મ્યાનમારમાં, રવિવાર, ૧૩ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ વહેલી સવારે ફરી એકવાર ભૂકંપના જારદાર આંચકા અનુભવાયા, જેના કારણે લોકો ગભરાઈને પોતાના ઘરો છોડીને ભાગી ગયા. રવિવારે સવારે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૫ માપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે તાજેતરમાં અહીં આવેલા ભૂકંપે ભારે તબાહી મચાવી હતી, જેમાં ત્રણ હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ૧૩ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ સવારે ૦૭ઃ૫૪ઃ૫૮ વાગ્યે મ્યાનમારમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદર માત્ર ૧૦ કિલોમીટર ઊંડે હતું. હાલમાં કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી.
તમને જણાવી દઈએ કે આ પહેલા ૨૮ માર્ચ, ૨૦૨૫ ના રોજ મ્યાનમારમાં ૭.૭ ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ આવ્યો હતો અને આ ભૂકંપથી સમગ્ર દેશમાં ભારે તબાહી મચી ગઈ હતી. સેનાના જણાવ્યા અનુસાર, આ ભૂકંપમાં અત્યાર સુધીમાં ૩૬૦૦ થી વધુ લોકોના મોત થયાના અહેવાલ છે, જ્યારે પાંચ હજારથી વધુ લોકો ઘાયલ થયાના અહેવાલ છે