પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘રોજગાર મેળા’ હેઠળ ૫૧ હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું. આ પ્રસંગે, યુવાનોને સંબોધતા, પ્રધાનમંત્રી મોદીએ યુવા શક્તિની પ્રશંસા કરી અને કહ્યું કે આજે ભારતના યુવાનો પોતાની મહેનત અને નવીનતા દ્વારા દુનિયાને બતાવી રહ્યા છે કે આપણી પાસે કેટલી ક્ષમતા છે.

પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં ૫૧ હજારથી વધુ યુવાનોને કાયમી સરકારી નોકરીના પત્રો આપવામાં આવ્યા છે. આજે ભારત સરકારના વિવિધ વિભાગોમાં યુવાનો માટે નવી જવાબદારીઓ શરૂ થઈ છે. તમારી જવાબદારી દેશની આર્થિક વ્યવસ્થાને મજબૂત બનાવવાની છે, તમારી જવાબદારી દેશની આંતરિક સુરક્ષાને મજબૂત બનાવવાની છે, તમારી જવાબદારી દેશમાં આધુનિક માળખાગત સુવિધાઓ બનાવવાની છે, તમારી જવાબદારી કામદારોના જીવનમાં મૂળભૂત પરિવર્તન લાવવાની છે.

તેમણે કહ્યું કે જ્યારે યુવાનો રાષ્ટ્ર નિર્માણમાં ભાગ લે છે, ત્યારે રાષ્ટ્રનો પણ ઝડપથી વિકાસ થાય છે અને વિશ્વમાં પોતાની છાપ છોડી દે છે. આજે, ભારતના યુવાનો પોતાની મહેનત અને નવીનતા દ્વારા દુનિયાને બતાવી રહ્યા છે કે આપણી પાસે કેટલી ક્ષમતા છે. અમારી સરકાર દરેક પગલા પર ખાતરી કરી રહી છે કે દેશના યુવાનો માટે રોજગાર અને સ્વરોજગારની તકો વધે. આજનો સમય ભારતના યુવાનો માટે અભૂતપૂર્વ તકોનો સમય છે.આઇએમએફે તાજેતરમાં કહ્યું છે કે ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા રહેશે.

પીએમ મોદીએ કહ્યું કે આ બજેટમાં સરકારે મેન્યુફેક્ચરિંગ મિશનની જાહેરાત કરી છે. તેનો ઉદ્દેશ્ય ‘મેક ઇન ઇન્ડિયા’ ને પ્રોત્સાહન આપવાનો અને ભારતના યુવાનોને વૈશ્વીક ધોરણોના ઉત્પાદનો બનાવવાની તક આપવાનો છે. આનાથી દેશના લાખો એમએસએમઇ, આપણા નાના ઉદ્યોગસાહસિકોને તો પ્રોત્સાહન મળશે જ, સાથે સાથે દેશભરમાં રોજગારની નવી તકો પણ ખુલશે.

પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે દેશમાં યુવાનો માટે નવી તકોનું સર્જન થઈ રહ્યું છે. વર્લ્ડ આૅડિયોવિઝ્યુઅલ અને એન્ટરટેઈનમેન્ટ સમિટ (વેવ્સ) ૨૦૨૫ થોડા દિવસોમાં આયોજિત થવા જઈ રહી છે. દેશના યુવાનો પણ આ કાર્યક્રમના કેન્દ્રમાં છે. દેશના યુવા સર્જકોને પહેલી વાર આવું પ્લેટફોર્મ મળી રહ્યું છે.

પોતાના સંબોધનમાં દેશની દીકરીઓની પ્રશંસા કરતા પીએમ મોદીએ કહ્યું કે ભારત આજે જે રેકોર્ડ બનાવી રહ્યું છે તેમાં દરેક વર્ગની ભાગીદારી વધી રહી છે અને આપણી દીકરીઓ બે ડગલાં આગળ વધી રહી છે. આપણી મહિલા શક્તિ નોકરશાહી, અવકાશ અને વિજ્ઞાનના ક્ષેત્રોમાં નવી ઊંચાઈઓ સ્પર્શી રહી છે. સરકાર ગ્રામીણ મહિલાઓના સશક્તિકરણ પર પણ ખાસ ધ્યાન કેન્દ્રિત કરે છે. ભારતની દીકરીઓ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહી છે યુપીએસસી પરિણામોમાં, બે મહિલાઓએ ટોચના બે સ્થાન મેળવ્યા છે, જ્યારે ત્રણ મહિલાઓ ટોચના પાંચમાં છે. નોકરશાહી, અવકાશ અને વિજ્ઞાનના ક્ષેત્રોમાં મહિલા શક્તિ નવી ઊંચાઈઓને સ્પર્શી રહી છે.

પ્રધાનમંત્રી મોદીએ વધુમાં જણાવ્યું હતું કે સરકાર ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ પર વિશેષ ધ્યાન આપી રહી છે, બેંક સખી, કૃષિ સખી અને સ્વ-સહાય જૂથો જેવી પહેલ દ્વારા નવી તકો પૂરી પાડવામાં આવી રહી છે. આજે ભારતમાં ૯૦ લાખથી વધુ સ્વ-સહાય જૂથો છે, જેની સાથે ૧૦ કરોડથી વધુ મહિલા સભ્યો સંકળાયેલા છે. તેમની ક્ષમતા વધારવા માટે, સરકારે તેમના બજેટમાં પાંચ ગણો વધારો કર્યો છે અને કોઈપણ ગેરંટી વિના રૂ. ૨૦ લાખ સુધીની લોન આપી છે.