ભાજપ આગેવાન રાજુભાઈ મિલને ધારાસભ્યને પણ રજૂઆત કરી
અમરેલી, તા.૧૦
અમરેલી જિલ્લા ભાજપના કારોબારી સભ્ય રાજુભાઇ મિલને ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને ઇન્ડેક્ષ આધારિત પ્રોપર્ટી કાર્ડમાં પડતર નોંધ મુદ્દે પત્ર લખીને રજૂઆત કરી છે.
તેમણે પત્રમાં જણાવ્યું છે કે, મહેસૂલ વિભાગ દ્વારા દસ્તાવેજના ઈન્ડેક્ષ આધારિત પ્રોપર્ટી કાર્ડમાં નોંધ દાખલ કરવાની સ્પષ્ટ જોગવાઈ સૂચવેલ છે. પરંતુ અમરેલી સીટી સર્વે સુપ્રીટેન્ડેન્ટ દ્વારા પાંચ વર્ષથી વધુ સમયથી મિલકતના રજિસ્ટર્ડ કે વેચાણ દસ્તાવેજ, ફારગતી દસ્તાવેજ, ચુક દસ્તાવેજ વગેરેની ઇન્ડેક્ષ આધારિત નોંધ કરવામાં અનિયમિતતાઓ દાખવી નોંધ પાડવામાં વ્યાપક વિલંબ-કસૂર કરાઇ રહેલ છે. જેના કારણે લોકોની મુશ્કેલીઓ વધી છે અને ત્રાહિમામ થયેલ છે. આથી આ અંગે તંત્રને આપની કક્ષાએ તાકીદે સૂચના આપવા વિનંતી છે. આ લેખિત રજૂઆતની નકલ અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઇ વેકરિયાને પણ આપવામાં આવી છે.