કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ આજે સંસદમાં સરકારના ત્રીજા કાર્યકાળનું પહેલું પૂર્ણ બજેટ અને ૮મું બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટ રજૂ કરતા તેમણે કહ્યું કે સરકાર આગામી ત્રણ વર્ષમાં તમામ જિલ્લા હોસ્પિટલોમાં ડે કેર કેન્સર સેન્ટર સ્થાપવાની સુવિધાઓ પૂરી પાડશે. આ ઉપરાંત, તે આગામી ૫ વર્ષમાં મેડિકલ કોલેજામાં ૭૫,૦૦૦ નવી મેડિકલ બેઠકોનું સર્જન કરશે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે છેલ્લા ૧૦ વર્ષમાં લગભગ ૧.૧ લાખ યુજી અને પીજી મેડિકલ સીટોમાં વધારો કર્યો છે, જે ૧૩૦ ટકાનો વધારો દર્શાવે છે. આગામી ૫ વર્ષમાં, સરકાર ૭૫૦૦૦ મેડિકલ સીટો વધારવા જઈ રહી છે. આવતા વર્ષે મેડિકલ કોલેજા અને હોસ્પિટલોમાં ૧૦ હજાર વધારાની બેઠકો ઉમેરવામાં આવશે.
તેમણે કહ્યું કે એઆઇ કેન્દ્રોને પ્રોત્સાહન આપવા માટે ૫૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ૨૦૧૬ પછી શરૂ થયેલી આઇઆઇટીની ક્ષમતાનો વિસ્તાર કરીને હજારો વિદ્યાર્થીઓને સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. તે જ સમયે, પટના આઇઆઇટીમાં માળખાગત સુવિધાઓનો વિસ્તાર કરવામાં આવશે, જે હેઠળ હોસ્ટેલ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત, ભારતીય ભાષા પુસ્તક યોજના શરૂ કરવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ડિજિટલ માધ્યમ દ્વારા તેમની પોતાની ભાષામાં પુસ્તકો સમજવામાં મદદ કરવાનો છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે ૨૦૨૫ માં વધારાના ૪૦,૦૦૦ યુનિટ પરવડે તેવા આવાસો પૂર્ણ થશે. બિહારમાં ગ્રીન ફિલ્ડ એરપોર્ટ સુવિધા પૂરી પાડવામાં આવશે. આ પટના અને બિહતા ઉપરાંત હશે. યુવાનોના મનમાં વૈજ્ઞાનિક વિચારસરણી વિકસાવવા માટે આગામી ૫ વર્ષમાં ૫૦,૦૦૦ અટલ ટિંકરિંગ લેબ્સની સ્થાપના કરવામાં આવશે. નાણામંત્રી સીતારમણે જણાવ્યું હતું કે વૈશ્વીક કુશળતા ધરાવતા કૌશલ્ય માટે ૫ રાષ્ટ્રીય કેન્દ્રો સ્થાપવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે હવે ફૂડ ડિલિવરી કરનારા લોકોની નોંધણી કરવામાં આવશે. આ ઉપરાંત, તેમને સરકાર તરફથી વીમા કવચનો લાભ પણ આપવામાં આવશે.