મોરબીમાં ૨૮, ૨૯ ડિસેમ્બરે સંસ્કૃતભારતી સંસ્થાના સૌરાષ્ટ્ર પ્રાંતના કાર્યકર્તાઓનું સંમેલન યોજાશે.
સંસ્કૃતભારતી એ બિનનફાકીય સંગઠન છે, જે વિશ્વના ૩૮ દેશોમાં સંસ્કૃત ભાષાનો નિશુલ્ક પ્રચાર-પ્રસાર કરે છે. સંસ્થાના કાર્યકર્તાઓ સંસ્કૃતને જન વ્યવહારની ભાષા બનાવવા માટે સતત પ્રયત્નરત છે. સૌરાષ્ટ્ર પ્રાંતના ૧૫ જિલ્લાઓમાંથી આવા ૪૦૦થી વધારે કાર્યકર્તાઓનું દ્વિતીય પ્રાંતીય સંમેલન મોરબીમાં ટી.ડી. પટેલ સંચાલિત શ્રી ઓમ શાંતિ વિદ્યા સંકુલ ખાતે યોજાશે. કાર્યકર્તાઓ બે દિવસ સંસ્કૃત ભાષાના સંવર્ધન હેતુ વિચાર-વિમર્શ કરશે. જેમાં વિજ્ઞાન પ્રદર્શની, વસ્તુ પ્રદર્શની, શાસ્ત્ર પ્રદર્શની, સંસ્કૃત ભારતીના કાર્યકર્તાઓ દ્વારા થયેલ કાર્ય પ્રદર્શની, યજ્ઞશાલા મંડપ, સંસ્કૃત ગૌરવ પરીક્ષા મંડપ, પત્રાચાર દ્વારા સંસ્કૃત મંડપ, સંભાષણ સંદેશ મંડપ, સંસ્કૃત ભાષામાં મોરબીમાં પ્રથમવાર યોજાનાર આ સંમેલનનું ધ્યાનાકર્ષણ રહેશે. આ ઉપરાંત સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.આ સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરીયા, રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી મુળુભાઈ બેરા અને અનેક સાધુ-સંતો, કથાકારો ઉપસ્થિત રહેશે. આ સંમેલન માટે જૂનાગઢની દાનીરાયજી હવેલીના આચાર્ય પરમ પૂજ્ય વ્રજેન્દ્રકુમારજી, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ અને સંસ્કૃતભારતી, સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષ ચેતનભાઈ ત્રિવેદી, શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કુલપતિ અને સંસ્કૃત ભારતી, સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ સુકાન્તકુમાર સેનાપતિજી, અન્ય સંસ્કૃત પ્રેમી સંસ્થાઓ અને વ્યક્તિઓ મદદ કરી રહ્યા છે.