અમરેલી જિલ્લાના મોટી કુંકાવાવ ગામે બે દિવસ પહેલા એક યુવતી સાથે સામૂહિક બળાત્કારની ફરિયાદ નોંધાઈ હતી. સામૂહિક બળાત્કારની ફરિયાદ થતા સમગ્ર અમરેલી જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
પોલીસે સામૂહિક દુષ્કર્મ કરનારા ત્રણ શખ્સને ઝડપી પાડ્યા હતા. જા કે આ દુષ્કર્મ બાદ મોટી કુંકાવાવ ગામેથી કુટણખાનાનો પર્દાફાશ થતા ચકચાર મચી જવા પામી છે. બગસરા ગામે રહેતા દર્પણ વિનોદભાઈ પાથરે વડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, મોટી કુંકાવાવ ગામે રહેતી દયા કેશવ રાઠોડ નામની મહિલા ગરીબ છોકરીઓની આર્થિક સ્થિતિનો લાભ લઈ જયાં જરૂર હોય ત્યાં યુવતીઓને દેહવ્યાપાર માટે મોકલે છે. આ કામ માટે મહિલા દ્વારા યુવતીઓને પોતાના રહેણાંક મકાને રાખી જુદી-જુદી જગ્યાએ પુરૂષો સાથે દેહવ્યાપારમાં મોકલવામાં આવે છે. આ કામ અંગે દિપક નામનો યુવક જયાં જરૂર હોય ત્યાં યુવતીઓને મોકલી દેહવ્યાપાર કરાવતો હતો.
આ દેહવ્યાપારના ધંધામાં સામૂહિક દુષ્કર્મના આરોપીઓ પણ સામેલ હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમ, મોટી કુંકાવાવ ગામે દુષ્કર્મ કાંડમાં નવો વળાંક આવતા અમરેલી જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. વડીયા પોલીસે આ ફરિયાદ બાદ તપાસ હાથ ધરી છે.