ટીકુ ટેણીયાને જાંબુ બહુ ભાવે. જાંબુ જોઈને એના મોંમાં પાણી આવી જાય. જાંબુ ખાવાનો એ એટલો શોખીન કે વારે ઘડીએ જાંબુના ઝાડ પાસે પહોંચી જાય. જઈને કહે, “એય જાંબુડા, જરા બે-ચાર જાંબુ નીચે ફેંકને! મારે જાંબુ ખાવા છે.” પણ જાંબુડો સાંભળે તો ને! ટીકુ ટેણીયો ગમે એટલી બૂમો પાડે પણ જાંબુડો મૂંગોમંતર બની ઊભો રહે. કંઈ જ ન બોલે. એના પાંદડાનો ફરફર ફરફર અવાજ આવે. જાણે એ ટીકુને જાંબુ માટે ના કહેતો હોય.
ટીકુ પણ ભારે હઠીલો. એને તો બસ જાંબુ ખાવા એટલે ખાવા! એને જાંબુ ખાધા વિના ચાલે જ નહિ. એણે હાથમાં પથ્થર લીધો ને તાક્યું નિશાન જાંબુ ભણી. એક આંખ બંધ કરી બરાબર નિશાન તાક્યું ને પથ્થર ફેંક્યો જાંબુના ઝૂમખા ભણી. પથ્થર સનનન કરતો જાંબુના ઝૂમખામાં અથડાયો. ટીકુએ બરાબર નિશાન તાક્યું. ટપટપટપ… ટપોટપ કરતાં જાંબુ નીચે પડ્‌યા.
પણ આ શું! જાંબુ તો છૂંદાઈ ગયા. ટીકુએ વિચાર્યું, ‘આવા છૂંદાયેલા જાંબુ તે કાંઈ ખવાતા હશે!’. ટીકુ મનોમન વિચારવા લાગ્યો. હવે શું કરું તો સરસ મજાના મીઠાં મીઠાં જાંબુ ખાવા મળે! ત્યાં એણે બાજુમાં એક લાકડાનો ડંડો પડેલો જોયો. એને કંઈક ઝબકારો થયો. એણે હાથમાં ડંડો લીધો ને તાક્યું નિશાન જાંબુ ભણી. એક આંખ બંધ કરી બરાબર નિશાન તાક્યું ને ડંડો ફેંક્યો જાંબુના ઝૂમખા ભણી. સનનન કરતો ડંડો જાંબુના ઝૂમખામાં અથડાયો. આ વખતે એ સતર્ક હતો. જાંબુડા પરથી નીચે પડતાં જાંબુ ઝીલવા એ દોડ્‌યો. પણ એકેય જાંબુ એના હાથમાં ન આવ્યું. એણે બે-ચાર વખત ડંડો ફેંકી જાંબુ ઝીલવા પ્રયત્ન કર્યો. પણ એમાં એ સફળ ન થયો.
એટલામાં એનો મિત્ર પીકુ આવી ચડ્‌યો ને ટીકુને પૂછ્યું, “ટીકુ, આમ જાંબુડા સામે ટીકીટીકીને શું જોયા કરે છે ને તું આટલો હાંફે છે કેમ?”
“જોને યાર! આ જાંબુ ખાવા ક્યારનોય મહેનત કરું છું પણ એકેય જાંબુ ખાવા ન મળ્યું તે ન જ મળ્યું. મને તો જાંબુ બહુ જ ભાવે. હું ક્યારનોય પ્રયત્ન કરું છું. પણ એકેય જાંબુ મારા હાથમાં ન આવ્યું. લાગે છે કે આજે મને જાંબુ ખાવા નહિ જ મળે.” – ટીકુ નિરાશા સાથે બોલ્યો.
પીકુએ કહ્યું,”યાર, તું જરાય ચિંતા ન કર. હું છું ને! મેં એક વીડિયો જોયો હતો. એમાં ઝાડ પરથી ફળ પાડવાની એક સહેલી રીત હતી”
“હેં! જલદી બોલ! જલદી બોલ!” – ટીકુ રાજીરાજી થતાં બોલ્યો.
“ચાલ, આપણે એક લાંબી લાકડી, એક પ્લાસ્ટિકની બોટલ ને દોરી શોધી લાવીએ.” – ટીકુ-પીકુ દોડ્‌યા શોધવા.
ઘડીભરમાં જોઈતી વસ્તુઓ શોધી નાખી. વીડિયોમાં જોયા મુજબ લાકડીના એક છેડે બોટલ દોરીથી બાંધી એમાં જરૂર મુજબનો કાપ મૂકયો. ટીકુ-પીકુએ જાંબુ ઊતારવાનું સાધન બનાવી લીધું. પછી તો એ લાંબી લાકડી જાંબુના ઝૂમખા નજીક લઈ જઈ બોટલમાં ઝૂમખું ભરાવી લાકડી ખેંચી એટલે કટ કરતું જાંબુનું ઝૂમખું બોટલમાં. એમને તો મજા પડી!
આમ ટીકુ-પીકુએ ઘણા જાંબુ તોડયા, ઘણા જાંબુ ખાધા. તે બંને જાંબુ ખાઈ ખાઈને ધરાઈ ગયા. ટીકુએ પીકુને તેની યુક્તિ અને મદદ બદલ ‘Thank you’ ‘ કહ્યું. Mo ૯૦૯૯૧૭૨૧૭૭