જીવન ચક્ર: રણતીડનો જીવનક્રમ સામાન્ય રીતે તો આપણે ત્યાં દેખાતા અન્ય તીતીઘોડા જેવો જ હોય છે. રણતીડની એક માદા તેના જીવનકાળ દરિમયાન ૩ થી ૪ વખત, દરેક વખતે ૫૦ થી ૧૦૦ ઈડાનું ઝૂમખું હોય એ રીતે જમીનમાં આવા ઝૂમખા દાટે છે. આને માટે તે પોતાના પેટનો પાછલો ભાગ ૭ થી ૧૫ સે.મી. લાંબો કરી શકે છે. આ રીતે જમીનમાં ૭ થી ૧૫ સે.મી. ઊંડે દટાએલા ઈંડાના ઝૂમખાનું ઉપરનું કાણું પાડી ત્યાર પછી તે પેટમાંથી ચીકણો ફીણ જેવો રસ કાઢીને પૂરી દે છે. આ રીતે એક માદા તેના જીવનકાળ દરિમયાન લગભગ ૩૦૦ થી ૫૦૦ ઈંડા જમીનમાં દાટે છે. સામાન્ય રીતે આ દટાએલા ઈંડામાંથી બે અઠવાડિયામાં બચ્ચાં તૈયાર થઈ જાય છે. પરંતુ તે આજુબાજુના હવામાન તથા જમીનના ભેજ ઉપર આધાર રાખે છે. સામાન્ય રીતે માદા લગભગ એવા સમયે જ ઈંડા મૂકે છે કે જ્યાં એકાદ માસના ગાળામાં વરસાદ પડવાનો હોય તથા જમીન પર ઝીણું ઝીણું ઘાસ ઊગી નીકળવાનું હોય જેથી ભવિષ્યમાં નીકળનાર બચ્ચાંને તાત્કાલિક ખાવાનું નજીકમાં જ મળી રહે. ઈંડા ચોખાના દાણાં જેવા પીળાશ પડતા રંગના હોય છે. ઈંડામાંથી નીકળેલા બચ્ચાંઓ સામાન્ય રીતે તેમના આ બાળ જીવન દરિમયાન પાંચ વખત પોતાના શરીરની કાંચળી ઊતારે છે અને દરેક વખતે તેમના રૂપ અને આકાર બદલાતા રહે છે. પાંચમી અવસ્થા પછીનું પુખ્ત પાંખાળ અને શરૂઆતના એક બે દિવસ ગુલાબી રંગનું હોય છે.
• યજમાન પાકો અને નુકસાનનો પ્રકાર ઃ તીડના બચ્ચાં અને પુખ્ત ખૂબ જ ખાઉધરા હોય છે અને તેમના કાપવા અને ચાવવા પ્રકારના મુખાંગો વડે છોડના પાન અને કુમળી ડૂંખો ખાય છે. પુખ્ત કરતાં બચ્ચાંનું આયુષ્ય લાબું હોવાથી વધારે નુકસાન કરે છે.વધુ ઉપદ્રવ હોય તો છોડના બધા જ પાન ખાઈ જઈ ફક્ત મધ્ય નસો જ રહેવા દે છે તથા છોડ બૂઠો અથવા બોડો થઈ જાય છે અને ઉત્પાદન મળતું નથી. ઓછો ઉપદ્રવ હોય તો છોડની વૃદ્ધિ અટકી જાય છે અને ઉત્પાદન પર માઠી અસર પડે છે. સામાન્ય રીતે નાના બચ્ચાં પાન ખાય છે. જ્યારે મોટા બચ્ચાં અને પુખ્ત પાન, કંટી/ડૂંડી અને દાણાંને પણ ખાય છે. તે લગભગ લીમડા સિવાય બધી જ લીલી વનસ્પતિ ખાય છે. પુખ્ત ઉંમરના આવા પાંખાળા એક તીડનું વજન સામાન્ય રીતે બે ગ્રામ જેટલું ગણાય. ૧ ચોરસ કિલોમીટર જગ્યામાં ઉતરેલા તીડના એક ટોળાની સંખ્યા લગભગ ૮ થી ૧૦ કરોડ જેટલી હોય છે. દરેક તીડ એક દિવસમાં તેના શરીરના વજન જેટલું જ ખાય તો પણ આવું ટોળું એક જ દિવસમાં લગભગ ૨૦૦ ટન ઘાસચારો સાફ કરી નાખે, એકલો ઘાસચારો જ નહી પણ ઘાસની અછતમાં જે કોઈપણ વનસ્પતિ, ઝાડ-પાંદડા તેના માર્ગમાં આવે તેને તેઓ સાફ કરતા જાય છે.
