રાજકોટમાં બેફામ બનેલા તસ્કરો અવાર-નવાર ચોરીને અંજામ આપે છે. પોલીસના કહેવાતા ચેકીગ અને પેટ્રોલીંગ છતા ચોરીના બનાવો વધી રહ્યા છે. ત્યારે રાજકોટની શિવશÂક્ત સોસાયટી વિસ્તારમાં ધોળા દિવસે બે મકાનમાંથી રૂ.૪.૮૧ લાખની મતાની ચોરી થયાની ફરિયાદ આજીડેમ પોલીસ મથકમાં નોંધાઇ છે.
જ્યારે અન્ય ત્રણ મકાનમાં ચોરીનો પ્રયાસ થયો છે. મહિલાના ઘરમાંથી રૂ.૩.૩૫ લાખ અને રીક્ષા ચાલકના બંધ મકાનમાંથી રૂ.૧.૪૬ લાખની મતા ચોરી થઈ છે. આ બનાવમાં એક શંકમંદ સીસીટીવીમાં કેદ થયો હોય જેને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. રાજકોટના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં શિવશક્તિ સોસાયટી શેરી નં.૧માં બે મકાનમાં બનેલી ચોરીની ઘટનામાં મંગુબેન લાખાભાઈ ખાટરીયા, પોતાનું મકાન બંધ કરી કારખાને મજુરી કામે ગયા હતા.જ્યારે તેમના પાડોશમાં રહેતા
મથુરભાઈ કનુભાઈ લખલાણી કે જે રીક્ષા ચાલવતા હોય તે મકાન બંધ કરીને રીક્ષાના ફેરા કરવા ગયા હતા. ત્યારે આ બંન્ને તસ્કરે નિશાન બનાવ્યું હતું. મંગુબેનના મકાનના તાળા તોડી સોનાનું ૫ તોલાનું હાર તેમજ અન્ય સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ સહિત રૂમ.૩.૩૫ લાખનો મુદ્દામાલ ચોરી ગયા હતા.જ્યારે નજીક રહેતા રિક્ષા ચાલક મયુરભાઇના મકાનમાંથી રૂ.૨૦ હજાર રોકડ તેમજ સોના-ચાંદીના દાગીના સહિત રૂ.૧.૪૬ લાખની મતા ચોરી ગયા હતા. રીક્ષા ચાલક મયુરભાઈના ઘરે ઓટલો બનાવવાનો હોય તે રીક્ષામાં ઈટો ભરીને બપોરે ઘરે આવ્યા. ત્યારે ચોરીની જાણ થઈ હતી.દરમિયાન પાડોશમાં રહેતા મંગુબેનના ઘરે અને અન્ય ત્રણ મકાનના તાળાં પણ તૂટયા હોવાની જાણ થતા આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા. આજીડેમ પોલીસ મથકના પીઆઈ એ.બી.જાડેજા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ કરતા સીસીટીવીમાં એક શખ્સ કેદ થયો હોય. આ બંન્ને ચોરીમાં આ શંકમંદની સંડોવણીની શંકાએ વધુ તપાસ શરૂ કરાઇ છે.