રતન તાતા ગુજરી ગયા.
ભારતીય ઉદ્યોગ જગતમાં બહુ ઓછા લોકો એવા આવ્યા કે જેમને આ દેશનાં લોકોએ ભરપૂર પ્રેમ અને આદર આપ્યો. રતન તાતા તેમાંથી એક હતા તેથી જ તેમના અચાનક મોતે સૌને અવાચક કરી દીધા. રતન તાતાની તબિયત સારી હતી. તાતા ૮૬ વર્ષના હતા છતાં હરતાફરતા હતા, સ્ટાર્ટ અપ્સ શરૂ કરનારા યુવાનોને મળતા હતા, પ્રવચનો આપતા હતા, યુવાઓને માર્ગદર્શન આપતા હતા એ જોતાં એ અચાનક ગુજરી જશે એવી કોઈને કલ્પના નહોતી.
રતન તાતાના નિધન પછી તેમના વિશે ભરપૂર લખાયું છે. તેમાંથી મોટા ભાગની વાતો તેમણે તાતા ગ્રુપને એક વિશાળ સામ્રાજ્યમાં કઈ રીતે પરિવર્તિત કર્યું તેના વિશે છે. તાતાની એ સિદ્ધીઓ તો મોટી છે જ પણ એક માણસ તરીકે તાતામાં જે ગુણો હતા એ ગુણો બહુ ઓછા લોકોમાં જોવા મળે ને તેમાં પણ ધનિકોમાં તો ભાગ્યે જ જોવા મળે.
મોટા ભાગના ધનિકો સંપત્તિનું વરવું પ્રદર્શન કરતા હોય છે ત્યારે રતન તાતા ભારતની સૌથી મોટી મલ્ટિનેશનલ કંપનીના સર્વેસર્વા હોવા છતાં તાતા સાદગીથી જીવ્યા અને માનવીય મૂલ્યોને જાળવીને જીવ્યા. મોંઘીદાટ કારોમાં ફરવું, ચાર્ટર્ડ ફ્લાઈટ્સમાં ઉડાઉડ કરવી કે લેવિશ વેકેશન્સ ગાળવાં એ બધું રતન તાતાની લાઈફ સ્ટાઈલમાં નહોતું. તેના બદલે રતન તાતા પોતાની ફેક્ટરીઓમાં કામ કરતા કામદારો અને એન્જીનિયર્સને મળતા, સાહસિક યુવાનોને મળતા, સામાન્ય લોકોને મળતા ને તેમની સાથે સંવાદ કરતા. મોટા ભાગના પારસીઓમાં હોય છે એવી સહજતા અને સરળતા રતન તાતાની ખાસિયત હતી.
રતન તાતા ફેમિલીમેન હતા.
રતન તાતા પરણ્યા નહીં તેથી પોતાનો પરિવાર નહોતો પણ તેમણે પોતાના પરિવારને સારી રીતે સાચવ્યો. તાતા પરિવારમાં સંપત્તિના ઝગડા ના થયા કે કોઈ વિખવાદ ના થયો એ પાછળ રતન તાતાની પરિવારને એક રાખવાની ભાવના હતી. બહુ નાની ઉંમરે રતન તાતાનાં માતા-પિતાના ડિવોર્સ થઈ ગયેલા તેથી રતન તાતા પોતાનાં દાદી નવજબાઈ પાસે જ મોટા થયા. તેમના નાના ભાઈ જિમી અને રતન બંનેને નવજબાઈએ ઉછેર્યા. આ કારણે બંને ભાઈઓને તેમનાં દાદી તરફ જબરદસ્ત લગાવ હતો.
રતન તાતા અમેરિકાથી પાછા પોતાનાં દાદી નવજબાઈની તબિયત બગડી એ કારણે આવી ગયા હતા. તેના કારણે તેમનાં લગ્ન ના થઈ શક્યાં, પ્રેમિકાને છોડવી પડી એ બધું થયું છતાં રતન તાતાએ કદી ફરિયાદ ના કરી. તેમનાં માતા-પિતાએ ફરી લગ્ન કર્યાં તેની પણ કોઈ કડવાશ ના રાખી. બલ્કે માતા-પિતાનાં બીજાં લગ્નથી થયેલાં સંતાનોને પણ પોતાનો પરિવાર ગણીને સાચવ્યા.
રતન તાતાના પિતા નવલ અને માતા સૂનુના ડિવોર્સ થયા ત્યારે રતન માત્ર ૧૦ વર્ષના હતા. ડિવોર્સ પછી નવલ અને સૂનુએ દીકરાઓને સાથે ના રાખ્યા પણ નવલને દત્તક લેનારાં નવજબાઈએ રતન અને જિમીને ઉછેર્યા છે. તાતા ગ્રુપના સ્થાપક જમશેદજી તાતાના નાના પુત્ર સર રતનજી તાતાનાં વિધવા નવજબાઈએ બંને ભાઈને મોટા કર્યા જ્યારે રતન તાતાનાં માતા-પિતા ફરી લગ્ન કરીને પોતપોતાની જિંદગીમાં આગળ વધી ગયાં.
