રેખાએ આપેલા એંધાણ એ આદમી, આદમીની બોલી અને એણે તેડલું બાળક… બાળક પ્રત્યે પોતાનું ખેંચાણ અને આદમીનું ગામ… આ બધાની મોખરે રહેલું એંધાણ – બાળકના બરડામાં જોયેલું લાખું પાક્કી સાબિતી આપતું હતું કે એ બાળક પોતાનું જ હતું. હવે વધારે સાબિતી શું જાતી હતી ? રાઘવ રહ રહ રોયો, માથા પછાડી પછાડીને રોયો, માથું ઝાટકીને રોયો: “મારાથી બહુ મોટી ભૂલ થઇ ગઇ…”
“ભૂલ નહીં રાઘવ, પાપ કહે પાપ!!!” એભલે બનેવીની હેસિયતથી કહ્યું “અને એ પણ એવું પાપ કે જેનું પ્રાયશ્ચિત પણ થઇ શકે નહીં. એલા, દીવો લઇને ગોતવા જા તોય આવી બાઇ તને મળત નહીં અને એ બાઇ ઉપર તે આવો જુલમ કર્યો ? એની ઉપર તે આવુ આળ નાખ્યું ? એલા તને એની ઉપર નહીં પણ પરથમ પહેલા તો તારી જાત ઉપરે’ય વિશ્વાસ નહોતો એવું સાબિત થાય છે. એલા ઘરબાર, બાપની આબરૂ, કૂળની આબરૂ અને પોતાનીય આબરૂની પરવા કર્યા વગર બધું જ મૂકીને તારી પાસે ઇ કયારે દોડી આવી હોય ? એલા એને એ બાવા સંગાથે લાગઠું હોત તો તારી સાથે અડધી રાતે શું કામ ભાગવા તૈયાર થાય ? એ કાંઇ અણસમજુ કે ગાંડી નહોતી કે જેને જાન પરણવા આવી હોય, મંગલ ગીતો ગવાતા હોય અને એ આગળ પાછળનું વિચાર્યા વગર આવું પગલું ભરતી હોય તો બૂડથલ, તારે ય જરાક મગજ હલાવવું જોઇએ… એલા, એને એ બાવાની સંગે પ્રીત હોત તો કે’દુની છૂમંતર થઇ ગઇ હોત એવું ભાન તને થયું જ નહી ? પાપ તો તારામાં છે એનામાં નહીં. એક જીવણ જેવા ત્રણ ટકાના આદમી અને બે બદામની લીલા જેવી બાઇની વાતુમાં આવી જઇને તે તારા જ ઘરની ઘોર ખોદી ? તારી ઉપર જીવતર કુરબાન કરી દેનારી, તારા નામનું ઓઢણું ઓઢીને આવેલી તારા ઘરની લક્ષ્મીને તે પોતે જાકારો આપ્યો ફટ છે તને ભૂંડા…”
“પણ…તો હવે ? હવે હું શું કરૂં ? મને સમજાવો બનેવી..”
મને સમજાવો.” રાઘવ ભગવા લૂગડામાં એભલ આગળ રીતસર આળોટતો હતો: “ મારી મતિ જ મરી ગઇ હતી અને મેં આવો કાળો કામો કીધો.”
“ ઢાંકણીમાં પાણી લઇને ડૂબી જા બીજું તો શું ? ” એભલે આક્રોશથી કહ્યું: “ આ તારી બેનને પૂછી જા… લગન થયા, પણ મે કાંઈ કીધું છે ? પણ તે ?”
