ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં હવામાનની પેટર્ન બદલાવાની છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ૨૪ કલાક દરમિયાન પંજાબ અને હરિયાણામાં હળવા વરસાદની સંભાવના છે. વાસ્તવમાં ૮ ડિસેમ્બરથી મેદાની વિસ્તારોને તાજા પશ્ચિમી વિક્ષેપની અસર થઈ શકે છે. જેના કારણે હિમાલયના ક્ષેત્રમાં હિમવર્ષા અને કેટલાક રાજ્યોમાં વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગે સપ્તાહ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં ૨-૩ ડિગ્રી સેલ્સીયસનો ધીમે ધીમે ઘટાડો થવાની આગાહી કરી છે. જેના કારણે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તર રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં ઠંડીનું મોજું જોવા મળી શકે છે.
આઇએમડી અનુસાર,૮ થી ૧૧ ડિસેમ્બર દરમિયાન પંજાબ, હરિયાણા અને ચંદીગઢના વિવિધ ભાગોમાં મોડી રાત્રે અને સવારના કલાકો દરમિયાન ગાઢ ધુમ્મસની સંભાવના છે. દિલ્હી, પૂર્વ યુપી અને બિહારમાં પણ સવારે આછું ધુમ્મસ જોવા મળી શકે છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ૧૧-૧૨ ડિસેમ્બરે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે. ૧૨ ડિસેમ્બરે કોસ્ટલ આંધ્રપ્રદેશ, યાનમ, રાયલસીમામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ૧૧ ડિસેમ્બરે તમિલનાડુના માયલાદુથુરાઈ, નાગાપટ્ટિનમ, તિરુવરુર, તંજાવુર, પુદુક્કોટ્ટાઈ અને રામનાથપુરમ જિલ્લા તેમજ કરાઈકલમાં ભારે વરસાદની સંભાવના છે. ચેંગલપટ્ટુ, વિલુપ્પુરમ, કુડ્ડલોર, માયલાદુથુરાઈ, નાગાપટ્ટિનમ, તિરુવરુર, તંજાવુર, પુડુક્કોટ્ટાઈ, રામનાથપુરમ જિલ્લા, પુડુચેરી અને કરાઈકલમાં ૧૨
ડિસેમ્બરે ભારે વરસાદની અપેક્ષા છે.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન દિલ્હી-એનસીઆરમાં મહત્તમ તાપમાનમાં ૩ ડિગ્રી સેલ્સીયસનો ઘટાડો થયો છે. દિલ્હીમાં હાલમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે ૨૩ થી ૨૬ ડિગ્રી સેલ્સીયસ અને ૦૮ થી ૧૧ ડિગ્રી સેલ્સીયસ વચ્ચે છે. બપોરના સમયે દિલ્હીમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે અને જુદી જુદી દિશામાં ધુમ્મસ અને આછું ધુમ્મસ રહેશે.
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અનુસાર, દિલ્હીમાં આજે વાયુ પ્રદૂષણનું સ્તર ‘મધ્યમ’ શ્રેણીમાં છે.આજે સવારે ઇન્ડિયા ગેટની આસપાસના વિસ્તારમાં ધુમ્મસનું પાતળું પડ જાવા મળ્યું હતું. દિલ્હીના બારાપુલા વિસ્તારમાં પણ ધુમ્મસનું પાતળું પડ જોવા મળી રહ્યું હતું