યુકે જલિયાંવાલા હત્યાકાંડ માટે માફી માગશે ?
યુકેની રાજધાની લંડનના હેરો ઈસ્ટ મતવિસ્તારના કન્ઝર્વેટિવ સાંસદ બોબ બ્લેકમેને યુકે સરકાર ૧૯૧૯ના જલિયાંવાલા બાગ હત્યાકાંડની વર્ષગાંઠ પર ભારતની માફી માંગે એવી માગણી કરી એ સાથે જ જલિયાંવાલા બાગ હત્યાકાંડ ફરી ચર્ચામાં છે. યુકે સંસદમાં બોલતા બ્લેકમેને ૧૩ એપ્રિલ, ૧૯૧૯ ઘટનાને શરમજનક ગણાવીને કહ્યું કે, જલિયાંવાલા બાગમાં થયેલા ગોળીબારમાં હજારો નિર્દોષ નાગરિકો માર્યા ગયા અને ઘાયલ થયા હતા એ જોતાં યુકેએ માફી માગવી જોઈએ. બ્લેકમેને એમ પણ કહ્યું કે, સંસદમાં મેં જલિયાંવાલા બાગ હત્યાકાંડનો મુદ્દો ઉઠાવીને સરકારને અત્યાચારની વર્ષગાંઠ પહેલા ભારતના લોકોની ઔપચારિક માફી માંગવા કહ્યું છે.
જલિયાંવાલા બાગ હત્યાકાંડ ભારતના આઝાદીની લડતના ઈતિહાસની સૌથી કલંકિત અને હચમચાવી નાંખે એવી ઘટનાએમાંથી એક છે. ૧૩ એપ્રિલ, ૧૯૧૯ના દિવસે જનરલ ડાયરે જલિયાંવાલા બાગમાં શાંત રીતે વિરોધ કરવા એકઠાં થયેલાં લોકો પર ગોળીઓ વરસાવીને ૪૮૪ લોકોના ઢીમ ઢાળી દીધાં હતાં. આ સત્તાવાર આંકડો છે અને અમૃતસરના ડેપ્યુટી કમિશનરના કાર્યાલયમાં ૪૮૪ શહીદોની યાદી છે પણ બિનસત્તાવાર રીતે આ આંકડો મોટો હોઈ શકે છે.
જલિયાંવાલા બાગ હત્યાકાંડ માટે યુકેએ ભારતની માફી માગવી જોઈએ એવી માગણી પહેલાં પણ થતી રહી છે પણ યુકેની સરકારો આ વાતને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાંખે છે. બ્લેકમેનની પોતાની કન્ઝર્વેટિવ પાર્ટીએ પણ કદી માફી માગવાની દરકાર કરી નથી પણ બ્લેકમેન આ મુદ્દો ઉઠાવી રહ્યા છે કેમ કે તેમના મતવિસ્તાર હેરો ઈસ્ટમાં ભારતીય મતદારોની બહુમતી છે અને તેમાં પણ વધારે વસતી હિંદુઓની છે.
બેરો ઈસ્ટ પરંપરાગત રીતે લેબર પાર્ટીનો ગઢ મનાતો પણ બ્લેકમેનના સાંસદ તરીકેના કાર્યકાળ દરમિયાન ભારતીય મતદારો લેબર પાર્ટીને છોડીને કન્ઝર્વેટિવ પાર્ટી તરફ વળ્યા છે કેમ કે બ્લેકમેન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓની પ્રશંસા કરે છે. બ્લેકમેને હિંદુવાદીઓને શરણે જઈને પોતાનું વર્ચસ્વ જમાવ્યું છે. આ વર્ચસ્વ ટકાવવા માટે બ્લેકમેને જલિયાંવાલા બાગનો મુદ્દો ઉઠાવ્યો એ કહેવાની જરૂર નથી પણ બ્લેકમેને યોગ્ય મુદ્દો ઉઠાવ્યો છે તેમાં પણ શંકા નથી.
યુકેએ નિર્દોષ લોકોના લોહી વહાવવા બદલ ભારતની માફી માગવી જ જોઈએ.

બ્રિટને છેલ્લા ત્રણ દાયકામાં ત્રણ વાર અફસોસ અને દુઃખ વ્યક્ત કર્યાં પણ માફી નથી માગી.
બ્રિટનના મહારાણી એલિઝાબેથ બીજાં ૧૯૯૭માં ભારત આવ્યાં ત્યારે તેમણે જલિયાંવાલા બાગ હત્યાકાંડ માટે અફસોસ વ્યક્ત કર્યો હતો. ક્વીન એલિઝાબેથે જલિયાંવાલા બાગની મુલાકાત પણ લીધી હતી. જલિયાંવાલા બાગ જતાં પહેલાં ક્વીને કહેલું કે, આ હત્યાકાંડ ભારત સાથેના અમારા ઇતિહાસનું દુઃખદ ઉદાહરણ છે અને અમને તેનો અફસોસ છે.
બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમેરૂન ૨૦૧૩માં ભારત આવ્યા ત્યારે જલિયાંવાલા બાગ હત્યાકાંડને ઇતિહાસની સૌથી શરમજનક ઘટના ગણાવી હતી. કેમરૂને અફસોસ વ્યક્ત કરેલો પણ સ્પષ્ટ રીતે માફી નહોતી માંગી.
જલિયાંવાલા બાગ હત્યાકાંડને ૧૦૦ વર્ષ પૂરાં થયાં ત્યારે ૨૦૧૯માં બ્રિટનના વડાપ્રધાન થેરેસા મેએ ૧૯૧૯ના જલિયાંવાલા બાગ હત્યાકાંડ માટે અફસોસ વ્યક્ત કર્યો હતો. થેરેસા મેએ તત્કાલિન બ્રિટિશ શાસન માટે જલિયાંવાલા બાગ હત્યાકાંડને શરમનાક ઘટના ગણાવી હતી પણ આ હત્યાકાંડ માટે માફી નહોતી માંગી.
હાલમાં બ્રિટનમાં સત્તાધારી લેબર પાર્ટી એ વખતે વિરોક્ષ પક્ષમાં હતી. લેબર પાર્ટીએ ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન બનેલી આ ઘટના માટે થેરેસા મે માફી માંગે એવી માગણી કરી હતી.
હવે લેબર પાર્ટી પોતે સત્તામાં છે ત્યારે પોતે યુકેની સરકાર પાસેથી જે અપેક્ષા રાખતી હતી તેનો અમલ કરીને માફી માગે એવી અપેક્ષા વધારે નથી. મોટા ભાગના રાજકારણીઓ બીજાંને જ્ઞાન પિરસવામાં પાવરધા હોય છે પણ પોતે કરવાનું આવે ત્યારે પાણીમાં બેસી જતા હોય છે.
યુકે વડાપ્રધાન કેયર સ્ટેર્મર પોતાને ટીપીકલ રાજકારણી સાબિત કરે છે કે સિધ્ધાંતમાં માનનારા નેતા સાબિત કરે છે એ જોઈએ.

જલિયાંવાલા બાગ હત્યાકાંડ કેમ થયેલો ?
ગાંધીજી ૨૦૧૫માં દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા પછી તેમણે આઝાદી માટે અહિંસક લડત શરૂ કરી તેને જોરદાર પ્રતિસાદ મળવા લાગ્યો હતો. સામાન્ય લોકો મોટા પ્રમાણમાં આઝાદીની લડતમાં જોડાવા લાગ્યા. આ વિરોધને કચડવા બ્રિટિશ સરકારે ભારતીયોને પકડી પકડીને જેલમાં ધકેલવા માંડ્‌યા.
પંજાબમાં લાહોર અને અમૃતસરમાં આ આંદોલન વધારે ઉગ્ર હતું. બ્રિટિશ સરકારે પંજાબમાં આંદોલનને કચડી નાંખવા ડો. સત્યપાલ અને સૈફુદ્દીન કિચલુની ધરપકડ કરીને આંદામાનની જેલમાં મોકલી દીધા તેથી લોકો વધારે ભડક્યાં.
લોકો હિંસા પર ઉતરી આવ્યાં.
૧૦ એપ્રિલ, ૧૯૧૯ના રોજ અમૃતસરમાં ડેપ્યુટી કમિશનરના ઘર પર બંને નેતાઓને મુક્ત કરવાની માગણી સાથે હલ્લાબોલ થયું. ભડકેલા લોકોએ ૫ યુરોપીયનોની
આભાર – નિહારીકા રવિયા હત્યા કરી દીધી. બ્રિટિશ સિપાહીઓએ અંધાધૂંધ ગોળીબાર કરીને ૨૦ ભારતીયોને મોતને ઘાટ ઉતારી દીધા. તેના કારણે હિંસા વધારે ભડકી. બ્રિટિશ સરકારે લોકોને કચડી નાખવા માટે પંજાબમાં માર્શલ લા લાગુ કરી દીધો.
આ દમનનો વિરોધ કરવા ૧૩ એપ્રિલ, ૧૯૧૯ના રોજ અમૃતસરના જલિયાંવાલા બાગમાં સભા રાખવામાં આવી.
