રાજકોટ,તા.૦૧
રાજકોટ શહેરના હાર્દ સમા કાલાવડ રોડ પર ટ્રાફિકથી ધમધમતા એવા કોટેચા ચોક નજીક ૧૧ વાગ્યા આસપાસ એક કાળા કલરની ફોર્ચ્યુનર કારના ચાલકે અકસ્માત કરી લગભગ ૮થી ૯ જેટલાં વાહનોને અડફેટે લીધાં હતાં. જેના કારણે વાહનોમાં તો નુકસાન થયું હતું પરંતુ સાથે સાથે ૬થી ૭ લોકોને ઈજા પહોંચતા તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના કારણે એક કલાક સુધી ટ્રાફિકજામનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં અને બાદમાં પોલીસે આવી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. આ સાથે અકસ્માત કરનાર ફોર્ચ્યુનર કાર નંબર જીજે.૧૮બીજે. ૯૯૯૯ના ચાલકની માલવિયાનગર પોલીસે સ્થળ પરથી અટકાયત કરી હતી અને તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં અકસ્માત કરનાર કાર ચાલકનું નામ હિરેન પ્રસાદિયા હોવાનું સામે આવ્યું છે. સ્થળ પર હાજર લોકોનો આક્ષેપ છે કે, કારચાલક નશાની હાલતમાં હતો. જો કે, તે નશાની હાલતમાં હતો કે કેમ તે ચકાસવા પોલીસ દ્વારા મેડિકલ ટેસ્ટ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.