લાઠી પોલીસ સ્ટેશનના ટાઉન બીટ પોલીસ સ્ટાફ ૧૫/૦૩/૨૦૨૫ના રોજ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બસ સ્ટેન્ડ ખાતે એક વયોવૃધ્ધ વ્યક્તિ આંટાફેરા મારતા જોવા મળ્યા હતા. આથી તેમની પૂછપરછ કરતા તેઓ બોલી શકતા ન હોય અને માનસિક સ્થિતી સારી ન હોય તેવું જણાયું હતું. તેઓ પોતાની ઓળખ આપી શકતા નહોતા. આથી તેમને લાઠી પોલીસ ચોકી ખાતે લાવી તેમના પરિવાર અંગે તપાસ કરી હતી. તેમનો પરિવાર અમરેલી ખાતે રહેતો હોય તેવું જણાઇ આવેલ. તેના આધારે તેમના દીકરા મહેશભાઈ સવજીભાઈ લાલૈયા (રહે. જેસીંગપરા અંબીકાનગર)નો સંપર્ક કરી ખરાઇ કરીને તેમને લાઠી બસ સ્ટેન્ડ પોલીસ ચોકી ખાતે બોલાવવામાં આવ્યા હતા. મહેશભાઇએ જણાવેલ કે મારા પિતાને માનસિક બીમારી છે અને આંખે ઓછુ દેખાતું હોવાથી તેઓ ઘરે કોઇને કહ્યા વગર નીકળી ગયેલ હતા. આમ, આ વયોવૃધ્ધ વ્યકિત સવજીભાઇ કાનજીભાઇ લાલૈયાનું તેમના પરિવાર સાથે સુખદ મિલન કરાવી લાઠી પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીને હદયસ્પર્શી કામગીરી કરી છે. લાઠી પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટર એસ.એમ. સોન ની સૂચના હેઠળ હેડ કોન્સ. કુમારસિંહ કે. રાઠોડ, હેડ કોન્સ. હસમુખભાઇ એન. ખુમાણ, પો.કોન્સ પરેશભાઇ એસ. ચૌહાણ તથા પો.કોન્સ. વિજયભાઇ વી. તલસાણીયા દ્વારા આ કામગીરી કરવામાં આવેલ છે.