વડીયાના મોટી કુંકાવાવ ગામે બોલાચાલીના મનદુઃખમાં બે પક્ષોમાં બબાલ થઈ હતી. બંને પક્ષોએ એકબીજા સામે ગાળો બોલીને જાનથી મારવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. બનાવ સંદર્ભે અજમલભાઈ ભીખાભાઈ માથાસુળીયા (ઉ.વ.૫૦)એ મનીષભાઈ બકાભાઈ વાઘેલા, હિંમતભાઈ દાજીભાઈ વાઘેલા, બકાભાઈ મનજીભાઈ વાઘેલા સહિત આઠ લોકો સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, મનીષભાઈ વાઘેલાને તેમના દિકરા અંકિત જાહેર બજારમાં મળતા તેની સાથે બોલાચાલી કરી માથાકૂટ કરી હતી. જે બાબતે તેમણે ઠપકો આપતા આરોપીઓને સારૂ નહી લાગતા લોંખડના પાઇપો, લાકડીઓ તથા છરી સાથે ધસી આવીને માર માર્યો હતો. ઉપરાંત તેમના પુત્રને છરીના ઘા મારી ઈજા પહોંચાડી હતી. આરોપીઓએ એક સાથે મળી અને તેમને તથા તેમના પત્ની, પુત્રવધૂ તથા બન્ને પુત્રોને હથિયારો વતી આડેધડ માર મારી શરીરે મુંઢ ઇજાઓ કરી, ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ મનીષભાઇ બકાભાઇ વાઘેલા (ઉ.વ.૨૩)એ અંકિતભાઇ અજમલભાઇ માથાસુળીયા, અજમલભાઇ ભીમાભાઇ માથાસુળીયા તથા વિજયભાઇ અજમલભાઇ માથાસુળીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, અંકિતભાઈ માથાસુળીયા તેમને મોટી કુંકાવાવ બસ સ્ટેશન પાસે રૂબરૂ મળતા તેની સાથે સામાન્ય બોલાચાલી કરી જતો રહ્યો હતો. જે બાદ આરોપીઓએ લોંખડના પાઇપ લઇ આવી શરીરે મુંઢમાર માર્યો હતો. જે બાદ તેઓ પોતાના રહેણાંક મકાન પાસે બજારમાં પોતાના પરિવારના સભ્યો સાથે ઉભા હોય તે દરમિયાન ત્રણેય આરોપીઓ આવી તેમને તથા જગદીશભાઇ રાણકુભાઇ વાઘેલા, હિંમતભાઇ દાજીભાઇ તથા પ્રકાશ કિશોરભાઇને લોંખડના પાઇપ વતી માથાના ભાગે તેમજ શરીરે આડેધડ માર મારી, ગાળો બોલી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.