વિદેશ યાત્રા કરવાનું બને ત્યાં સુધી હું ટાળું છું. કારણ કે હું જ્યાં જાવ ત્યાં વિદેશના પત્રકારો મને ઘેરી વળે છે અને મારા ઉપર જાત જાતના સવાલોનો મારો ચલાવે છે. ( અને એ વાત અલગ છે કે અહીંયા સ્વદેશી મીડિયા મારો ભાવ પૂછતું નથી. સામેથી પ્રેસ કોન્ફરન્સ બોલાવું છું તો પણ કોઈ આવતું નથી. જેવા એ લોકોના નસીબ બીજું શું? આપણા મીડિયાએ સારા સારા માણસોને ખૂણામાં ધકેલી દીધા છે એમાંનો હું પણ એક છું.) વિદેશમાં મારી પાસે મીડિયા સાથે વાત કરવાનો સમય હોતો નથી કારણ કે હું ફરવા જાઉં છું મીડિયા સાથે વાત કરવા જતો નથી. તો પણ મીડિયા મને એક વાર ઘેરી વળે પછી મારે પત્રકારોના સવાલોના જવાબો તો દેવા જ પડે છે. કારણ કે પત્રકારો સાથે તમે પ્રેમથી વાત ન કરો તો એ લોકો એ વખતે તો કંઈ ન બોલે પણ ત્રણ મહિના પછી તમે ધાર્યું પણ ન હોય એવું તમારું કૌભાંડ બહાર આવે. એટલે મેં નક્કી કર્યું છે કે યા તો વિદેશ જવું નહીં અને જવું તો પત્રકારો દ્વારા પૂછાતા સવાલોના જવાબો પ્રેમથી આપવા. વિદેશમાં એક સવાલ મને વારંવાર પુછાય છેઃ ” એક વૈજ્ઞાનિક તરીકે તમે આઈન્સ્ટાઈનની જેમ ઢગલાબંધ શોધો કરી છે તેમાંથી સૌથી મહત્વની શોધ તમને કઈ લાગે છે?” વિશ્વમાં ભારતનું ગૌરવ વધારવા માટે જ મારો જન્મ થયો હોવાને કારણે વિશ્વના પ્રથમ પંક્તિના પાંચ વૈજ્ઞાનિકોમાં આજે મારું નામ પુરા આદરથી લેવાય છે અને એટલે વિદેશના પત્રકારો મને આ સવાલ કરે તે અત્યંત સ્વાભાવિક છે અને હું
આભાર – નિહારીકા રવિયા તેનો ઉમળકાભેર અને ગંભીરતાપૂર્વક જવાબ પણ આપું છું. પરંતુ મારા એ સવાલોના જવાબનો ફાયદો મારી જન્મભૂમિ ભારતને મળવો જોઈએ તેને બદલે વિદેશના લોકોને તેનો ફાયદો થાય છે એનું મને ભારોભાર દુઃખ છે. દેશ-વિદેશમાં ફેલાયેલી મારી ખ્યાતિ અને લોકપ્રિયતાને કારણે ઈર્ષા કરી રહેલા ભારતીય પત્રકારો મારી અવગણના કરે છે અને મને કંઈ જ પૂછવા રાજી નથી તેના કારણે આખરે દેશપ્રેમને વશ થઈ ભારતીય જનતાના લાભાર્થે મારે આ લેખ લખવા માટે મજબૂર થવું પડ્યું છે. ( એટલે પત્રકારો તો ઠીક પણ તંત્રી સમાજ પણ જો મારી ઈર્ષા નહીં કરતો હોય તો અત્યારે તમે આ લેખ વાંચી રહ્યા હશો.) તો હવે મૂળ વાત ઉપર આવીએ. હકીકતમાં વિશ્વ આખાને હલાવી દેનારી અને અનેક અનેક કરોડ લોકોને ખુશ કરી દેનારી મારી આ શોધ એક થીયરી છે. જે રીતે આલ્બર્ટ આઈન્સ્ટાઈનની એનર્જી સંબંધિત શોધ થિયરી ઓફ રિલેટિવિટી તરીકે ઓળખાય છે એ રીતે મારી શોધ TNBW અર્થાત થિયરી ઓફ નો બાથ ઇન વિન્ટર તરીકે ઓળખાય છે. જે રીતે આઈન્સ્ટાઈનનું સૂત્ર E=MC² વૈજ્ઞાનિક બુદ્ધિ ધરાવતા વર્ગમાં સુવિધ્યાત છે એ જ રીતે મારું સૂત્ર W=BO³ વિશ્વમાં સતત જળ બચાવો અભિયાનમાં માનનાર લોકોમાં અત્યંત જાણીતું છે. W=BO³નું ફુલ ફોર્મ થાય છે: Winter is equal to Bath Only 3 time. ( શિયાળો અર્થાત માત્ર ત્રણ જ ટાઈમ નહાવાનું). મિત્રો ભારતમાં ઉમાશંકર જોશીની “વૃષભાવતાર” કવિતાથી જાણીતો બનેલો સિદ્ધાંત “એક વાર ખાય અને ત્રણ વાર ન્હાય” ખૂબ જાણીતો બની ગયેલો હોવાથી મારી આ શોધ પ્રત્યે ભારતમાં ખૂબ જ ગેરસમજ પ્રવર્તી રહી છે. આથી હું સાફ શબ્દોમાં જણાવું છું કે મારી આ શોધનો મતલબ થાય છે મતલબ કે W=BO³નો અર્થ થાય છે શિયાળાની સમગ્ર ઋતુના સમગ્ર ચાર મહિના દરમિયાન