રતન તાતાનાં માતા સૂનુએ ડિવોર્સ પછી સર જમસેદજી જેજીભોય સાથે લગ્ન કર્યા હતાં. સૂનુ અને જમસેદજીને શિરીન, દીના અને ગીતા એમ ત્રણ દીકરીઓ થઈ. જમસેદજી ૧૯૬૮માં ગુજરી ગયા ત્યારે આ દીકરીઓ યુવાન થઈ રહી હતી જ્યારે રતન તાતા ગ્રુપમાં જામવા માંડ્યા હતા. રતને પોતાની સાવકી બહેનોને મદદ કરીને સારા સંબંધો જાળવ્યા.
રતન તાતાના પિતા નવલે સિમોન સાથે લગ્ન કર્યાં. સિમોન ફ્રાન્સમાં જન્મ્યાં અને સ્વિત્ઝરલેન્ડના જીનીવામાં મોટાં થયાં છે. સિમોન ખ્રિસ્તી એટલે કે કેથોલિક પરિવારમાંથી આવે છે. ૧૯૫૩માં સિમોન ટુરિસ્ટ તરીકે ભારત આવેલાં જ્યારે પહેલી વાર નવલ તાતાને મળ્યાં ને તેમના પ્રેમમાં પડી ગયાં હતાં. બે વર્ષ પછી ૧૯૫૫માં નવલે સિમોન સાથે લગ્ન કર્યા અને મુંબઈમાં સ્થાયી થયા. નોએલ નવલ-સિમોનનું એક માત્ર સંતાન છે.
સિમોન અને નવલના લગ્ન વખતે જેઆરડી તાતા તાતા ગ્રુપના ચેરમેન હતા, તેમણે સિમોનને લેક્મેની જવાબદારી સોંપી. સિમોન ૧૯૬૨માં લેક્મેમાં જોડાયાં ત્યારે લેક્મે બહુ નાની કંપની હતી. સિમોને જબરદસ્ત મહેનત કરીને લેક્મેને ભારતની ટોચની કોસ્મેટિક બ્રાન્ડ બનાવી.
૧૯૯૧માં રતન તાતા ગ્રુપના ચેરમેન બન્યા ત્યારે તેમણે સિમોનને ડિસ્ટર્બ ના કર્યાં પણ તેમને કંપનીને મોટી કરવામાં મદદ કરી. સિમોન માત્ર કોસ્મેટિક જ નહીં પણ અન્ય ક્ષેત્રોમાં પણ કંપનીને વિસ્તારવા માગતાં હતાં. આ વાત સ્વીકારીને રતન તાતાએ ૧૯૯૬માં લેક્મે હિંદુસ્તાન લીવરને વેચી નાંખીને તેમાંથી થયેલી ૨૦૦ કરોડની આવકમાંથી ટ્રેન્ટ બનાવી. ટ્રેન્ટ બનાવી ત્યારે તેના મેનેજિંગ ડિરેક્ટર તરીકે સાવકા ભાઈ નોએલને મૂક્યા. ટ્રેન્ટ પાસે અત્યારે વેસ્ટસાઈડ, ઝુડિયો, ઝારા, સ્ટાર બજાર, ઉત્સા, મિસ્બુ, સામોહ, માસ્સિમો દુત્તી, બુકર ઈન્ડિયા બ્રાન્ડના ૯૦૦થી વધારે સ્ટોર છે.
રતને નોએલના દીકરા નેવિલને ટ્રેન્ટ સોંપી જ્યારે મોટી દીકરી લેહને ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ આપી દીધી. નોએલની બીજી પુત્રી માયાને ડિજિટલ બિઝનેસમાં આગળ કરી.
રતન તાતામાં દંભ નહોતો.
કહેવાતા મોટા લોકો પોતાની ઈમેજ ખરાબ થશે એવું વિચારીને પોતાના અંગત જીવનની વાતોને છૂપાવતા હોય છે. રતન તાતામાં એ નિખાલસતા હતી કે તેમણે પોતાના અંગત જીવનની વાતોને છૂપાવી નહીં. રતન તાતા પાસે આટલું મોટું બિઝનેસ સામ્રાજ્ય હોવા છતાં તેઓ જીવનભર કુંવારા કેમ રહ્યા એ સવાલ તેમને વારંવાર પૂછાયો. ઘણા ઈન્ટરવ્યૂમાં આ સવાલ થયો ને તેનો તાતાએ નિખાલસતાથી જવાબ આપ્યો કે, પોતે પ્રેમમાં પડ્યા હતા અને લગ્ન કરીને ઠરીઠામ થવા માંગતા હતા પણ સમય અને સંજોગોને કારણે શક્ય ના બન્યું. તાતાએ સ્વીકાર્યું છે કે, પોતે ચાર વાર લગ્ન કરવાની સાવ નજીક આવી ગયેલા પણ લગ્ન ના થઈ શક્યાં.