અમૃતસર શહેરમાં કરફ્યુ હોવા છતાં સેંકડો લોકો ઉમટી પડ્‌યાં. બૈસાખી હોવાથી અમૃતસર ફરવા આવેલાં આસપાસના ગામોના લોકો પણ સભા સ્થળે ઉમટી પડ્‌યા. બ્રિટિશ લશ્કરના બ્રિગેડીયર જનરલ રેજીનાલ્ડ ડાયરને ખબર પડતાં ૯૦ બ્રિટિશ સૈનિકો સાથે ત્યાં પહોંચી ગયો. ભાષણ કરી રહેલા નેતાઓએ બ્રિટિશ સૈનિકોને અંદર આવતા જોયા પણ લોકોને શાંતિથી બેસી રહેવા કહ્યું.
સૈનિકોએ બાગને ઘેરીને ચેતવણી આપ્યા વગર નિઃશસ્ત્ર લોકો પર ગોળીઓ છોડવા માંડી. ગભરાયેલાં લોકો ભાગવા માંડ્‌યાં પણ ગોળીઓ છૂટતી રહી. દસ મિનિટ સુધી ગોળીબાર ચાલ્યો. સત્તાવાર રીતે કુલ ૧૬૫૦ રાઉન્ડ ગોળીઓ છોડીને ૪૮૪ લોકોની હત્યા કરાઈ.
જલિયાંવાલા બાગ મકાનો પાછળ આવેલું ખાલી પડેલું એક મેદાન હતું. બાગમાં આવવા-જવા માટે એક માત્ર સાંકડો રસ્તો હતો. ચારે તરફ મકાનો હોવાથી ભાગવા માટે રસ્તો ન હતો. લોકો જીવ બચાવવા મેદાનમાં રહેલા એક માત્ર કૂવામાં કૂદી ગયા ને જોત જોતાંમાં તો કૂવામાં લાશોનો ઢગલો થઈ ગયો હતો. હત્યાકાંડ બાદ કૂવામાંથી ૧૨૦ લાશો કાઢવામાં આવી હતી. કરફ્યુ હોવાથી ઘાયલોને સારવાર માટે પણ ના લઈ જઈ શકાયા ને સંખ્યાબંધ લોકો સારવારના અભાવે તડપીને મરી ગયા.
જનરલ ડાયર હત્યાકાંડ પછી ઠંડા કલેજે સૈનિકોને લઈ જતો રહ્યો.

હત્યારા જનરલ ડાયરને કશું ના થયું,
બ્રિટનની સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ કોમન્સે જલિયાંવાલા બાગ હત્યાકાંડની નિંદા કરતો ઠરાવ પસાર કરેલો પણ ઉપલા ગૃહ હાઉસ ઓફ લોડ્‌ર્સે જનરલ ડાયરનાં વખાણ કરતો ઠરાવ કરેલો. હત્યાકાંડની ભારે ટીકા થઈ પછી બ્રિટિશ સરકારે તેની ટીકા કરતો ઠરાવ પસાર કર્યો પણ માફી ના માગી.
ભારે દબાણના કારણે ૧૯૨૦માં જનરલ ડાયરે રાજીનામું આપવું પડયું હતું પણ જનર ડાયરને એ સિવાય કોઈ સજા ના થઈ. જનરલ ડાયર પાછો બ્રિટન જતો રહ્યો ને પોતાના પરિવાર સાથે આરામથી નિવૃત્તિનું જીવન પસાર કર્યું. સેંકડો લોકોનો હત્યારો જનરલ ડાયર ૧૯૨૭માં કુદરતી રીતે ગુજરી ગયો હતો.
જલિયાંવાલા બાગ હત્યાકાંડ આઝાદીની લડતમાં ટર્નિંગ પોઈન્ટ છે.
જલિયાંવાલા બાગ હત્યાકાંડે ભારતમાં અંગ્રેજ શાસન તરફ થઈ રહેલા અત્યાચારો તરફ આખી દુનિયાનું ધ્યાન દોર્યું હતું. અંગ્રેજોએ એ પછી પણ ભારતમાં અત્યાચારો તો કર્યા જ પણ જલિયાંવાલા બાગ પછી અંગ્રેજ અધિકારીઓ મોટી હિંસાથી દૂર રહેવા લાગ્યા.
ભારતમાં પણ લોકોને આઝાદી કેમ જરૂરી છે એ સમજાયું. અંગ્રેજોને હાંકી નહીં કાઢીએ તો આ રીતે જ અંગ્રેજો આપણને ઘેટાં-બકરાંની જેમ વાઢી નાંખશે તેનો લોકોને અહેસાસ થયો તેથી લોકો વધારે પ્રમાણમાં આઝાદીની લડતમાં જોડાયા. જલિયાંવાલા બાગ હત્યાકાંડને કારણે હથિયારો ઉઠાવીને ભારતની આઝાદી માટે લડવાનો મત ધરાવતા નરબંકાઓની ચળવળ પણ ઉગ્ર બની અને ઘણા અંગ્રેજોની હત્યાઓ પણ થઈ.