“આછું પાતળું એંધાણ તો મને ત્યારે જ આવી ગયું હતું પણ… પૂછું કેમ ?” હરિદાસે પોતાની જટાજૂટ દાઢી ઉપર હાથ ફેરવીને મરમ કર્યો ઃ “ પુરાવા વગર તને સીધું જ પૂછું તો તું પાછો મને સવાલ કરે કે હું જ રાઘવ છું. એનો પૂરાવો છે ? મૂળ તો તું પુરાવો માંગવાવાળો ખરોને? પણ જુવાન સાચના પૂરાવા ન હોય અને સતના પારખા ન હોય. ખુદમાં ભરોસો હોય અને ઉપરવાળા ઉપર વિશ્વાસ હોય એને પુરાવાની કે પારખાની જરૂર નથી પડતી.”
હરિદાસના જ ઘરે, ઓંસરીની અંદર સવામણના ગાદલા ઉપર ભાંગેલા પગે પ્લાસ્ટરનો પાટો બાંધીને સૂતેલા રાઘવને હરિદાસનાં વેણ યાદ આવ્યા.
શહેરના દવાખાને હાડકાના ડોકટરે પીસ્તાલીસ દિવસનો પ્લાસ્ટરનો પાટો બાંધી દીધા પછી રાઘવે બે હાથ જાડીને કહ્યું હતું “ભગત મને હવે જવા દો.”
“ક્યાં જશો? ” હરિદાસે હેતાળવું હસીને કહ્યું હતું પછી ઠપકાભરી આંખે પૂછયું હતું: “ઘરે છે ? ઘરવાળુ છે ? માવતર છે ? કોઇ સેવા કરવાવાળુ છે ?” જવાબમાં એણે નજર ઝુકાવી દીધેલી એટલે પછી હરીદાસે તેનો ખભો પસવાર્યો: “ નથી ને ? તો પછી શું કામ ભાગે છે ? મારૂં ઘર છે. એને તારૂં ય ઘર સમજ. સાજા થઇ જા પછીની વાત પછી…”
એ કશું બોલી શક્યો નહી પણ હરિદાસ એને ઘરે પાછો લાવ્યા એ રૂપાથી સહન થયું નહોતું. જેવું એકાંત મળ્યું કે એણે હરિદાસનો મીઠો ઉઘડો લઇ લીધો ઃ “તમે આને અહી પાછો ? ”
“તો ક્યાં જાત ? એને ઘરબાર તો છે નહી.”
“એના ઘણાં સગા છે… એની બેન છે ટેમ્પો ત્યાં મોકલી દેવો હતોને ?”
“અરે, ભગત…” હરિદાસે કરૂણા નીતરતી આંખે રૂપા સામે જાયુ ઃ “તો તો આશરાનો ધરમ લાજે ભગત બીજું કે, એ વખાનો માર્યો આદમી છે તમે ભલે કહો એના ઘણાંય સગા છે પણ હકિકતમાં કોઇ નથી. બે ટક રોટલા ખાઇને અહી પડયો રહેશે બિચાકડો ! અને સેવા તો આપણો ધરમ છે ભગત. એની આગળ પાછળ કોણ ? જે ગણો ઇ હું અને તમે એનો દોઢ મહિનો ટૂંકો કરાવવાનો છે ભગત ! અને દિ’ ઊગે ઇ આથમવાનો તો છે જ. સૂરજનારાયણ એક ઘડીકેય રોકાતા નથી. પાણીના રેલા જેમ દડી જશે દોઢ મહિનો…” હરિદાસે ચપટી વગાડી.
ઓંસરીમાં સૂતા સૂતા રાઘવ બેઉની વાત સાંભળી રહ્યો હતો. એક.. બે… ત્રણ.. પાણીના રેલાની પેઠે દિવસો જવા લાગ્યા. હવે લલ્લો કયારેક કયારેક રાઘવ પાસે આવતો, રાઘવ તેને રમાડતો કયારેક તેડીને પોતાની છાતી માથે પણ બેસાડતો. રૂપાને એ મુદ્દલ ગમતું નહીં. એ લલ્લાને ડારતી પણ હરિદાસ રૂપાને વારતો કહેતો કે, ભગત એવું ના કરો રમવા દો. લલ્લો જેટલું એની પાસે રહેશે એટલું એને વહેલું સારૂ થશે.”
રાઘવને થતું કે આ આદમી છે કે ઓલિયો ? માણસ છે કે જતિ ? એને યાદ આવ્યું… પોતાને છકડામાં નાખીને દવાખાને લઇ ગયા ત્યારે હરિદાસે બોલેલા વેણ યાદ આવ્યા: હરિદાસે તેને કહ્યું હતું: “લલ્લા માટે અડધી રાત ઓઢીને આવવાનો આટલો મોટો દાખડો કર્યો ? રૂબરૂ આવી ગયો હોત તો આ દાખડો ન થાત. હક્ક તો તારો છે જ કેમ કે તું એનો સગો બાપ છો. આ તો મે એને મોટો કર્યો, પણ લોહી તારૂ છે.”
આજે એને લાગ્યું કે ભલે સગ્ગો બાપ હું રહ્યો પણ, તમે તો મારાથી ય સવાયા બાપ થઇને ઊભા રહ્યા છો. પારકાના ટીપાને આદમી આટલો પ્રેમ કરી શકે ? કાંતો એ ઓલિયો હોય, કાં સંત હોય !
એક દિવસ સાંજૂકના વાડીએથી પાણી વાળતો હરિદાસ આવ્યો, ખીંટીએથી રામસાગર ઉતાર્યો અને ટેરવા તાર ઉપર ફેરવ્યા. રૂપા તેને તાકી રહી. એની હરિદાસે નોંધ લીધી એ હસ્યો બોલ્યો: “ભગત, આજે પૂનમ છે અને આતમનંદ બાપુ તરફથી વાયક આવ્યું છે. ભજનમાં જવું પડશે.”