“ પણ હું હવે શું કરૂં ? મારી મતિ મુંઝાઇ ગઇ છે. મને… મને…”
“ માફી માંગી લે ભાઇ… હજી મોડુ નથી થયું.” રેખાએ ધરપત અને સાંત્વના આપતા કહ્યું: “તને જા ખરેખર પસ્તાવો થતો હોય તો માફી માગી લે. હરિભગત તો ભોળિયાનાથ જેવો ભલોભોળો અને દાતાર છે. એકવાર એના પગમાં પડી જા, તું રૂપા વગર રહી જ શકે એમ ન હોય તો માફી માંગી લે. તારા હૈયાને તું વેગળુ કરી દેજે એટલે એ મારગમાંથી હટી જશે. તું જા, દોડ હવે વધારે મોડુ થાય એ પહેલા…”
“ લે બોલ્ય.” એભલે અટ્ટહાસ્ય કર્યું: “ એલા, તમે બે ભાઇ બેન સમજા છો શું ? આ કાંઇ ઢીંગલા
પોતિયાની રમત છે ? મૂરખના સરદાર છો બેય જણાં… એલા તમે બે ભાઇ બેન હવે કાંઇક રીત રાખો તો સારૂ લાગશે, ઇ બાઇ કાંઇ ચાવી દીધેલું રમકડું છે ? શરમ આવવી જાઇએ શરમ તમને બેયને! એને તારા ભાઇએ કાઢી મૂકી’ તી. ઇ કાંઇ શોખની પિયર નહોતી ગઇ સમજી ?” એભલ રેખા ઉપર ઉતરી પડયો. એણે જતા જતા કેટલીય કાકલૂદી કરી હતી, પોતાની પવિત્રતાના પરમાણ આપ્યા… પણ તોય તારા ભાઇની આંખે તો પાટા જ બાંધ્યા હતા ને ? હવે જયારે એને એ ખબર પડી કે જે બાળક માટે હું વહેમાતો હતો એ બાળક તો મારૂં જ છે, તો ત્યારે એને સાચનું ભાન થયું ? એ કયારે ? કે ઉપરવાળાએ રૂબરૂ આવીને પરચો પૂર્યો ત્યારે ! એલા જે બાઇ પ્રીત કરીને, નેડો લગાડીને એના બાપના નામની આબરૂની પરવા કર્યા વગર તમારી સાથે અંધારી રાતે જા હાલી નીકળી હોય, તો તમને એનું ભાન હોવું જાઇએ. એ પોતાનું જીવતર બગાડવા નહોતી આવી… અરે, એ જતાં પગે પડી, દેવદેરે હાથ મૂકવા પણ તૈયાર હતી, પોતે તનમનથી તમારી જ થઇને રહી છે એવું એકવાર નહીં પણ સાડી સત્તરવાર રહ રહ રોતા કહ્યું પણ તારો ભાઇ.. તું કયાં ગયા હતા એ ટાણે ?” “એ કારનામા નાલાયક જીવણે જ કર્યા છે. હું એને જીવતો નહીં છોડું.” કરતો રાઘવ સૂસવાટા મારતા પવન જેમ ઊભો થયો.
“એેણે મારૂ જીવતર બગાડયું છે, હું એની જિંદગી ખતમ કરી દઇશ” “હવે સમજાણું ?” એભલે તેને ટાઢા ડામ દીધો: “હવે શું કામનું ? અને હા, હવે મારૂં કીધું માન, એવો કાળો કામો હવે નહીં કરતો કે જાતી જિંદગીએ કાળકોટડીમાં તારે બંધ થાવું પડે અને તારી બેનને તારા વગર તારી યાદમાં હિજરાવું પડે. જે થઇ ગયુ એને ભૂલી જા.”
“કદાપિ નહીં ભૂલું. આ તો જીવણાએ મારા કાળજે દીધેલો ડામ છે. એણે મારૂં કાળજુ બાળ્યું હું એનું જીવતર ભડભડ બાળી નાખીશ” અને એ ભાગ્યો. આજ હવે એ કોઇના હાથમાં આવે એમ નહોતો. આ તરફ એ જીવણ પાસે ભાગ્યો બીજી તરફ અઢી પડછાયા વહેલી સવારે હરદ્વાર છોડીને રેલ્વે સ્ટેશન તરફ જઇ રહ્યા હતાં.
—-
“ભફાંગ” કરતું પગના એક જ ઠેબે કમાડ બારસાખમાંથી જ સંચોડું નીકળી ગયું. અંદર એક જ શૈયા ઉપર જીવણ અને લીલા સૂતા હતા ઝબકીને જાગી ગયા. “કોણ ?” જીવણ ધ્રુજવા લાગ્યો. “તારો કાળ..” હાથમાં ધારિયું લઇને રાઘવ છતો થયો: “હરામી, મારૂં જીવતર ખેદાન મેદાન કરી નાખ્યું ? બોલ સાચું શું છે ? નહિંતર હમણાને હમણાં અહીંયા જ તારી બાઇડીને રંડવાળ બનાવી દઇશ.” રાઘવ ગુસ્સામાંથી ફાટફાટ થતો હતો: તે અને તારી બાઇએ સાવ ખોટે ખોટું આળ મારી રૂપા ઉપર નાખ્યું ? સાલ્લા હરામી ? મને ખબર પડી ગઇ છે.” “મને માફ કરી દે, હું તારી ગા… એ… એ… ઉપજાવી કાઢયુ હતું.” નજર સામે સાક્ષાત કાળ ભાળીને જીવણના ગાતર ગળી ગયા.“ મને માફ કરી દે.”
“આજ નહી માફ કરૂં… આજ તારો કાળ બનીને આવ્યો છું પણ એકવાર મોઢામાંથી બકી જા, કે આમ કરવાનું કારણ શું હતું?”
