મોરેશિયસના વડાપ્રધાન નવીનચંદ્ર રામગુલામે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશનું સર્વોચ્ચ સન્માન ‘ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઈન્ડિયન ઓશન’ એનાયત કરવાની જાહેરાત કરી છે. નરેન્દ્ર મોદી મોરેશિયસનું સર્વોચ્ચ સન્માન મેળવનાર પ્રથમ ભારતીય બની ગયા છે. મોરેશિયસના વડાપ્રધાન નવીનચંદ્ર રામગુલામે પોર્ટ લુઇસમાં ભારતીય સમુદાયના એક કાર્યક્રમમાં આ જાહેરાત કરી છે.
પીએમ મોદી બે દિવસના પ્રવાસે મોરેશિયસ ગયા છે, જ્યાં તેમણે મોરેશિયસના રાષ્ટ્રપતિ ધરમબીર ગોખુલ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે મોરેશિયસના રાષ્ટ્રપતિને ઘણી વસ્તુઓ ભેટમાં પણ આપી હતી, જેમાં મહાકુંભનું જળ અને સુપર ફૂડ મખાનાનો પણ સમાવેશ થાય છે. આ સિવાય વડાપ્રધાને ધરમબીર ગોખુલના પત્ની વૃંદા ગોખુલને બનારસી સિલ્કની સાડી પણ ભેટમાં આપી હતી.
મોરેશિયસના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ પીએમ મોદીએ એેક્સ પર લખ્યું કે,’રાષ્ટ્રપતિ ધરમબીર ગોખુલ સાથે ખૂબ સારી મુલાકાત થઈ. તેઓ ભારત અને ભારતીય સંસ્કૃતિથી સારી રીતે પરિચિત છે. મોરેશિયસના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં સામેલ થવા માટે મને આમંત્રણ આપવા બદલ આભાર. અમે વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને વધુ પ્રોત્સાહન આપવાની રીતો પર ચર્ચા કરી.’
આપને જણાવી દઈએ કે,મોદી ૧૦ વર્ષ પછી મોરેશિયસ પહોંચ્યા છે. આ પહેલા પીએમ મોદી માર્ચ ૨૦૧૫માં મોરેશિયસ ગયા હતા. તે સમયે પણ પીએમ મોદીએ રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. મોરેશિયસ અને ભારત વચ્ચે જૂનો સંબંધ રહ્યો છે. અહીંની કુલ વસ્તીમાંથી લગભગ ૭૦ ટકા લોકો ભારતીય મૂળના છે.