“ અરે પણ…” રૂપાના ચહેરા ઉપર મુંઝવણની આંકળીઓ ચિતરાઇ ગઇ.. કારણ કે ભજન તો સવારો સવાર ચાલવાના અને ઘરે પોતે અને રાઘવ એકલા ! એ પરપુરૂષ છે… ના…ના… રૂપાનું હૈયુ થડક ઉથડક થઇ ગયું. એણે કહી દીધું: “ભગત, તમે ના પાડી દો” “ અરે, ભગત ના પાડું તો બાપુને ખોટું લાગે. ગયા વખતેય જવાયું નહોતું કારણ કે આપણે ફઇને ત્યાં હતા. પણ હવે ના કેમ પાડવી ? પણ તમે મુંઝાવ નહીં ભગત ! કાળિયા ઠાકર ઉપર અને મારી ઉપર વિશ્વાસ રાખજા. હું મોડે’કથી અવાય તો આવી જઇશ.”
———
ગામથી દૂર, સીમને સીમાડે, એકલવાયું ઘર અને એ ઘરમાં એક સ્ત્રી અને એક પર પુરૂષ…! રૂપાનું હૈયુ થડક ઉથડક થતું હતું. એકાંત હતું…. રાત હતી અને રાત કોઇ નવોઢાના અંગ ઉપરથી ઓઢણું સરે એમ સરી રહી હતી. પૂનમની ચાંદની પટમાં પથરાયેલી હતી. પણ કોઇ દિ’ નહી ને આજ લલ્લો રાઘવ ભેગો સૂઇ ગયો હતો. પણ રૂપાને ચેન નહોતું. મન મુંઝાતું હતું એની નિંદર વેરણ બની ચૂકી હતી તો રાઘવની આંખોમાંય વિતેલા વરસો અને રૂપા સાથે ગાળેલી સુમધુર
આભાર – નિહારીકા રવિયા રાત્રીની ઘડીઓ ફિલમની પટ્ટી જેમ પસાર થતી હતી. ઓરડામાં અંદરથી સાંકળ વાસીને રૂપા સુતી હતી પણ લલ્લાની ચિંતાને લીધે રહેવાયું નહીં. એ ઓરડામાંથી બહાર આવી રાઘવના પડખામાં સૂતેલા લલ્લાને લેવા ગઇ કે રાઘવે હળવે’કથી તેનું કાંડુ પકડયું.
“હવે રહેવા દો…” રૂપા કંપી ઊઠી: “ હવે મારૂં કાંડુ પકડવાનો કોઇ અરથ પણ નથી અને તમારો હક્ક પણ નથી. હવે હું પારકી પરણેતર છું.”
“મારા તનમનમાં અટાણે કોઇ વાસના નથી કે કોઇપણ પ્રકારનો વિકાર નથી. ભગત, ભજનમાં ગયા હશે તો મારી ઉપરેય વિશ્વાસ મૂકીને ગયા હશે ને ? પણ મારે મારા હૈયાની બે વાત કરવી હતી. આજે હું અને તું એકલા છીએ બીજું કોઇ નથી.”
“ટાણું હતું ત્યારે તો છોડી દીધું હવે શું ? અને રહી વાત હૈયાની તો તમારા હૈયાની વાત તે દિ’ સાંભળવા મારા બેય કાન તરસ્યા હતા. તે દિ’ તો હૈયાની વાત તમને સાંભરી જ નહી ? બસ એક ઘાને બે કટકા જેવા વેણ જ સાંભર્યા ? અને તે દિ’ એ વેણ મેં મારા હૈયા ઉપર મણમણના પાણાં રાખીને સાંભળી લીધા હતા.”
“એક ભૂલ તો ભગવાનેય માફ કરે છે. મેં ભગતની હાજરીમાં બે હાથ જાડીને માફી માગી છે અને આજ પણ માગુ છું… એકવાર મને કહી દે, “તને માફ કરી દીધો” એ વેણ સાંભળીને મને શાંતિ અને ટાઢક થઇ જાય રૂપા, હું… હું…ખૂબ પિડાયો છું અને પિડાઉ પણ છું.. હું હિઝરાવ છું.. મને જંપ નથી… તને દુઃખી કરીને ખૂબ પસ્તાઉ છું પણ…પણ…”
– જીભ નામક્કર ગઇ એટલે આંખોએ વારો કાઢયો.
“રહેવા દો, મરદ ઉઠીને રોતાં સારાં નથી લાગતા હવે..” અંતે રૂપા તેની આંખના આંસુ જાઇ ન શકી બોલી: “ જાવ, માફ કરી દીધા બસ ?”
દરદનું કળતર તો બેયના રૂદિયામાં થતું હતું. ઓસરીના કમાડની આંકડીએ ટાંગેલા ફાનસના પીળા પ્રકાશમાંય બન્ને એકબીજાની આંખોની ભાષા વાંચતા હતા. હૈયું તો કહેતું હતું કે દુનિયા આખી ડૂબી જાય તોય તમારે અળગા થવાની કયાં જરૂર હતી ? …બન્ને વચ્ચે મૌન ચણાઇ ગયું.
અંતે રૂપાએ જ મૌ તોડયું ઃ “ રોઇ કકળીને પગે પડી તોય તમને મારી ઉપર ભરોસો નહોતો કે આ તમારૂં જ લોહી છે અને તમે… ?” રૂપા આગળ કોઈ વેણ બોલે એ પહેલા રાઘવે તેની હથેળી લઇને પોતાની હથેળીમાં મૂકી પણ….(ક્રમશઃ)