પાછલા અઢી વર્ષોથી ચાલતા રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયાએ આજે (૩ સપ્ટેમ્બર) યુક્રેન પર ભીષણ મિસાઇલ હુમલો કર્યો છે. રશિયાના એરફોર્સે યુક્રેનના પોલ્તાવા શહેરમાં યુનિવર્સિટી અને હોસ્પિટલને નિશાન બનાવી બે બેલેસ્ટીક મિસાઇલ લોન્ચ કરી હતી. યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીના જણાવ્યા મુજબ રશિયાના આ ભયંકર હુમલામાં ૪૧ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ૧૮૦થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.
યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયામાં વીડિયો શેર કરી આ હુમલા અંગે માહિતી આપી છે. ઝેલેન્સ્કીએ કહ્યું કે, ‘બે બેલેસ્ટીક મિસાઇલથી યુનિવર્સિટી અને હોસ્પિટલને નિશાન બનાવવામાં આવ્યા છે. રશિયાના ભયંકર હુમલાથી ભયંકર વિનાશની સ્થિતિ સર્જાઇ છે. રશિયાએ ઇરાદાપૂર્વક યુક્રેનના રહેણાંક વિસ્તારો અને જાહેર સંપત્તીઓને નિશાન બનાવ્યો છે. આ હુમલામાં ૪૧ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ૧૮૦થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.’
યુક્રેનના રક્ષા મંત્રાલયે આ હુમલાને ક્રુરતા ગણાવી છે. રક્ષા મંત્રાલયે નિવેદન આપ્યું કે, ‘ભયંકર મિસાઇલોના આગમન અને અલાર્મ વચ્ચે ખૂબ જ ટુંકાગાળાનો અંતર હતો, આ કારણસર ઘણાં લોકો હુમલાની ચપેટમાં આવી ગયા હતા. કેટલાક લોકો કાટમાળ નીચે દટાયા છે. હાલ લોકોને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. કાટમાળ નીચે દટાયેલા ૧૧ સહિત ૨૫ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.’
ઝેલેન્સ્કીએ આ ઘટના અંગે વિસ્તૃત તપાસના આદેશ આપ્યા છે. આ ઉપરાંત તેમણે આ હુમલાને આતંકવાદી હુમલો ગણાવી સાથી દેશો પાસેથી મદદ માંગી હતી. તેમણે કહ્યું હતું કે, ‘હું સમગ્ર વિશ્વને ફરીથી અપીલ કરૂં છું કે આ આતંકવાદ અટકાવવા તેઓ અમને મદદ કરે. યુક્રેનને હવાઇ સંરક્ષણ પ્રણાલી અને મિસાઇલોની તાત્કાલિક જરૂરિયાત છે. લાંબા અંતરના હુમલા કરી શકે અને અમને રશિયાના આતંકથી બચાવી શકે તેવા હથિયારોની તાત્કાલિક જરૂરિયાત છે. કોઇ પણ સંજાગોમાં આ મદદ પહોંચાડવામાં એક પણ દિવસ મોડું થાય તો હજારો લોકોના મોત થઇ શકે છે.’ આ દરમિયાન તેમણે બચાવકાર્યમાં જોડાયેલા સ્થાનિકોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.