ખાંભાના મોટા સમઢીયાળા ગામે એક યુવકે તેણે ફાર્મે રાખેલા ખેતરમાં ગાયો ચરતી હતી તેને હાંકીને ગામના સીમાડા વટાવી આવ્યો હતો. જેનો ખાર રાખી તેને ફટકારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
બનાવ સંદર્ભે મોટા સમઢીયાળા ગામે રહેતા અને વાણંદકામ તથા ખેતી કરતાં રૂચિતકુમાર અશોકભાઈ કાલાવાડીયા (ઉ.વ.૩૩)એ તેમના ગામના રાજુભાઈ વાલાભાઈ ખાટરીયા તથા હિતેશભાઈ ભીમાભાઈ ખાટરીયા તેમજ સાવરકુંડલામાં રહેતા રવિભાઈ ભરવાડ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, રાજુભાઈ ખાટરીયાની ગાયો તેમણે ફાર્મે રાખેલી વાડી-ખેતરના કપાસમાં ચરતી હતી. તેમણે આ ગાયોને રેઢિયાળ માની તેને હાંકી કાઢી ગામના સીમાડા વટાવી માનવ મંદિર સુધી મૂકી આવ્યા હતા. જે અંગેની ત્રણેય આરોપીને જાણ થતાં સારું નહોતું લાગ્યું અને તેમની પાસે રહેલી લાકડી આંચકી શરીરે આડેધડ માર માર્યો હતો.
જેના કારણે શરીર પર ભરોળા પડી ગયા હતા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન. પી. સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.