રાજસ્થાન એટલે રાજા-રજવાડાં, મહેલ-કિલ્લા અને રણમાં ધબકતું રંગબેરંગી લોકજીવન. જ્યાં દર વર્ષે લાખો પ્રવાસીઓ અહીંના શહેરોના મહેલ અને કિલ્લા જોવા આવે છે. અહીંના કિલ્લા આજે પણ રાજાશાહીની ઝલક દર્શાવે છે. તો ચાલો એવા જ સ્વર્ગસિટી જેસલમેરની સફર કરીએ…
જેસલમેરનો ઇતિહાસ ૮૦૦ સદી જૂનો છે. જેસલમેર લોદુરવાની ગાદી દેવરાજાના સૌથી મોટા વારસદાર રાવલ જેસલના નાના સાવકા ભાઈ રાવલ જેસલે વસાવેલું હોવાથી જેસલમેર કહેવાયું. રાજસ્થાનના રણ પ્રદેશમાં આવેલું જેસલમેર એક સુંદર સિટી છે, જેને ગોલ્ડન સિટી પણ કહે છે. મરુભૂમિમાં આવેલું હોવા છતાં જેસલમેર પોતાના આકર્ષક મહેલ-કિલ્લા, હવેલી, કલા સંસ્કૃતિ અને લોકનૃત્ય માટે જાણીતું શહેર છે. જેસલમેર પાકિસ્તાન સીમાની નજીક હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ પણ મહત્વનું સ્થળ છે.
– ગાડીસર તળાવ ઃ
ગાડીસર તળાવ ખાતે યોજાતા લાઈટ એન્ડ સાઉન્ડ શોમાં જેસલમેરના ઇતિહાસ, શુરવીરોની કહાની, જાણીતા પ્રવાસન સ્થળોની માહિતીને રસપ્રદ રીતે રજૂ કરાય છે. આ લેસર વોટર શોમાં જેસલમેરના કિલ્લાના નિર્માણની વાત, કિલ્લા પર આક્રમણકારોના હુમલાની વાત, જેસલમેરના વીરોની બહાદુરી-બલિદાનની ગાથા, તનોટ માતા મંદિર, રામદેવરા મંદિર, લોદ્રુવા મંદિરની સિનેમેટ્રોગ્રાફી, લક્ષ્મી નારાયણ મંદિર, લોંગોવાલની રસપ્રદ વાતને રજૂ કરાય છે. તેની સાથે રાજસ્થાની ગીતો પર મ્યુઝિકલ ફાઉન્ટેનનો ડાન્સ માણવાની દર્શકોને ખૂબ મજા આવે છે.
– નાથમલની હવેલી ઃ
નાથમલની હવેલી દીવાન મોહતા નાથમલના નિવાસ માટે બનાવી હતી, જેઓ જેસલમેર રાજ્યના વડાપ્રધાન હતા. મહારાવલ બેરીસાલ દ્વારા બનાવેલી આ હવેલી માટે બે ભાઈઓ- હાથી અને લુલુએ ખૂબ જહેમતથી શિલ્પકામ કર્યું હતું અને આ હવેલીની વાસ્તુ કારીગીરીમાં સહયોગ આપ્યો હતો. હવેલીના મુખ્ય દ્વાર પર પથ્થરના બે હાથી, જાણે તમારું સ્વાગત કરવા ઊભા હોય. ૧૯મી સદીમાં બે વાસ્તુકાર ભાઈએ નાથમલની હવેલીનું નિર્માણ કર્યું હતું. તેમણે હવેલી પર બે બાજુ કામ કર્યું હતું, જેના પરિણામે સુંદર વિભાજિત માળખું સામે આવ્યું હતું. પીળા સેંડસ્ટોન પર કરેલી ઝીણી કોતરણી ખૂબ સુંદર છે. નાથમલ હવેલીની કોતરણી અને ડિઝાઇન અન્ય તમામ હવેલીઓ કરતાં અલગ જ તરી આવે છે.
– ગોલ્ડન ફોર્ટ ઃ
સોનાર કિલ્લો એ વર્લ્ડ હેરિટેજ સાઈટ છે. થાર રણના ત્રિકુટા પર્વત પર અડીખમ ઊભેલો આ કિલ્લો ઘણાં ઐતિહાસિક યુદ્ધનો સાક્ષી બની રહ્યો છે. આ કિલ્લા પર જ્યારે સૂર્યપ્રકાશ પડે છે, ત્યારે કિલ્લો સોનાની માફક ચમકે છે કારણ કે તે પીળી રેતીના પથ્થરથી બનેલો છે. એટલે જ તેને સોનાર કિલ્લો કે ગોલ્ડન ફોર્ટ કહે છે. એજ રીતે આથમતો સૂર્ય પણ કિલ્લાને સાંધ્ય પ્રકાશથી રહસ્યમય બનાવે છે. અનોખી શૈલીમાં નિર્માણ કરાયેલો આ કિલ્લો સ્થાનિક શિલ્પકારોએ રાજવી પરિવાર માટે બનાવ્યો હતો. મહાન ફિલ્મ નિર્માતા સત્યજીત રેની પ્રખ્યાત ફિલ્મ ફેલુદામાં સોનાર કિલાનો ખાસ ઉલ્લેખ છે. અહીં ઘણી ફિલ્મોનાં શૂટિંગ કરાયાં છે. આ કિલ્લાની સામે રાજસ્થાન પ્રવાસન વિભાગ દર વર્ષે ફેબ્રુઆરીમાં ડેઝર્ટ ફેસ્ટિવલનું આયોજન કરે છે. જેમાં ઊંટ દોડ, ઊંટ મેક-અપ, ઊંટ ડેકોરેશન, ઊંટનું દૂધ દોહવાની સ્પર્ધા, પાઘડી બાંધવાની સ્પર્ધા અને વિવિધ પ્રકારના નૃત્ય-સંગીતના કાર્યક્રમ યોજાય છે. આ ઉત્સવ માણવા હજારો દેશી-વિદેશી પ્રવાસીઓ અહીં ઉમટી પડે છે.
– સલીમસિંહ હવેલી ઃ
જેસલમેર રેલ્વે સ્ટેશન પાસે આવેલી આ હવેલી મોર પંખ જેવા ગોળાકાર ઝરુખાથી શણગારેલી છે. ૧૮મી સદીની શરુઆતમાં નિર્માણ કરાયેલી સલીમસિંહ હવેલી આશરે ૩૦૦ ઉપરાંત વર્ષ પ્રાચીન હોવાનું મનાય છે, જે જેસલમેરના સલીમ સિંહનું નિવાસસ્થાન હતી. હવેલીનો એક ભાગ હજુ પણ તેના વંશજોના કબજામાં છે. ઊંચી કમાનવાળી છતમાં સ્લોટને વિભાજીત કરી મોરના આકારના શિલ્પ બનાવ્યાં છે. એક દંતકથા મુજબ, અહીં મહારાજાના મહેલ જેટલી જ ઊંચાઈ આપતા લાકડાના બે માળ હતા, જેને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. સુવર્ણ આભૂષણો જેવી આ હવેલીને જોઇને પ્રવાસીઓ ખૂબ આશ્ચર્યચકિત બની જાય છે.