મોરબીના ચકચારભર્યા જમીન કૌભાંડ સંદર્ભે ધારાસભ્યોની હાજરીમાં કલેકટરને ન્યાયિક કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે. આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે.મોરબી શહેરના વજેપર સર્વે નંબર ૬૦૨ માં ગેરરીતિથી ખોટો દસ્તાવેજ થયો હોવાની ફરિયાદ જમીનના મૂળ માલિક દ્વારા મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે નોંધાવવામાં આવી હતી જેમાં સાગર અંબારામ ફુલતરિયા અને શાંતાબેન નામની મહિલા વિરુદ્ધ ગત તારીખ ૧૫ જાન્યુઆરી ના રોજ ગુનો નોંધાયો છે.
બીજીતરફ આ મામલે આજે ફરિયાદી અને તેના પરિવારજનો જિલ્લા કલેક્ટર ખાતે પહોંચી ગયા હતા. જ્યાં તમામ આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે ફરિયાદી દ્વારા તેની સહી વાળી ફરિયાદમાં ઓછા આરોપીઓના નામ હોવાની અને અધિકારીઓ સહિત જેટલા નામો અરજીમાં આપવા આવ્યા હતા તે મુજબ ફરિયાદ નોંધવામાં નથી આવી તેવા આક્ષેપ સાથે આજે ફરિયાદી પરિવાર દ્વારા કલેક્ટરને રજુઆત કરવામાં આવી હતી.
મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના આગેવાનોની ઉપસ્થિતતિમાં આ મામલે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે જીલ્લા કલેક્ટર કે બી ઝવેરી દ્વારા આ મામલે યોગ્ય અને કડક તપાસ કરવા આશ્વાસન આપી પુરાવાઓ હશે તો કોઈને છોડવામાં નહીં આવે તેવું જણાવ્યું હતું આ મામલે જે પ્રાંત અધિકારી પર આક્ષેપ છે તે સુશીલ પરમાર પણ રજૂઆત સમયે હાજર હતા અને જીલ્લા કલેક્ટરે બધાની હાજરીમાં આ અરજદારોને સાંભળ્યા હતા.