મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સલન્સનો પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતમાં છે એઆઇ ક્ષેત્રમાં આ સેન્ટર મહત્વપૂર્ણ થિન્ક ટેન્ક તરીકે ઉભરી આવશે. રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને માઇક્રોસોફ્ટ વચ્ચે ગિફ્ટ સિટીમાં એઆઇ સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના માટે જુન-૨૦૨૪માં થયેલા એમઓયુની ફળ શ્રુતિ રૂપે આ સેન્ટર કાર્યરત થયું છે આ સેન્ટરમાં મશીન લર્નિંગ, કોગનીટિવ સર્વિસીસ અને ચેટ બોટ સર્વિસ જેવી મુખ્ય ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ ટેક્નોલોજીના વિવિધ ક્ષેત્રોના સફળ પાયલોટ પ્રોજેક્ટ્‌સનું રોલઆઉટ અને વિવિધ તાલીમ કાર્યક્રમો યોજાશે. એટલું જ નહિ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર નાગરિકોને અસરકારક, સમયબદ્ધ સેવા પહોંચાડવા, મૂળભૂત સ્તરે નવીનતાને પ્રોત્સાહન આપીને અને ઉત્પાદન, હેલ્થકેર અને શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં ટેક્નોલોજીકલ પ્રગતિને વેગ આપીને સરકાર અને ઉદ્યોગ એમ બંને માટે વિસ્તૃત સાથ સહકાર પણ પ્રદાન કરશે.
આ સેન્ટર ઓફ એક્સલન્સની શરૂઆત સાથોસાથ મુખ્યમંત્રીશ્રીએ ઈનોવેશન ચેલેન્જનું પણ લોન્ચિંગ કર્યું હતું. એમણે એઆઇ અને આઇઓટી લેડ સોલ્યુશન તથા સ્ટાર્ટઅપમાં ઇનોવેટિવ સોલ્યુશન્સના અર્લી એડોપ્શન માટેના ૧૦ એવોર્ડ્‌સ એમએસએમઇને એનાયત કર્યા હતા.એઆઇ સેન્ટર ઓફ એક્સલન્સનો પ્રારંભ ગુજરાતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજી આધારિત વિકાસનું હબ બનાવવાની દિશામાં એક મોટું કદમ છે તેમ પણ મુખ્યમંત્રી ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ ‘યહી સમય હે, સહી સમય હે’ના વડાપ્રધાનશ્રીએ આપેલા ધ્યેય મંત્રને ટેકનોલોજી યુક્ત નવીનતા સભર અભિગમથી વિશ્વ સાથેની સ્પર્ધામાં અગ્રેસર રહીને યુવાશક્તિ સાકાર કરે છે તેની પણ ભૂમિકા આપી હતી. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું કે, ગિફ્ટમાં ઇનોવેશન હબની શરૂઆત પછી આજે ખૂબ ટૂંકા સમયમાં એઆઇ સેન્ટર ઓફ એક્સલન્સ નો પ્રારંભ થયો છે. આ સેન્ટર સ્ટાર્ટઅપ્સ અને ઇન્ડસ્ટ્રી વચ્ચે મહત્વપૂર્ણ સેતુ તરીકે કામ કરશે અને એઆઇ ટેકનોલોજી સેક્ટરમાં નોલેજ ગેપ પૂર્ણ કરશે.આ ઉપરાંત નવા સોલ્યુશન્સ બનાવવા માટેના એક્સપર્ટસ, પ્રોફેશનલ્સ અને સ્ટાર્ટઅપ્સને એક મંચ પર લાવનારી ઇકો સિસ્ટમ પણ ઊભી થશે એવો વિશ્વાસ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દર્શાવ્યો હતો.
મુખ્ય સચિવ રાજકુમારે આ પ્રસંગે જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં સેન્ટર ઓફ એક્સલન્સનો શુભારંભ થયો છે તે ગુજરાત માટે ગર્વની ક્ષણ છે. ગુજરાત આજે દરેક ક્ષેત્રે એઆઇ ટેક્નોલોજીને અપનાવવામાં સમગ્ર દેશમાં અગ્રેસર અને માર્ગદર્શક રાજ્ય બન્યું છે. ૧૯૯૦ થી ૨૦૦૦ વચ્ચેના દાયકામાં નવી ટેકનોલોજી તરીકે ઈન્ટરનેટ આવ્યું, તેના પરિણામે ડિજિટાઇઝેશન વધતા સમગ્ર દુનિયા આંગળીના ટેરવે પહોંચી ગઈ છે. તેવી જ રીતે, અત્યારના સમયમાં નવીન ટેકનોલોજી તરીકે એઆઇને અપનાવીને “વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત”નો મજબૂત પાયો રાજ્ય સરકારે નાંખ્યો છે. આ સમારોહમાં તજજ્ઞ વક્તાઓ દ્વારા ડિજિટલ ટ્રાન્સફોર્મેશન યુગમાં એઆઇનો ઉપયોગ, ઈનોવેશન સ્પોટલાઇટમાં ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મ માટે એઆઇ ચેટબોટ તથા સ્ટાર્ટ અપ, ઇન્ડસ્ટ્રી અને એકેડેમીઆ માટે ઇકોસિસ્ટમ જેવા વિવિધ વિષયો પર ચર્ચા-પરામર્શ થયા હતા. ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિ.ના મેનેજિંગ ડિરેક્ટર તુષાર ભટ્ટ, સમગ્ર શિક્ષા અભિયાનના પ્રોજેક્ટ ડિરેક્ટર લલિત નારાયણ સંધુ ઉપરાંત કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના અધિકારીઓ-કર્મચારીઓ, વિવિધ ક્ષેત્રના ઉદ્યોગકારો અને ઉદ્યોગ સાહસિકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.