છેલ્લા પાંચ દિવસથી રાજકોટ શહેરમાં હિટ વેવનો ભોગ બનેલાઓને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. ૧૦૮ દ્વારા ૩૦થી વધુ લોકોને સારવાર માટે મોકલવામાં આવ્યા છે. ૧૦૮ ઇમર્જન્સી સુવિધામાં આઇસીયુ વિથ બેડ સહિતની પ્રાથમિક સારવાર પૂરી પાડવામાં આવે છે, જેમાં ગ્લુકોઝ અને ઓઆરએસ પણ સામેલ છે.
લોકલ ૧૮ સાથે વાત કરતા ૧૦૮ કર્મી ધીરેન પરમારે જણાવ્યું કે, હિટ વેવના કારણે ડિહાઇડ્રેશન, હીટ લગવી, હાઈ ફીવર, ઝાડા, અને ઉલટી જેવી તકલીફો જોવા મળી રહી છે. આ પ્રકારના દર્દીઓને તાત્કાલિક સિવિલ હોસ્પીટલે ખસેડી તેમની સારવાર શરૂ કરવામાં આવે છે. સિવિલ હોસ્પીટલે સ્પેશિયલ વોર્ડ ઉભો કર્યો છે, જ્યાં હિટ વેવની અસરગ્રસ્ત વ્યક્તિઓની સંપૂર્ણ સારવાર કરવામાં આવે છે. ૧૦૮ ટીમ સતત દોડી રહી છે.
ધીરેન પરમારે વધુમાં જણાવ્યું કે, ૧૫ એપ્રિલના ૭ કેસ, ૧૬ એપ્રિલના ૩ કેસ, ૧૭ એપ્રિલના ૬ કેસ, ૧૮ એપ્રિલના ૩ કેસ, ૧૯ એપ્રિલના ૨ કેસ, ૨૦ એપ્રિલના ૩ કેસ, ૨૧ એપ્રિલના ૧ કેસ, ૨૨ એપ્રિલના ૩ કેસ, અને ૨૩ એપ્રિલના ૪ કેસ નોંધાયા છે.
હીટ વેવની અસરથી હજી સુધી કોઈ હિટ સ્ટ્રોકનો કેસ નોંધાયો નથી. સવારે ૪૦થી ૪૪ ડિગ્રી અને સાંજે ૨૫થી ૩૦ ડિગ્રી તાપમાન રહે છે, જેના કારણે રાતે થોડી રાહત મળે છે. પરંતુ દિવસે ૪૫ ડિગ્રી અને રાત્રે બફારા સાથે હિટ સ્ટ્રોકની શક્યતા વધી શકે છે. રાજકોટ મહાનગરપાલિકાએ જાહેર જનતાને માર્ગદર્શિકા અનુસરવા અપીલ કરી છે.હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ત્રણ દિવસ રાજ્યમાં ગરમી વધશે, અને તાપમાનમાં ૨થી ૩ ટકાનો વધારો થવાની સંભાવના છે. રાજકોટમાં છેલ્લા બે દિવસથી ૪૨થી ૪૩ ડિગ્રી તાપમાન નોંધાયું છે અને ૪૫ ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. તંત્રએ બિનજરૂરી બપોરે ઘરની બહાર ન નીકળવાની સૂચના આપી છે અને બાળકો અને સગર્ભા સ્ત્રીઓને ખાસ તકેદારી રાખવા સૂચન કર્યું છે. હીટ વેવ સામે લોકોએ સ્વયંભૂ તકેદારી રાખવી અનિવાર્ય છે.