પુત્રની હત્યા કર્યા બાદ પિતા પોતાના પુત્રની લાશની બાજુમાં ખુરશી નાખીને કોઈપણ જાતના અફસોસ વગર બેઠા હતા
જિલ્લાના જસદણ શહેર ખાતે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ૭૬ વર્ષની ઉંમરે પ્રભુ ભજન કરવાની જગ્યાએ રામભાઈ ઉર્ફે રામકુભાઈ બોરીચાને બીજી વખત પરણવાનો કોડ જાગ્યો હતો. તેમના ૫૨ વર્ષીય પુત્ર પ્રતાપ બોરીચા સહિતના પરિવારજનોએ બીજી વખત પરણવાની ના પાડી હતી. જેનાથી ગુસ્સે ભરાઈને પિતાએ પોતાની પાસે રહેલા હથિયાર વડે બે જેટલી ગોળી પોતાના પુત્રને વીંધી નાખીને તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. તેમજ પુત્રની હત્યા કર્યા બાદ પિતા પોતાના પુત્રની લાશની બાજુમાં ખુરશી નાખીને કોઈપણ જાતના અફસોસ વગર બેઠા હતા.
રામભાઈ ઉર્ફે રામકુભાઈ નામના વ્યક્તિએ પોતાના જ પુત્રની હત્યા કરી નાખી છે. પોતાના પુત્રના શરીરમાં એક નહીં પરંતુ બે બે ગોળી ધરબી દઈ તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ૭૬ વર્ષીય રામભાઈ ઉર્ફે રામકુભાઈ બોરીચા દ્વારા પોતાના ૫૨ વર્ષીય પ્રતાપ બોરીચા નામના પુત્ર પર રાજકોટ જિલ્લાના જસદણ શહેર ખાતે રવિવારના રોજ સવારના ૧૦ઃ૦૦ વાગ્યાના અરસામાં બે રાઉન્ડ ફાયરિંગ કરીને તેની હત્યા નિપજાવવામાં આવી છે. ત્યારે સમગ્ર મામલે મૃતકની ૫૦ વર્ષીય પત્ની જયા બોરીચા દ્વારા પોતાના સસરા અને હત્યારા પિતા રામભાઈ ઉર્ફે રામકુભાઈ બોરીચા વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશન ખાતે બી.એન.એસ.ની કલમ ૧૦૩ (૧), ૩૫૧(૩), આર્મ્સ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવામાં આવ્યો છે. જસદણ પોલીસ દ્વારા રવિવારના રોજ રામભાઈ ઉર્ફે રામકુભાઈ બોરીચાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે કે, ગુનાના કામે સોમવારના રોજ રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા ૨ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
૫૦ વર્ષીય જયાબેન બોરીચા દ્વારા પોલીસને આપવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, “સંતાનમાં મારે એક દીકરો અને એક દીકરી છે. સૌથી મોટો દીકરો જયદીપ ૨૮ વર્ષનો છે અને તેનાથી નાની દીકરી ભાગ્યશ્રીબા હાલ ગોંડલ ખાતે સાસરે છે. ૧૯૯૫માં મારા લગ્ન પ્રતાપ બોરીચા નામના મારા મામાના દીકરા સાથે થયા હતા. રવિવારના રોજ સવારના ૧૦ઃ૦૦ વાગ્યાના અરસામાં હું તેમજ મારા પતિ પ્રતાપભાઈ અમારા ઘરે હતા. દીકરો બહાર દૂધ લેવા માટે ગયો હતો. ત્યારે હું મારા સસરા રામ ભાઈને ચા આપવા ગઈ હતી. ત્યાંથી હું અમારા ઘરમાં પરત ફરી રહી હતી ત્યારે બંદૂકના ફાયરિંગનો અવાજ આવ્યો હતો. તેમજ મારા પતિ પ્રતાપભાઈ હોય તેવો અવાજ આવતા હું મારા સસરાના ઘરના હોલના દરવાજે પહોંચતા દરવાજા બંધ હતો. બીજા ફાયરિંગનો અવાજ આવતા મેં હોલનો દરવાજા ખખડાવતા મારા સસરા દ્વારા હોલનો દરવાજા ખોલવામાં આવ્યો હતો. તેમજ તેમના હાથમાં પિસ્તોલ જેવું હથિયાર હતું તે લઈ મારી પાછળ દોડતા હું ત્યાંથી ભાગી ગઈ હતી. તેમજ અમારા મકાનમાં જઈ બંનેના મકાન વચ્ચે આવેલો દરવાજા બંધ કરી દીધો હતો.
થોડીક વારમાં મારો દીકરો જયદીપ પણ ત્યાં આવી પહોંચ્યો હતો. મેં તેને કહ્યું હતું કે, ‘તારા પપ્પા પર તારા દાદાએ ફાયરિંગ કર્યું છે.’ જેથી દીકરા દ્વારા ઘરની સીડીથી જાવામાં આવતા મારા પતિ લોહીલુહાણ હાલતમાં મારા સસરાના ઘરના ફળિયામાં પડેલા હતા. તેમજ મારા સસરા બાજુમાં ટેબલ નાખીને બેઠા હતા. તુરંત જ મારો દીકરો દિવાલ ઠેકીને મારા સસરાના ફળિયામાં ગયો હતો અને ત્યાંથી ઘરનો બહારનો શેરીનો દરવાજા ખોલતા અન્ય પરિવારજનો ઘરમાં આવ્યા હતા. ત્યારબાદ મારા પતિને ફોર વ્હીલર મારફતે જસદણ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા છે.”
“બનાવવાનું કારણ એવું છે કે, મારા સાસુ આજથી ૨૦ વર્ષ પહેલાં ગુજરી ગયા છે. મારા સસરાને બીજા લગ્ન કરવા હોય જે બાબતે અમારા ઘરના સભ્યો વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. મારા સસરા અમને ધમકી આપતા હતા કે, ‘હું તમને મારી નાખીશ.’ તેમજ અવારનવાર હથિયાર બતાવી ધમકી આપતા હતા કે, ‘ફાયરિંગ કરતા આટલી વાર લાગશે.’ મારા સસરાની વધુ ઉંમર થઈ ગઈ હોવાના કારણે બીજા લગ્ન આ ઉંમરે કરે તો ઘરની આબરૂ જવાની બીકે અમારા પરિવારના સભ્યો તેમને બીજા લગ્ન કરવાની ના પાડતા હતા.” ઇન્વેસ્ટીગેશન ઓફિસર તપન જાનીના જણાવ્યા અનુસાર, “રામભાઈ ઉર્ફે રામકુભાઈ ખાચર નિવૃત્ત જીવન ગાળતા હતા. જ્યારે કે તેમનો દીકરો પ્રતાપ બોરીચા ખેતી કામના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. પોલીસ દ્વારા હથિયાર કબજે કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.