“હા…હા…કહુ કહું… આપણે…આપણે… રામની જાનમાં ગયા ઈ ટાણે મેં પહેલીવાર રૂપાને જાઇ ’તી અને મારા હૈયામાં વસી ગઇ’તી પણ… તું વચ્ચે આવતો હતો પણ… તોય…તોય… મેં તને હટાવીને સોનલભાભીને કહીને ગોઠવી દીધું પણ…બરાબર જાન લઇને હું પરણવા ગયોને તે મારા હાથમાંથી રૂપાને ઝૂંટવી લીધી એટલે… એટલે મેં આ આળ…”
“તારા આ આળને લીધે મારૂ જીવતર ઉઝડી ગયું એની ખબર છે ? હું રાનરાન રખડયો… પણ એનો બદલો જરૂર લઇશ, એ વેરની વસુલાત લીધા વગર નહીં રહુ પાપીયા…” એમ કરતો ધારિયાનો ઘા ઝીંક્યો પણ ત્યાં જ વચ્ચે લીલા આડી પડીને ધારિયાનો ફણફણતો ઘા તેનું કાડું વેતરી ગયો. લોહીનો ફૂવારો ઉડયો.
“રહેવા દો રાઘવ ભૈ… તમારી ગા ! અમારી ભૂલ થઇ ગઇ… મ્હોં ફાટ વઢતા લીલા કહેતી હતી: “ એના વેરના ડુંભાણમાં ઘી મેં પણ હોમ્યું હતું… વાંક મારો પણ છે. એટલે પહેલા મને પતાવી દો, પછી એની ઉપર ઘા કરજા… તમને આ બે જીવ સોતી લીલાના સમ છે. મારા પેટમાં ઉઝરી રહેલા બાળકના સમ છે કે માફ કરવા હોય તો અમને બેઉને કરી દો, બાકી હવે બીજા ઘા કરવો હોય તો પે’લા મારી ઉપર કરજા નહિંતર મારી નજર સામે નંદવાતા મારા સંસારને હું જાઇ નહી શકું.” રાઘવે તેના ઉપસેલા પેટ તરફ નજર કરી અને એ પાછો પડી ગયો જાણે પોતાનાથી વિખૂટો પડી ગયેલો પોતાનો દીકરો ‘બાપુ…’ ‘બાપુ…’ કહી એને બોલાવતો હતો એને લીલા ઉપર દયા આવી ગઇ, એ બહાર નીકળી ગયો લોહી ભર્યા મોઢે !
—-
રાત અંધારી હતી, પણ ખખડાટ થયો એટલે ઘસઘસાટ નિંદરમાં સૂતલો હરિદાસ ઝબકીને જાગી ગયો. ફાનસના અજવાળામાં જોયું તો ધાબળો ઓઢેલો બુકાની બાંધેલો કોઇ ઓળો હતો અને લલ્લાને તેડીને ભાગતો હતો. હરિદાસે રાડ પાડી: “એલા, કાળા માથાનો માનવી છે કોણ ઇ ? પણ એ પહેલા તો ઓળાએ ગડગડતી દોટ મૂકી કમાડમાંથી સોંપટ નીકળતોકને ઓંસરીની ધારેથી ઠેકડો મારીને ભાગ્યો. હરિદાસ રાડો પાડતો પાછળ થયો. હરિદાસની રાડ સાંભળી રૂપા પણ ભર ઉંઘમાંથી જાગી ગઇ:જાજોયુ તો પડખામાં લલ્લો નહોતો એ પણ હાંફળી ફાંફળી થતી પાછળ દોડી. હરિદાસ પેલાને ચેતવતો હતો: “એલા, ઊભો રહેજે નહીંતર ઠાર મારી નાખીશ.” પણ પેલા પાછળ મોત પડયું હોય એટલી ઝડપથી ભાગ્યો હતો. હરિદાસે ફણફણતો લાકડીનો ઘા કર્યાે પણ પેલો તો હરણાં જેમ ઠેકતો હતો પણ ભાગ્યને કરવું ને ઝાંપલી પાસે આજ સવારે જ પાઇપલાઇન માટે ખોદેલો ખાડો એને અંધારામાં દેખાયો નહીં અને ઓળો પગલું ચૂક્યો. ભફાંગ કરતો ગોઠણ સમાણાં ખાડામાં ખાબકયો જેવો ખાબક્યો એ ભેગું જ એના પગના નળાનું હાડકું “ખટ્ટાક” કરતું ભાંગી ગયું તેમ છતા તેણે લલ્લાને ઊંની આંચ આવવા દીધી નહીં. ત્યાં જ હરિદાસ અને રૂપા ત્યાં આવી પહોંચ્યા (ક્રમશઃ)

આભાર – નિહારીકા રવિયા