યાત્રાધામ દ્વારકામાં જગત મંદિરમાં પરંપરાગત રીતે ઉજવાતો ફૂલડોલ ઉત્સવમાં દર વર્ષે અસંખ્ય ભક્તો ઉમટી પડતા હોય છે. વર્ષ દરમિયાન ભક્તો જેની આતુરતાથી રાહ જાઈ રહ્યા હોય તે ફૂલડોલ ઉત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આથી દ્વારકાધીશ મંદિર વહીવટદાર કચેરી દ્વારા સત્તાવાર વિગત જાહેર કરવામાં આવી છે અને આગામી તા. ૧૪/૩/૨૦૨૫ ને શુક્રવારે ફાગણ સુદ પૂનમના દિવસે મંદિરમાં ફૂલડોલ ઉત્સવ ઉજવાશે.
ફૂલડોલ ઉત્સવના આયોજનને પગલે મંદિરમાં શ્રીજીના દર્શનમાં બદલાવ કરવામાં આવ્યો છે. એટલે કે તારીખ ૧૪/૩/૨૦૨૫ ના રોજ શ્રીજીની મંગળા આરતી ૬ વાગ્યે કરવામાં આવશે. ત્યારબાદ ભક્તો ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી શકશે. બાદમાં બપોરના ૧ વાગ્યાના ટકોરે મંદિર બંધ થઈ જશે. બાદમાં ફૂલડોલ ઉત્સવ શરૂ થશે. જેની ઉત્સવ આરતી ૧ઃ૩૦ વાગ્યે કરવામાં આવશે. આ ઉપરાંત ફૂલડોલ ઉત્સવ દર્શન બપોરે ૧ઃ૩૦ વાગ્યાથી ૨ઃ૩૦ વાગ્યા સુધી યોજાશે. ૨ઃ૩૦ વાગ્યાથી લઈ ૫ વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. ત્યારબાદ સાંજે નિત્યક્રમ મુજબ સમગ્ર દર્શન, આરતી કાર્યક્રમ કરવામાં આવશે.
૭મહત્વનું છે કે આ ફૂલડોલ ઉત્સવના સહભાગી થવા માટે જામનગરના માર્ગો પરથી છેક દ્વારકા સુધી હાલ પગપાળા જતા ભક્તોનો દરિયો ઘૂઘવી રહ્યો છે. જેને લઈને આવા ભક્તોની સેવા માટે સેવાભાવીઓ પણ મેદાને ઉતર્યા છે. ઠેર ઠેર ભોજનથી માંડી ખાવા-પીવા અને સુવા-બેસવા સહિતની વ્યવસ્થા માટેના કેમ્પો ધમધમી રહ્યા છે અને હજારો લોકો ભક્તોની સેવા કરી પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે.