બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામે એક પછી એક વિવાદ બહાર આવી રહ્યા છે. જેમાં પૂર્વ સરપંચ દ્વારા યોગ્ય રીતે ડેડ સ્ટોક નવા સભ્યોને સોપવામાં આવેલ ન હોવાની ઉચ્ચ અધિકારીને રજૂઆત છતાં કોઈ નિર્ણય ન થતા આખરે ગ્રામ પંચાયતને તાળા મારવાનો નિર્ણય કર્યો છે. મળેલી વિગતો મુજબ મોટા મુંજીયાસર ગ્રામ પંચાયતમાં પૂર્વ સરપંચ રમેશભાઈ સતાસિયા અને હાલના સરપંચ જયસુખભાઈ ખેતાણી વચ્ચે ડેડ સ્ટોક બાબતે ચાલી રહેલી વહીવટી લડાઈમાં તાલુકા, જિલ્લાની કચેરીઓ દ્વારા યોગ્ય નિર્ણય કરવામાં ન આવતા આખરે સરપંચ જયસુખભાઈ ખેતાણીએ જિલ્લા વિકાસ અધિકારીને પત્ર પાઠવી ગ્રામ પંચાયતને તાળું મારી દેવાની જાહેરાત કરી છે. તેમણે કરેલ રજૂઆતમાં જણાવેલ છે કે ગામમાં અનેક કામોને ખર્ચ કરી દેવામાં આવેલ છે પરંતુ હકીકતમાં સ્થળ પર કોઈ કામ થયેલ નથી. ગામથી ખોડીયાર મંદિર જવા માટે રસ્તાનો ખર્ચ કરેલ છે, પરંતુ હકીકતમાં આવો રસ્તો બનેલ નથી. આ ઉપરાંત લોખંડની પાઇપ લાઇન તેમજ કેબલ વગેરેનો ખર્ચ પણ બતાવેલ છે પરંતુ હકીકતમાં એવો કોઈ ખર્ચ થયેલ નથી તેથી આ કોઈ બાબતો ડેડ સ્ટોકમાં ચડાવવામાં આવેલ નથી. આ બાબતોને લઈ છેલ્લા ત્રણ વર્ષથી તાલુકા તથા જિલ્લા કચેરીઓને રજૂઆત કરવા છતાં તેમના દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવતા આખરે ગ્રામ પંચાયતનો વહીવટ બંધ કરવા નિર્ણય કરેલ છે. સરપંચ દ્વારા આવી રીતે ગ્રામ પંચાયતને તાળા મારવામાં આવે તો આ સરકારી કચેરીને તાળા મારવા બદલ સરકાર તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરશે કે ડેડ સ્ટોકના કૌભાંડ બાબતે પગલા લેશે તે જોવાનું રહેશે.