આ અગાઉ પણ એવા અહેવાલો આવ્યા છે કે માધુરી અનિલ કપૂર અને અજય દેવગન સાથે ફરી એક વખત જાવા મળશે. તાજેતરમાં જ માધુરી દિક્ષિતે એક ઇન્ટરવ્યુમાં આ અંગે વાત કરી હતી. સાથે જ તેણે ‘ભુલભુલૈયા ૩’ વિશે અને ‘ધમાલ ૪’ અંગે પણ વાત કરી હતી. ‘ધમાલ ૪’ અંગેના પ્રશ્નમાં માધુરીએ કહ્યું, ‘જાકે, હાલ હું એ અંગે વાત કરી શકું તેમ નથી, કારણ કે મને પણ ખબર નથી શું થઈ રહ્યું છે.પરંતુ જેમ બધું ગોઠવાઈ જશે અને કામ શરૂ થશે એવું તરત જ હું તમને જણાવીશ.’
૨૦૧૯માં ધમાલમાં માધુરી, અજય અને અનિલ સાથે કામ કરી ચૂક્યા છે. જ્યારે કેટલાંક સૂત્રના જણાવ્યા અનુસાર ડિરેક્ટર ઇન્દ્રકુમાર ધમાલ ૪ના શૂટિંગની તૈયારી કરી રહ્યા છે. જ્યારે તૃપ્તિ, કાર્તિક અને વિદ્યા સાથે કામ કરવાના અનુભવ અંગે માધુરીએ જણાવ્યું,’અદ્દભુત અનુભવ, જાણે એક ઘનિષ્ટ પરિવાર હોય એવું લાગતું હતું.’ માધુરીએ કહ્યું, તેને સેટ પર બહુ મજા આવી હતી. જ્યારે માધુરી અને વિદ્યાના ‘આમી જે તોમાર’ ગીતની ખાસ ચર્ચા છે, ત્યારે આ અંગે વાત કરતાં માધુરીએ વિદ્યા બાલનના વખાણ કર્યાં હતાં. તેણે કહ્યું,’જ્યારે મને આ ઓરિજિનલ ગીતમાં ઓરિજિનલ કલાકાર સાથે કામ કરવાની તક મળી તો મને બહુ જ મજા પડી. જ્યારે તમે આવા લોકો સાથે કામ કરતાં હોય ત્યારે તમને પણ અલગ રીતે કામ કરવાની પ્રેરણા મળે છે. સેટ પર બધાં બહુ જ સાથે મળીને કામ કરતાં હતાં. મેં બહુ જ મજા કરી છે. હું આ ટીમનો ભાગ બનીને ઘણી ઉત્સુક છું.’ અનિસ બાઝમીએ ડિરેક્ટ કરેલી ભુલભુલૈયા ૩ ૧ નવેમ્બરે, દિવાળી સમયે થિએટરમાં રિલીઝ થશે.