ગુજરાતમાં દારૂબમધીનો કાયદો માત્ગાંર કાગળ પર જ હોય તેવું જણાઈ રહ્યું છે. અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં પુષ્કળ પ્રમાણમાં દારૂનું સેવન કરાય છે. બીજીતરફ સરકારની બેદરકારીનો અને દારૂબંધીના લીરેલીરા ઉડાતો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. જેમાં શહેરના માલવીયાનગરમાં દેશી દારૂનો બાર મળી આવતા ચકચાર મચી છે. પોલીસે આ પ્રકારની ઘટનાઓ સામે કડક હાથે કામ લેવાનું હોય છે પરંતુ માલવીયાનગરમાં પોલીસ સ્ટેશનથી ૧૦૦ મીટરના અંતરમા જ દેશી દારૂનું બાર મળી આવ્યું હતું.
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં દેશી દારૂના બારમાં અનેક લોકો દેશી દારૂ પીતા જાવા મળ્યા હતા. મોટી સંખ્યામા લોકો દેશી દારૂ ખુલ્લેઆમ પીતા નજરે ચઢ્યા હતા. ત્યારે પોલીસ સ્ટેશન નજીક જ બાર ચાલતો હોવાને લઇ પોલીસની બેદરકારી સામે આવી છે. અને પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા હતા.
આ દેશી દારૂના બારમાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં કોઇ પણ પ્રકારની રોકટોક વગર લોકો દારૂ પી રહ્યા હતા. ત્યારે સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમા ભારે રોષ ફેલાયો હતો. આ ઘટના અગાઉ પાનના ગલ્લે દારૂ વેચાતો હોવાના વીડિયો વાયરલ થયા હતા. ત્યારે સમગ્ર ઘટનાને લઇ પોલીસ હવે કેવા પ્રકારના પગલા ભરે છે તે જાવાનું રહ્યું.