રિવોર્ડ પોલિસી શરૂ કરી હતી. આ રિવોર્ડ પોલિસીનું અમલીકરણ સરકારના ગૃહ વિભાગ હેઠળ થાય છે.
બાતમીદારો, જેમણે આપેલી માહિતી નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થો તેમજ એનડીપીએસ ઍક્ટ ૧૯૮૫ હેઠળ ગેરકાયદે હસ્તગત કરેલી મિલકતની જપ્તી તરફ દોરી જાય છે.એનડીપીએસ ઍક્ટ ૧૯૮૫ હેઠળ અધિકૃત અધિકારીઓ, જેઓ ગેરકાયદે પદાર્થોની જપ્તી કરે છે, સફળ ઇન્વેસ્ટીગેશન/પ્રોસિક્યુશન હાથ ધરે છે અને પોસ્ટ ઇન્વેસ્ટીગેશન કાર્ય દ્વારા ગુનો સાબિત કરે છે. અન્ય વિભાગના અધિકારીઓ, જેઓ એનડીપીએસ ઍક્ટ ૧૯૮૫ની જોગવાઈઓનું ઉલ્લંઘન સામે લાવવામાં મદદ કરે છે.
બાતમીદારે જપ્તીના સંદર્ભમાં આપેલ માહિતીની વિશિષ્ટતા અને ચોકસાઈ, લેવામાં આવેલ જોખમ અને તેનું પ્રમાણ વગેરે બાબતો રિવોર્ડની રકમ નક્કી કરતી વખતે ધ્યાનમાં લેવામાં આવે છે. તો સરકારી કર્મચારીઓ/અધિકારીઓ દ્વારા સફળ જપ્તી થઈ હોય તેવા કિસ્સાઓમાં તેમણે કરેલા વિશેષ પ્રયત્નો, કાર્યવાહીમાં લીધેલું જોખમ, સતર્કતા, પ્રતિબંધિત પદાર્થ સાથે સંકળાયેલા લોકોની ધરપકડ થઈ છે કે કેમ વગેરે બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે. જે અધિકારી કે કર્મચારી તેની સામાન્ય ફરજના ભાગરૂપે મેળવેલા પુરાવા રજૂ કરે તેને કોઈ રિવોર્ડ આપવામાં આવતો નથી.
નાર્કો રિવોર્ડ પોલિસી અંગે જાગૃતિનું પરિણામ એ આવ્યું છે કે એનડીપીએસ ઍક્ટ, ૧૯૮૫ હેઠળ નોંધાયેલા કેસમાં અને ડ્રગ્સની જપ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે. ૨૦૨૧માં રિવોર્ડ પોલિસી લાન્ચ થઈ ત્યારથી ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં ૧૬,૧૫૫ કરોડની કિંમતનું ૮૭,૬૦૭ કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે અને ૨૫૦૦ થી વધુ આરોપીઓ સામે આવ્યા છે. આ પોલિસી હેઠળ અત્યાર સુધીમાં ડીજીપી કમિટીએ ૬૪ લોકો માટે રિવોર્ડ તરીકે ૫૧,૨૦૨ મંજૂર કર્યા છે. તો એસીએસ ગૃહ સ્તરની કમિટીએ ૧૬૯ લોકો માટે ૬,૩૬,૮૬,૬૬૪ રિવોર્ડની રકમ મંજૂર કરી છે. આ ઉપરાંત, ૭૩૭ લોકોને કુલ ૫,૧૩,૪૦,૬૮૦ રિવોર્ડ આપવાનો પ્રસ્તાવ એનસીબી કમિટીને મોકલવામાં આવ્યો છે.