ઇન્ડિયન ડેરી એસોસિએશન દ્વારા આયોજિત ઇન્ટર ડેરી એવોડ્ર્સ-૨૦૨૪માં માહી મિલ્ક પ્રોડ્યૂસર ઓર્ગેનાઇઝેશનને પ્રતિષ્ઠિત “એડોપ્શન ઓફ બેસ્ટ પેકેજિંગ એવોર્ડ” એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ માહી ડેરીની પ્રીમિયમ પ્રોડક્ટ ગીર અમૃત ઘીની ઉત્કૃષ્ટ પેકેજિંગ ડિઝાઇન માટે આપવામાં આવ્યો છે. પાંચથી દસ લાખ લિટર પ્રતિદિનની ક્ષમતાની શ્રેણીમાં માહી ડેરીને આ એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ સાથે માહી ડેરીની યશકલગીમાં વધુ એક પીંછું ઉમેરાયું છે. આ એવોર્ડની જાહેરાત થતાં જ સંસ્થાના એક લાખથી વધુ સભાસદોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. આ એવોર્ડ સંસ્થાના ચીફ એક્ઝિક્યુટિવ ડો. સંજય ગોવાણીએ સ્વીકાર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ એવોર્ડ એ ગુણવત્તા અને નવીનતા પ્રત્યેના અમારા સમર્પણ અને અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ ઉત્પાદનો પહોંચાડવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ સન્માન એ પ્રત્યેક દૂધ ઉત્પાદક સભ્ય, ગ્રાહકો અને માહી ટીમ સાથે જોડાયેલા તમામ સભ્યોનું છે. સંસ્થાના ચીફ એક્ઝિક્યુટિવ ડો. સંજય ગોવાણીની આગેવાની હેઠળ સેલ્સ હેડ હર્ષદત્ત ચોબે, ડેપ્યુટી જનરલ મેનેજર પરસોતમ પટોલિયા, બિપીન ચીકાણી, જ્ઞાનેન્દ્ર વર્મા તથા મિલન પરીખની ટીમે આ એવોર્ડ અને પ્રમાણપત્ર સ્વીકાર્યા હતા.