બાંગ્લાદેશની વચગાળાની સરકારે કહ્યું હતું કે તે ભારત સહિત તમામ દેશો સાથે પરસ્પર સન્માન અને સમાનતા પર આધારિત મજબૂત સંબંધો ઈચ્છે છે. ઢાકા ટ્રિબ્યુન અખબારે અહેવાલ આપ્યો છે કે વિદેશ બાબતોના સલાહકાર મોહમ્મદ તૌહીદ હુસૈને રાયપુરા અને નરસિંગડીના બેલાબો ઉપજિલ્લાઓમાં અધિકારીઓ, પત્રકારો, નેતાઓ અને બૌદ્ધિકો સાથે બે અલગ અલગ બેઠકો દરમિયાન આ ટિપ્પણી કરી હતી.
તેમણે કહ્યું કે, બાંગ્લાદેશે સારા સંબંધોની ઈચ્છા વ્યક્ત કરતા ભારતને સંદેશ આપ્યો છે, પરંતુ તે પરસ્પર હિતોના આધારે હોવો જાઈએ. મોહમ્મદ તૌહીદ હુસેને કહ્યું કે બાંગ્લાદેશ તમામ દેશો સાથે સન્માન અને સમાનતાના આધારે સારા સંબંધો ઈચ્છે છે અને સરકાર આ લક્ષ્ય તરફ કામ કરી રહી છે.
મોહમ્મદ તૌહીદ હુસૈને પણ વચગાળાની સરકારની નિષ્પક્ષ શાસન પ્રત્યેની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો, જેમાં વિદ્યાર્થીઓ સહિતની જનતાની ચિંતાઓને સંબોધવા અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી કરાયેલા સુધારાનો અમલ કરવાનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે આ સુધારા પછી રાજકીય સત્તા ચૂંટાયેલા નેતાઓને હસ્તાંતરિત કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશમાં જુલાઈ મહિનામાં હિંસા અને ઓગસ્ટ મહિનામાં શેખ હસીનાની સરકારના પતન બાદ હાલમાં વચગાળાની સરકાર શાસન કરી રહી છે. આ સરકારના વડા નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસ છે. તાજેતરમાં, વચગાળાની સરકારે સ્વીકાર્યું છે કે શેખ હસીના સરકારના પતન પછીથી લઘુમતીઓ પર હુમલાના ૮૮ કેસ નોંધાયા છે.
બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા અને હિંદુ સંત ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ તાજેતરના અઠવાડિયામાં બંને દેશો વચ્ચેના સંબંધો વધુ વણસ્યા છે. ત્રિપુરાના અગરતલામાં બાંગ્લાદેશના સબ હાઈ કમિશનમાં બળજબરીથી ઘૂસેલા વિરોધીઓના મુદ્દાએ પણ બંને દેશો વચ્ચેના સંબંધોને અસર કરી હતી. છેલ્લા કેટલાક સપ્તાહમાં પાડોશી દેશમાં હિંદુઓ અને અન્ય લઘુમતીઓ વિરુદ્ધ હિંસાની ઘટનાઓ તેમજ મંદિરો પર હુમલાની ઘટનાઓ બની છે. ભારતે આ ઘટનાઓ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.