માત્રને માત્ર ત્રણ જ વખત નહાવું. મિત્રો ભારતમાં ખાનગીમાં મારો આ સિદ્ધાંત ખૂબ જ લોકપ્રિય છે પરંતુ કેટલાક સિદ્ધાંતડાહ્યા લોકો મારા સિદ્ધાંતનું પાલન કરતા હોવા છતાં જાહેરમાં કહેવા પૂરતો વિરોધ કરે છે. પરંતુ વિરોધ કરનારા લોકોને હું તદ્દન અજ્ઞાની ગણું છું કારણ કે તે લોકોએ મારી નો બાથ ઇન વિન્ટર થીયરીનો થીસીસ વાંચ્યો નથી હોતો. મારી આ થિયરીને અમલમાં મૂકવામાં આવે તો તે વિશ્વનું જળધન એટલે કે પાણી તો બચાવી જ આપે છે પણ આ સાથો સાથ તે શિયાળાની કડકડતી ઠંડી સામે શરીરને રક્ષણ પણ આપે છે. બહુજન સુખાય અને બહુજન હિતાય એવા વિરાટ સિદ્ધાંતોને વરેલો એવો હું મારા વર્ષો સુધીની તપસ્યા સમાન સંશોધન દરમિયાન અનેક પ્રયોગોના અંતે એવા તારણ પર આવ્યો છું કે સ્નાન કરવાથી ચામડીનો કેટલોક મહત્વનો ભાગ ઘસાઈ જાય છે અને સાબુ જેવા સેન્દ્રીય તત્વોથી ચામડીને નુકસાન પણ થાય છે. જ્યારે સ્નાન નહીં કરવાથી ત્વચા ઉપર એક કુદરતી પ્રકારનું જ અદ્રશ્ય આવરણ સર્જાય છે. સ્નાન મોહથી અંજાયેલા અજ્ઞાની આત્માઓ આ આવરણને મેલ કહે છે. પરંતુ હું આ અદૃશ્ય આવરણને ઠંડીથી બચાવતું સુરક્ષા કવચ કહું છું.
ગમે તેટલો ઉપદેશ આપો અને ગમે તેટલું સમજાવો પરંતુ ભારતના લોકો મારી આ વાત સમજવાના નથી એની મને ખાતરી છે. અરે આ સિદ્ધાંત એટલો બધો અઘરો છે કે આ શોધનો શોધક એટલે કે હું પોતે જ એનું પાલન કરી શકતો નથી તો પછી બીજાની તો ક્યાં વાત કરવી? આમાં તો શિયાળામાં ત્રણથી વધુ વખત સ્નાન કરવા ઉપર સરકારી રાહે પ્રતિબંધ આવે તો જ લોકો સુધરી શકે. સ્નાનલોલુપ લોકો નહાયા વગર રહી જ શકવાના નથી. વળી સરકારી રાહે જ્ઞાન પ્રતિબંધ ધારો લાવવા બાબતે હું ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે પછી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કે ઇઝરાયેલના પ્રમુખ બેન્જામિન નેતન્યાહૂ સુધીના લોકો ઉપર પણ ખાસ કોઈ આશા રાખી શકતો નથી. કારણ કે એ લોકો પણ સ્નાનમોહથી ઘેરાયેલા સંસારી આત્માઓ છે. આ બાજુ રશિયા કે યુક્રેનમાં વ્લાદીમિર પુતીન કે વ્લાદીમીર ઝેલેન્સ્કી ઉપર પણ હું એવી કોઈ આશા રાખી શકતો નથી કારણ કે એ લોકો પણ સ્નાનમોહથી ઘેરાયેલા હોવાનું મારી જાણમાં આવ્યું છે. નહિતર પહેલા મારી જાણમાં એવું આવ્યું હતું કે આ લોકો છેલ્લા બે વર્ષથી ન્હાયા-ધોયા વગર ૨૪ કલાક યુદ્ધ જ કરે રાખે છે. પરંતુ હમણાં મારા એક બાતમીદારે મને માહિતી આપી કે આ લોકો તો દિવસમાં બે વખત ન્હાય છે… પત્યુ…
પરંતુ વિશ્વમાં ક્રાંતિકારી વિચારોને ન્યાય આપનાર લોકો સાવ નામશેષ થઈ ગયા નથી. હજી બે દિવસ પહેલા જ મારી W=BO³ થિયરીનો જીણવટપૂર્વક અભ્યાસ પૂરો કર્યા બાદ તરત જ નોર્થ કોરિયાના પ્રેસિડેન્ટ કીમ જોંગ ઉનનો મારા ઉપર ફોન આવ્યોઃ ” તમારી થીયરીનો અભ્યાસ કર્યા પછી હું નોર્થ કોરિયામાં શિયાળાની ઋતુ દરમિયાન ત્રણથી વધુ વખત સ્નાન કરવા ઉપર પ્રતિબંધ મૂકવા માગું છું અને સિઝન દરમિયાન ચોથું સ્નાન કરનારને સીધે સીધા ગોળીએ દેવાની જોગવાઈ કરવા માગું છું. તમે કંઈ કહેવા માંગો છો?” મેં કહ્યુંઃ “ના, આનાથી તમારા પ્રવાસન ઉદ્યોગને ફાયદો થશે લાખો ભારતીય લોકો શિયાળો ગાળવા માટે તમારા દેશમાં આવશે. કાયદેસર સ્નાન મુક્તિનો પણ એક આનંદ હોય છે અને એ તમારા દેશમાં જ શક્ય છે.”