કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે આઈપીએલ ૨૦૨૫ની ૪૪મી મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી. કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં પંજાબ કિંગ્સની બેટિંગ બાદ જ્યારે કોલકાતાના બેટ્સમેન ક્રિઝ પર આવ્યા ત્યારે માત્ર એક ઓવર બાદ ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો. આના થોડા સમય બાદ મેચ રદ જાહેર કરવામાં આવી હતી. બંને ટીમોના ખાતામાં ૧-૧ પોઈન્ટ આપવામાં આવ્યો છે. પંજાબના બેટ્સમેનોએ વિસ્ફોટક બેટિંગ કરી હતી, પરંતુ કમનસીબે મેચ પૂરી થઈ શકી નહોતી.
પ્રિયાંશ આર્યા અને પ્રભસિમરન સિંહે પોતાની બેટિંગ કરી હતી. બંનેએ ઈડન ગાર્ડનમાં ચોગ્ગા-છગ્ગા ફટકાર્યા હતા. પ્રિયાંશે ૩૫ બોલમાં ૬૯ અને પ્રભસિમરન ૪૯ બોલમાં ૮૩ રન બનાવી આઉટ થયો હતો. પ્રિયાંશે ૮ ચોગ્ગા અને ચાર સિક્સ ફટકારી હતી. તો પ્રભસિમરને ૬ ફોર અને ૬ સિક્સ ફટકારી હતી. આ બંનેની શાનદાર ઈનિંગ બાદ મેક્સવેલ ફરી નિષ્ફળ રહ્યો હતો.
માર્કસ સ્ટોઇનિસની જગ્યાએ અંતિમ ઈલેવનમાં આવેલા ગ્લેન મેક્સવેલે પંજાબ કિંગ્સને નિરાશા અપાવી હતી. તે રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. તેણે ૮ બોલમાં માત્ર સાત રન બનાવ્યા અને વરૂણ ચક્રવર્તીનો શિકાર બન્યો હતો. વરૂણ વિરુદ્ધ આ કાંગારૂ બેટરનો રેકોર્ડ શરમજનક છે. તે પાંચમી વખત આ મિસ્ટ્રી સ્પીનરનો શિકાર બન્યો હતો.
મેક્સવેલને ગત સિઝન બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા પડતો મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે આઈપીએલ મેગા ઓક્શનમાં પોતાનું નામ સામેલ કરાવ્યું હતું. પંજાબ કિંગ્સે ફરી એકવાર તેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો. તે અગાઉ પણ આ ટીમ સાથે રમી ચૂક્યો છે. પ્રીતિ ઝિન્ટાની ટીમ પંજાબે તેને ૪.૨ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ટીમની સહ-માલિક પ્રીતિ ઝિન્ટા તેમજ કોચ રિકી પોન્ટિગને મેક્સવેલ પર ઘણો વિશ્વાસ હતો, પરંતુ તે હજુ સુધી તેમની અપેક્ષાઓ પર ખરો ઉતર્યો નથી. મેક્સવેલ ૬ ઇનિંગ્સમાં માત્ર ૪૧ રન જ બનાવી શક્યો હતો.
મેક્સવેલના આઉટ થયા બાદ સુરેશ રૈનાએ તેની ખૂબ ટીકા કરી હતી. રૈનાએ કહ્યુ- મને યાદ નથી કે છેલ્લે મેક્સવેલે કઈ ટીમ માટે રન બનાવ્યા હતા. તેને ખૂબ તક મળી છે. રૈનાની વાત સાચી પણ છે. મેક્સવેલ ૨૦૧૨થી આઈપીએલમાં રમી રહ્યો છે. તે ૧૩ માંથી માત્ર ૩ સીઝનમાં ૪૦૦થી વધુ રનબનાવી શક્યો છે. મેક્સવેલે આઈપીએલની ૧૪૧ મેચમાં ૨૩.૮૯ની એવરેજ અને ૧૫૫.૧૫ની સ્ટ્રાઇક રેટથી ૨૮૧૯ રન બનાવ્યા છે. તાજેતરમાં પૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ પણ તેના પર ગુસ્સે થયો હતો. વીરૂએ તો કહ્યુ કે તે માત્ર અહીં રજા મનાવવા આવે છે. સોશિયલ મીડિયા તો મેક્સવેલને આઈપીએલના ઈતિહાસનો સૌથી મોટો ફ્રોડ ગણાવી રહ્યું છે.