તાતાએ પોતાની લવ સ્ટોરી વિશે એક ફેસબુક પોસ્ટમાં ઉલ્લેખ કર્યો છે. તાતા કોલેજ પૂરી કર્યા પછી ૧૯૬૧માં લોસ એન્જિલસની કંપનીમાં આર્કિટેક્ટની નોકરી કરતા હતા ત્યારે તેમને પ્રેમ થઈ ગયો હતો. તાતાની ઉંમર ૨૫ વર્ષની આસપાસ હતી, તેમની પાસે પોતાની કાર હતી ને પ્રેમિકા પણ હતી તેથી સુખી થવા બીજું શું જોઈએ એમ માનીને તાતા લગ્નની તૈયારીમાં લાગી ગયેલા ત્યાં બીમારીમાં સપડાયેલા તેમનાં દાદી નવજબાઈની તબિયત ખરાબ થઈ ગઈ.
રતન તાતાએ તાત્કાલિક ભારત પાછા આવવું પડ્યું. તાતાની પ્રેમિકા તેમની સાથે લગ્ન કરીને ભારત આવવા પણ તૈયાર હતી પણ ૧૯૬૨માં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ છેડાતાં પ્રેમિકાનો પરિવાર ડરી ગયો. પ્રેમિકાના માતા-પિતાએ તાતાને અમેરિકા આવીને રહે તો જ લગ્ન શક્ય હોવાનું કહ્યું પણ તાતા માટે એ શક્ય નહોતું તેથી તેમનો પહેલો પ્રેમ અધૂરો રહી ગયો.
રતન તાતાને એક્ટ્રેસ સિમી ગ્રેવાલ સાથે સંબંધો હતા એ પણ તેમણે સ્વીકાર્યું છે. સિમ્મીએ પોતે એક ઈન્ટરવ્યુમાં બંનેના અફેરની કબૂલાત કરી હતી. રતન તાતા ૧૯૬૨માં ભારત પરત ફર્યા અને પહેલું અફેર નિષ્ફળ ગયું ત્યારે તેમની મુલાકાત સિમી સાથે થઈ હતી. સિમી ઈંગ્લેન્ડમાં ભણેલી છે. સિમી માત્ર ૧૭ વર્ષની ઉંમરે જામનગરના મહારાજા શત્રુશલ્યસિંહજીના પ્રેમમાં પડી હતી. શત્રુશલ્યસિંહજી ઈંગ્લેન્ડમાં તેમના પાડોશી હતા.
સિમીને ટારઝન ગોઝ ટુ ઈન્ડિયા નામની ફિલ્મ મળી તેના કારણે ભારત આવેલી. એ પછી ભારતમાં જ રહી ગઈ કેમ કે ભારતમાં તેને ફિલ્મો મળવા માંડી હતી. એક પાર્ટીમાં રતન તાતા સાથે મુલાકાત થઈ પછી મુલાકાતોનો સિલસિલો શરૂ થયો. થોડી મુલાકાતો પછી બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા અને ધીરે ધીરે પ્રેમમાં પડ્યાં. સિમીએ કે રતને કોઈએ પોતે કેમ છૂટાં પડ્યાં એ વિશે કશું નહીં કહીને સંબંધોનું ગૌરવ જાળવ્યું.
રતન તાતાના પાછલા દિવસોમાં લોબિઈસ્ટ નીરા રાડિયા સાથેના અફેરની વાતો પણ ચાલી હતી. રતન તાતાએ આ વિશે કદી કશું કહ્યું નહીં ને ગૌરવ જાળવ્યું.
રતન તાતાએ કદી પોતાનાં પ્રેમ પ્રકરણ સફળ ના થયાં એ વિશે અફસોસ પણ ના કર્યો. બલ્કે મજાકમાં કહેતા કે, સારુ થયુ કે હું સિંગલ રહ્યો. બાકી મેં લગ્ન કરી લીધાં હોત તો કદાચ સ્થિતિ ખૂબ ગંભીર બની ગઈ હોત ને હું પરિવાર કે કામ બંનેમાંથી કોઈને ન્યાય ના કરી શક્યો હોત. રતન તાતા આ પ્રકારની સરળ વાતોના કારણે યંગસ્ટર્સ સાથે બહુ જલદી કનેક્ટ થઈ શકતા. આ કારણે જ તાતાને યાદ કરવામાં તેમને શ્રધ્ધાંજલિ આપવામાં યુવા પેઢી મોખરે છે. સોશિયલ મીડિયા પરનો રતન તાતાને શ્રધ્ધાંજલિઓનો અવિરત પ્રવાહ તેનો પુરાવો છે.