પાંચમી નવેમ્બરે અમેરિકામાં પ્રેસિડન્ટની ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ પ્રેસિડન્ટ ઇલેક્ટ ડોનલ્ડ ટ્રમ્પે રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન સાથે યુક્રેન સાથેનું યુદ્ધ અટકાવી દેવા માટે ફોન પર વાતચીત કરી હોવાના અહેવાલ અમેરિકાના અખબાર ‘ધ વાશિંગ્ટન પોસ્ટ’માં પ્રકાશિત થયા હતા, પણ ગઈ કાલે સોમવારે રશિયાએ દાવો કર્યો હતો કે આ બેઉ નેતાઓ વચ્ચે આવી કોઈ વાતચીત થઈ નથી.
રશિયાએ આવા અહેવાલોને સંપૂર્ણ રીતે કાલ્પનિક ગણાવ્યા હતા. આ મુદ્દે રશિયન સરકારના પ્રવક્તા દિમિત્રી પેસકોવે પત્રકારોને કહ્યું હતું કે આ અહેવાલ ખોટો છે, એ કાલ્પનિક છે અને એ ખોટી જાણકારી છે. બેઉ નેતાઓ વચ્ચે કોઈ વાતચીત થઈ નથી; શું પુતિન ટ્રમ્પ સાથે સંપર્ક કરે એવી કોઈ યોજના છે એ મુદ્દે તેમણે જવાબમાં કહ્યું હતું કે હજી સુધી આવી કોઈ પાકી યોજના નથી.
‘ધ વાશિંગ્ટન પોસ્ટ’માં દાવો કરવામાં આવ્યો હતો કે જીત બાદ ટ્રમ્પે દુનિયાના આશરે ૭૦ નેતાઓ સાથે વાતચીત કરી હતી જેમાં પુતિન, ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુનો પણ સમાવેશ હતો. ‘ધ વાશિંગ્ટન પોસ્ટે’ અજાણ્યાં સૂત્રોને ટાંકીને કહ્યું હતું કે ટ્રમ્પ અને પુતિને વાતચીત કરી હતી અને ટ્રમ્પે તેમને યુક્રેનમાં યુદ્ધને નહીં વધારવાની સલાહ આપી હતી. તેમણે એ પણ યાદ દેવડાવ્યું હતું કે યુરોપમાં અમેરિકાનું સૈન્ય મોટા પ્રમાણમાં ઉપસ્થિત છે.
‘ધ વાશિંગ્ટન પોસ્ટ’માં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે યુક્રેન સરકારને પણ આ વાતચીત વિશે સૂચિત કરવામાં આવી હતી. એણે પણ કોઈ વિરોધ નોંધાવ્યો નથી. યુક્રેનના અધિકારીઓને પણ ખબર હતી કે ટ્રમ્પ આ મુદ્દે પુતિન સાથે ચર્ચા કરવાના છે.
ટ્રમ્પે ચૂંટણીપ્રચાર વખતે વાયદો કર્યો હતો કે તેઓ ચૂંટાઈ આવશે તો રશિયા-યુક્રેન યુદ્ધને જલદી ખતમ કરાવશે. અખબારે દાવો કર્યો હતો કે ટ્રમ્પે વ્યક્તિગત રીતે કહ્યું હતું કે તેઓ એવી સમજૂતીનું સમર્થન કરશે જેમાં રશિયા કેટલાંક મુક્ત કરેલાં ક્ષેત્રો તેની પાસે રાખી શકે.