• સંકલિત વ્યવસ્થાપન:
• તીડનું ટોળું આવતું હોવાના સમાચાર મળે કે તુરંત જ ગામમાં ઢોલ વગડાવવો અથવા સાદ પડાવી બધા ગ્રામજનોને સાવધ કરવા તથા પોત-પોતાના ખેતરમાં ઢોલ, પતરાના ડબ્બા કે થાળીઓ ખખડાવીને મોટા અવાજ કરવા જેથી તીડનું ટોળું નીચે ન ઊતરતા આગળ વધી જાય.
• તીડનું ટોળું રાત્રિ રોકાણ કરે તો કેરોસીનના કાકડા વડે સળગાવીને અથવા ફ્લેમથ્રોઅર વડે સળગાવીને નાશ કરવો અથવા સવારના સમયે ફેનિટ્રોથીઓન ૫૦ ઈસી ૧ લિટર અથવા મેલાથીઓન ૫૦ ઈસી ૧ લિટર અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૧ લિટર પ્રમાણે ૮૦૦ થી ૧૦૦૦ લિટર પાણીમાં મેળવીને ૧ હેક્ટર વિસ્તારમાં છાંટવું.
• લીંમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડાનું તેલ ૪૦ મિ.લિ. + કપડા ધોવાનો પાઉડર ૧૦ ગ્રામ અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૨૦ મિ.લિ. (૧ ઇસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઇસી) ૧૦ લિટર પાણીમાં ઉમેરી છાંટવાથી આવા છોડને તીડ ખાતા નથી.
• જે જમીનમાં ઈંડા મૂકાયા હોય તે વિસ્તાર થોડો હોય તો ટ્રેક્ટર વડે ખેડીને ઈંડાંનો નાશ કરવો.
• જે જમીનમાં ઈંડા મૂકાયા હોય તે વિસ્તારની સરહદ નક્કી કરીને તેની આજુબાજુ ક્વિનાલફોસ ૧.૫ %, મેલાથીયોન ૫ % ભૂકીને ૨ ફૂટ પહોળા પટ્ટામાં જમીન ઉપર છાંટવી જેથી ઈંડામાંથી બહાર નીકળતા બચ્ચાં કીટનાશકના સંસર્ગથી નાશ પામે.
• જ્યાં ઈંડા સેવાયા હોય તે બચ્ચાંના ટોળા ખોરાકની શોધમાં આગળ ધપતા હોય તો તેના માર્ગને આડે ૧ ફૂટ પહોળી
૧.૫ ફૂટ ઊંડી ખાઈ ખોદવી. ખાઈમાં ઉપર દર્શાવેલ ભૂકીરૂપ કીટનાશક નાખવી જેથી તેમાં પડીને તીડના બચ્ચાં નાશ પામે.
• ખાઈ ખોદી શકાય તેમ ન હોય તો જમીન ઉપર ક્વિનાલફોસ ૧.૫% ભૂકીના ૨ ફૂટ પહોળા પટ્ટા બચ્ચાંના માર્ગમાં બનાવવા જેથી બચ્ચાં નાશ પામે અથવા ડાંગરની કુશકી (૧૦૦ કિ.ગ્રા.) ની સાથે ફેનિટ્રોથીઓન ૫૦ ઇસી (૫૦૦ મિ.લિ.) + ગોળની રસી (૫ કિ.ગ્રા.) ભેળવીને બનાવેલ ઝેરી પ્રલોભિકા જમીન ઉપર બચ્ચાંના રસ્તામાં વેરવી.
• ખેતી પાક તથા ચરીયાણની જમીનમાં બચ્ચાંના ટોળા હોય તો ક્વિનાલફોસ ૧.૫% અથવા મેલાથીયોન ૫ % ભૂકી છાંટીને નાશ કરવો અથવા ડાયક્લોરવોસ ૭૬ ઈસી ૨૫૦ મિ.લિ. ૧૦૦ કિ.ગ્રા. રેતી અથવા માટીમાં મિશ્ર કરીને ઊભા પાકમાં/ઘાસીયા જમીનમાં છાંટવાથી બચ્ચાંનું નિયંત્રણ કરી શકાય.
• ઘાસચારાના પાક કે શેઢા-પાળા ઉપર કે ઘાસીયામાં કીટનાશકનો છંટકાવ કરેલ હોય તેવા વિસ્તારમાં ઢોર કે ઘેટાં-બકરાં ચરાવવા નહીં. તેમ જ આવા વિસ્તારમાંથી ૧૫ દિવસ સુધી ઘાસચારો કાપવો નહીં.