ભારતે ચેતવણી આપી છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પરિવર્તનના પ્રયાસોને માત્ર ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે અને તેના કારણે સુરક્ષા પરિષદનું વિસ્તરણ અને તેમાં એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના પ્રતિનિધિત્વને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી શકે છે. ભારતીય રાજદૂત પી હરીશે કાઉન્સીલના સભ્યોની સંખ્યા વધારવા અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સમાન પ્રતિનિધિત્વના મુદ્દે આયોજિત બેઠકમાં આ વાત કહી.
ભારતીય રાજદૂતે કહ્યું કે યુએનએસસીમાં ઘણા દાયકાઓથી સુધારાની માંગ કરવામાં આવી રહી છે, તેમ છતાં તે નિરાશાજનક છે કે ૧૯૬૫ પછી તેમાં કોઈ ફેરફાર થયો નથી. ઉલ્લેખનીય છે કે ૧૯૬૫માં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અસ્થાયી શ્રેણીમાં સમાવિષ્ટ સભ્યોની સંખ્યાનો વિસ્તાર કરવામાં આવ્યો હતો. તે સમયે અસ્થાયી ચૂંટાયેલા સભ્ય દેશોની સંખ્યા છથી વધારીને ૧૦ કરવામાં આવી હતી. આંતર-સરકારી સંવાદની પ્રક્રિયા પર, પી હરીશે કહ્યું કે તેની રચનાના ૧૬ વર્ષ પછી પણ તે ફક્ત નિવેદનોની આપ-લે પુરતી જ સીમિત છે. આમાં કોઈ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી અને ન તો કોઈ લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.
ભારતીય રાજદૂતે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ આંતર-સરકારી વાટાઘાટોમાં વાસ્તવિક નક્કર પ્રગતિ ઇચ્છે છે અને આ માટે બે બાબતોમાં સાવધાની જરૂરી છે. પ્રથમ, સભ્ય દેશોને તેમના મોડેલ સબમિટ કરવા માટે અનિશ્ચિત સમયમર્યાદા આપવી જોઈએ નહીં. ન્યૂનતમ થ્રેશોલ્ડ શોધવાથી તેમને તેમના મોડેલને રજૂ કરવા માટે અનિશ્ચિત સમય સુધી રાહ જાવી જોઈએ નહીં. ઉપરાંત, સર્વસંમતિ બનાવવા માટે વધુ સમય લેવો જોઈએ નહીં કારણ કે આ સુરક્ષા પરિષદમાં સુધારાની પ્રક્રિયામાં અનિશ્ચિત સમય માટે વિલંબ કરી શકે છે.
ભારતીય રાજદૂતે કહ્યું કે ગ્લોબલ સાઉથનો સભ્ય હોવાને કારણે ભારત માને છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ફેરફાર દ્વારા જ સંયુક્ત રાષ્ટ્રની વિશ્વસનીયતા અને કાયદેસરતા જાળવી શકાય છે.