કોંગ્રેસે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ૩૨ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. યાદી જાહેર થયાના ૨૪ કલાકમાં જ પાર્ટીમાં બળવો શરૂ થઈ ગયો છે. કોંગ્રેસના બે નેતાઓએ રાજીનામું આપી દીધું છે. આ બંનેના નામ લિસ્ટમાં ન હોવાથી નારાજ થઈને આ નેતાઓએ પાર્ટી છોડવાનો નિર્ણય લીધો હતો. રાજીનામું આપનારાઓમાં પહેલું નામ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપૂર સિંહ નરવાલનું છે અને બીજું નામ રાજેશ જૂનનું છે.રાજીનામું આપ્યા બાદ કપૂર સિંહ નરવાલે પોતાના સમર્થકોની બેઠક બોલાવી હતી. વર્તમાન ધારાસભ્ય ઈન્દુ રાજ નરવાલને ફરીથી બરોડા બેઠક પરથી ટિકિટ મળવાથી તેઓ નારાજ છે. હવે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડી શકે છે. જો કે, તેમણે કહ્યું છે કે તેઓ તેમના સમર્થકોને મળ્યા પછી અને તેમના અભિપ્રાય લીધા પછી જ ભાવિ રણનીતિ નક્કી કરશે. રાજેન્દ્ર સિંહ જૂનને બહાદુરગઢથી ટિકિટ મળવાથી નારાજ રાજેશ જૂને પાર્ટી છોડવાની જાહેરાત કરી છે. તેમણે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપ્યા બાદ તેમણે કોંગ્રેસ પાર્ટી પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. તેમનું કહેવું છે કે તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે અને કોંગ્રેસના ઉમેદવાર પાસેથી ડબલ વોટ લઈને ધારાસભ્ય બનશે.
કોંગ્રેસ હાઈકમાન્ડે હરિયાણામાં તેના વર્તમાન ૨૯માંથી ૨૮ ધારાસભ્યો પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેમને ફરીથી મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે પાણીપત જિલ્લાની ઇસરાના (અનામત) બેઠક માટેના ઉમેદવારનું નામ પણ જાહેર કર્યું છે. જે બાદ કોંગ્રેસની પ્રથમ યાદીમાં ૩૨ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ૩૨મા ઉમેદવાર તરીકે પાર્ટીએ વર્તમાન ધારાસભ્ય બલબીર સિંહને ટિકિટ આપી છે.
પ્રથમ યાદી જાહેર થયા બાદથી પાર્ટીમાં બળવાના અવાજા ઉઠવા લાગ્યા છે. પાર્ટીના ઘણા મોટા નેતાઓએ ટિકિટ ન મળવાથી નારાજગી વ્યક્ત કરી છે. ભાજપની પણ આવી જ સ્થિતિ છે. ભાજપમાં પણ બળવાના અવાજા ઉઠી રહ્યા છે. ઘણા નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. ચૂંટણી પહેલા નેતાઓની નારાજગી બંને પક્ષો માટે મુસીબતનો વિષય છે.