મોટી કુંકાવાવમાં રહેતા એક યુવકે ધંધા માટે ફાઇનાન્સ તથા બેંકમાંથી લોન લીધી હતી. પરંતુ સમયસર હપ્તા ન ભરી શકતા ફોન આવતા હતા. ઉઘરાણીવાળાના ફોન અને આર્થિક સંકડામણના કારણે યુવકે ઝેરી દવા પીતા સારવારમાં ખસેડાયો હતો. જ્યાં તેનું મોત થયું હતું. બનાવ અંગે સુહાનાબેન ઈમરાનભાઈ મુલતાની (ઉ.વ.૨૬)એ જાહેર કર્યા મુજબ, તેમના પતિ ઈમરાનભાઈ ઈબ્રાહીમભાઈ મુલતાની (ઉ.વ.૩૫)એ છેલ્લા બે વર્ષથી કામધંધા માટે જુદી જુદી ફાઇનાન્સ તથા બેન્કમાંથી આશરે રૂપિયા સાડા પંદર લાખની લોન લીધી હતી. તેમનો કામધંધો બરાબર ચાલતો નહોતો. જેથી લોનના હપ્તા ભરી શકતા નહોતા અને ફાઇનાન્સ તથા બેન્ક વાળા અવાર-નવાર લોનના પૈસા ભરી જવા ઉઘરાણીના ફોન કરતા હતા.
તેમજ આર્થિક સંકડામણના કારણે હપ્તા ભરી શકાય તેવી પરિસ્થિતિ ન હોવાથી જીંદગીથી કંટાળી જઇ પોતાની મેળે ઘઉંમાં નાંખવાનો ઝેરી દવાનો પાવડર પી’ લેતા સારવાર દરમિયાન મરણ પામ્યા હતા. વડીયા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ કે.એમ.વાઢેર વધુ તપાસ કરી રહ્યા છે.