મ્યાનમારમાં શુક્રવારે આવેલા શક્તિશાળી ભૂકંપમાં ભારે નુકસાન થયું છે. આવી સ્થિતિમાં ભારતે મ્યાનમારને ૧૫ ટન રાહત સામગ્રી મદદ તરીકે મોકલી છે. સૂત્રોએ જણાવ્યું કે ભારતીય વાયુસેના વિમાનમાં હિંડનમાં ભારતીય વાયુસેના સ્ટેશન હિંડનથી રાહત સામગ્રી મ્યાનમાર મોકલવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર રાહત પેકેજમાં તંબુ, સ્લીપિંગ બેગ, ધાબળા, ખાવા માટે તૈયાર ખોરાક, વોટર પ્યુરીફાયર, હાઈજીન કીટ, સોલાર લેમ્પ, જનરેટર સેટ અને પેરાસીટામોલ, એન્ટીબાયોટીક્સ, સિરીંજ, ગ્લોવ્સ અને બેન્ડેજ જેવી આવશ્યક વસ્તુઓનો સમાવેશ થાય છે.
તમને જણાવી દઈએ કે મ્યાનમારમાં ભૂકંપના અનેક આંચકા અનુભવાયા હતા. તેનાથી માત્ર મ્યાનમારમાં જ નહીં પરંતુ થાઈલેન્ડમાં પણ ઘણું નુકસાન થયું છે. ભૂકંપ બાદ લોકોમાં ગભરાટનો માહોલ છે. મ્યાનમારમાં દિવસભર ભૂકંપના અનેક ઝટકા અનુભવાયા હતા, જ્યારે રાત્રે ૧૧.૫૬ કલાકે ૪.૨ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આ ભૂકંપની ઊંડાઈ ૧૦ કિલોમીટર હતી, જેના કારણે તેને આફ્ટરશોક્સ માટે સંવેદનશીલ માનવામાં આવે છે. તેનું કેન્દ્ર મ્યાનમારના માંડલે શહેરની નજીક હતું. મ્યાનમારમાં આવેલા ભૂકંપના કારણે અત્યાર સુધીમાં લગભગ ૧૫૦ લોકોના મોત થયા છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે.
દિવસની શરૂઆતમાં, મ્યાનમારમાં ઘણા ભૂકંપ અનુભવાયા હતા, જેમાં રિક્ટર સ્કેલ પર ૭.૭ની તીવ્રતાનો મોટો ભૂકંપનો સમાવેશ થાય છે. થોડીવાર બાદ ૬.૪ અને પછી ૪.૯ની તીવ્રતાનો ભૂકંપ પણ નોંધવામાં આવ્યો હતો. આ ભૂકંપ શુક્રવારે સવારે ૧૧ઃ૫૦ વાગ્યે (સ્થાનિક સમય મુજબ) આવ્યો હતો. આ શક્તિશાળી ભૂકંપ બેંગકોક અને થાઈલેન્ડના ઘણા ભાગોમાં અનુભવાયો હતો. પ્રત્યક્ષદર્શીઓના અહેવાલો અને સ્થાનિક મીડિયા અનુસાર, બેંગકોકમાં ધ્રૂજતી ઇમારતોમાંથી સેંકડો લોકો બહાર આવ્યા હતા. સોશિયલ મીડિયા પરની કેટલીક પોસ્ટમાં ભૂકંપની તીવ્રતાના કારણે સ્વિમિંગ પુલમાંથી પાણી નીકળી રહ્યું છે.
આ પહેલા શુક્રવારે એક પોસ્ટમાં પીએમ મોદીએ મ્યાનમાર અને થાઈલેન્ડમાં આવેલા પ્રચંડ ભૂકંપને કારણે ઉભી થયેલી સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે ભારત આ સમયે બંને દેશોને શક્ય તમામ મદદ આપવા તૈયાર છે. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર એક પોસ્ટમાં કહ્યું, ‘મ્યાંમાર અને થાઈલેન્ડમાં ભૂકંપને પગલે ઉભી થયેલી સ્થિતિને લઈને હું ચિંતિત છું. દરેકની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના. ભારત તમામ સંભવ મદદ કરવા તૈયાર છે.