સંસારમાં પોતાની બુદ્ધિ અને બીજાની સંપત્તિ ચતુરને ચારગણી અને મૂરખને સોગણી દેખાય છે. દરેક વ્યક્તિ પોતાને સંપૂર્ણ નિર્દોષ અને પૂર્ણ બુદ્ધિશાળી માને છે. તેને પોતાની ત્રુટિ કે દોષો દેખાતા નથી. આ એકમાત્ર નબળાઇએ માનવજાતની પ્રગતિમાં જેટલા અવરોધ ઊભા કર્યા છે એટલા બીજા કોઈએ નથી કર્યા.
સૃષ્ટિના તમામ પ્રાણીઓથી વધુ બુદ્ધિશાળી મનુષ્ય જ્યારે એવું વિચારે છે કે “દોષ તો બીજામાં જ છે”, તેમને જ સુધારવાની સલાહ દેવાં વ્યક્તિ નિવેદન આપે છે ત્યારે સંયમ ગુમાવે છે અને ના છાજે તેવું કે ના શોભે તેવું બોલે છે અને પછી વિવાદમાં ફસાય છે ત્યારે પસ્તાય છે. આવું વારંવાર બનતું જોવા મળે છે. સારા સારા કહેવાતા વક્તાઓ પણ આવી ભૂલો કરતા જોવા મળે છે. પેલી કહેવત છે કે “ના બોલવામાં નવ ગુણ.” એટલે તો ચતુર લોકો ઘણા પ્રસંગે નિવેદન આપવાનું ટાળે છે અને ઘણા લોકો સસ્તી પ્રસિદ્ધિ માટે તો ઘણા લોકો પોતે કૈંક જાણે છે એવું બતાવવા માટે તો ઘણા લોકો અભિમાનના મદમાં ના બોલવાનું જાહેરમાં બોલે છે. પોતાના નિવેદનથી અન્યના માન સન્માનને કેટલી ઠેચ પહોંચે છે એનો વિચાર કર્યા વિના બફાટ કરીને સૌના માટે મુશ્કેલી ઉભી કરતા લોકો પછી લોક હૃદયમાં પોતાની પ્રતિષ્ઠા હાથે કરીને ઓછી કરતા હોય છે. સામાન્ય માણસથી લઈને મોટા ગજાના લોકો સુધીની શ્રેણીમાં આવા ઘણા લોકો હોય છે જે માત્ર પોતે જ સાચા છે એ બતાવવા જાહેરમાં બોલતા હોય છે. ઘણી સામાજિક, રાજકીય કે ધાર્મિક ઘટનાઓ સમયે દરેકને પોતાનું મંતવ્ય આપવાની ઈચ્છા થતી હોય છે પણ આવા સમયે મૌન રહેવું સહેલું ગણાય છે પણ સંયમપૂર્વક બોલવું અતિ અઘરું કામ ગણાય છે. આપણી વાણીનો વિલાસ કોઈની માન્યતાઓ કે આસ્થાનું ખંડન કરે કે એમની લાગણીને ઠેસ પહોચાડે ત્યારે આપણું અમૃત વચન અન્ય માટે જેર સમાન લાગતું હોય છે. સંયમપૂર્વક બોલવું સહેલું નથી પણ એક ઉત્તમ કળા છે. આપણા બોલેલા શબ્દો કોઈ પીડિતને શાતા આપે, કોઈ દુઃખીયારાને દુઃખ સહન કરવાની શક્તિ આપે, કોઈ શોષિત ને અન્યાય સામે અવાજ ઉઠાવવાની હિંમત આપે, કોઈ રડતા ચહેરાને હસવાનું કારણ આપે ત્યારે સમજવું કે આપણું બોલેલું સફળ છે. એનાથી ઉલટું આપણા બોલેલા શબ્દો કોઈના હૃદયમાં શૂળની જેમ પીડા આપે, કોઈના માટે નીચું જોયા જેવું થાય, સાંભળનારને એમ થાય કે ક્યારે પૂરું કરશે ત્યારે આપણું બોલવું ધિક્કાર છે એમ સમજવું. માત્ર નિજી સ્વાર્થ માટે બીજાને કટુ વચન સંભળાવતા પહેલા સો વાર વિચાર કરવો કે એની જગ્યાએ આપણે હોઈએ તો આપણી શું હાલત થાય? એટલે તો આપણા ઘરમાં સુવાક્યો લખીએ છીએ કે “વાણી અને પાણી ચોખ્ખા રાખો.” દૂષિત પાણી અને વાણી બન્ને નુકસાનકારક છે. દૂષિત પાણી શારીરિક રોગનું કારણ બને છે અને દૂષિત વાણી માનસિક રોગનું કારણ બને છે. સંયમપૂર્વક બોલવું એટલે બોલ્યા પછી પસ્તાવું ના પડે એવું બોલવું. ઘણીવાર બધું વ્યવસ્થિત ચાલતું હોય અને કોઈ વિવાદાસ્પદ નિવેદન કરીને શાંતિ ડહોળી નાખે છે. વિવેક વિનાની વાણી કોઈપણ વ્યક્તિને ગમતી નથી. ગમે એટલી સંપતિના માલિક હોય, ગમે એવડી સત્તાના સ્વામી હોય પણ જો તે સંયપૂર્વક બોલે તો જ લોકોમાં પ્રિય બને છે. બોલવામાં સહેજ પણ સંયમ ગુમાવે તો લોકોમાં અપ્રિય બની જતા વાર નથી લાગતી.જેની પાસે ભલે ધન દોલત કે સત્તાનો વૈભવ ના હોય પણ સંયમપૂર્વકની વાણીનો વૈભવ હોય તે લોકહૃદયમાં માનભર્યું સ્થાન ધરાવતા હોય છે. અહંકારી માણસ જ્ઞાની હોવા છતાં ક્યારેક વાણીવિલાસના કારણે અજ્ઞાની કે મૂર્ખ સાબિત થાય છે જ્યારે અજ્ઞાની કે ઓછો જાણકાર માણસ સંયમપૂર્વકની મૃદુ વાણીથી લોકોમાં માન-પાન મેળવી શકે છે. સત્ય ચોક્કસ બોલવું જોઈએ, અન્યાય સામે અવાજ પણ ઉઠાવવો જોઈએ પણ વાણીના વિવેક સાથે સંયમ સાથે રજૂઆત, નિવેદન કે અભિવ્યક્તિ કરવાથી પરિણામ મળવાની શક્યતા વધી જાય છે. અને કદાચ પરિણામ વહેલા મોડું મળે પણ વાત વધુ વણસે નહીં, જીતેલી બાજી બગડે નહિ એના માટે પણ વાણીમાં વિવેક કે સંયમ ખૂબ જરૂરી છે. એટલે જ કહેવાય છેઃ”બોલી તો અણમોલ હોય બોલ સકે તો બોલ, હૃદય તરાજુ તોલ કે ફિર મુંહ સે બોલ.”