– યુદ્ધ સંગ્રહાલય:
જેસલમેર યુદ્ધ સંગ્રહાલય એ જોવાલાયક સ્થાન છે. જેસલમેરના મિલિટરી બેઝ પર બનાવેલું આ મ્યુઝિયમ ભારતીય સેનાના શહીદોને સમર્પિત છે, જેમણે ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધ અને ૧૯૭૧ના લેંગેવાલા યુદ્ધ દરમિયાન પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. અહીં યુદ્ધ દરમિયાન દુશ્મન દેશની કબજે કરાયેલી ટેન્ક અને હથિયારો સંગ્રહાયેલાં જોઇ શકાય છે. અહીં મુલાકાતીઓને યુદ્ધ પર બનેલી ફિલ્મ દર્શાવવામાં આવે છે. આપણા દેશના મહ¥વપૂર્ણ યુદ્ધ ઈતિહાસને સાચવી રાખતું આ મ્યુઝિયમ જેસલમેર-જોધપુર હાઈવે પર આવેલું છે.
– ડેઝર્ટ નેશનલ પાર્ક:
ડેઝર્ટ નેશનલ પાર્કમાં રણના વન્યજીવ જોવા મળે છે. આ નેશનલ પાર્ક રેતીના ટેકરા, છૂટાછવાયા ખડકો, ખારા તળાવ અને આંતર ભરતી વિસ્તારોથી રચાયેલો છે. આ નેશનલ પાર્ક જેસલમેરથી ૪૦ કિમી દૂર આવેલો છે. કાળિયાર, ચિંકારા અને રણ શિયાળ જેવાં પ્રાણીની વિવિધ પ્રજાતિઓ અહીં જોવા મળે છે. વિશ્વના સૌથી મોટા ઉડતા પક્ષી પૈકીનું એક ધ ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ પણ અહીં જોવા મળે છે. શિયાળામાં, આ પાર્કમાં હિમાલયન અને યુરોપિયન ગ્રિફોન વોલ્ટર્સ, ઈસ્ટર્ન ઈમ્પીરિયલ ઈગલ અને ‘સ્કેલ ફાલ્કન’ જેવા વિવિધ પક્ષીઓ મુલાકાતે આવે છે.
– જૈન મંદિરો:
અહીંના જૈન મંદિરો કલાની દ્રષ્ટિએ ખૂબ મહ¥વપૂર્ણ છે. જેમાં લૌદ્રવા જૈન મંદિર તેના ભવ્ય શિખરને કારણે દૂરથી જ નજરે પડે છે. આ મંદિરમાં લગાવેલા કલ્પ વૃક્ષ વિશે એવી માન્યતા છે કે વૃક્ષને સ્પર્શ કરવાથી તમારી મનોકામના પૂર્ણ થાય છે. મંદિરના ગર્ભગૃહમાં સહસ્ત્રફણ પાર્શ્વનાથની શ્યામ મૂર્તિ છે, જે કસૌટી પથ્થરમાંથી બનાવેલી છે. જેસલમેર કિલ્લાની અંદર આવેલાં જૈન મંદિરો ૧૨મી અને ૧૫મી સદીના હોવાનું મનાય છે. આ મંદિર તીર્થંકર તરીકે જાણીતા જૈન સંત ઋષભદેવજી અને શાંભવદેવજીને સમર્પિત છે. કિલ્લાની અંદર સાત-આઠ જૈન મંદિર આવેલાં છે. જેસલમેરના તમામ સ્થાપત્યોની જેમ આ જૈન મંદિરો પણ પીળા રેતાળ પથ્થરમાંથી નિર્માણ કરાયેલાં છે. પ્રખ્યાત દેલવાડા શૈલીમાં બનેલાં આ જૈન મંદિરો તેની સુંદર વાસ્તુકલા માટે જાણીતાં છે. જૈન સમુદાયના લોકો જેસલમેરની યાત્રાને તીર્થયાત્રા માને છે.
– તનોટ માતા મંદિર:
ભાટી રાજપૂત રાજા તણુરાવે વર્ષ ૮૨૮માં આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. તનોટ માતાના આ મંદિરની આસપાસના ગામડાંના લોકો અને ખાસ કરીને બીએસએફના સૈનિકો અહીં ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરે છે. તનોટ માતાનું મંદિર જેસલમેરથી આશરે ૧૨૦ કિલોમીટરના અંતરે આવેલું છે. તનોટ માતા દેવી હિંગળાજનો પુનર્જન્મ મનાય છે. ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન, તનોટ મંદિર પર ભારે હુમલા અને તોપમારો થયાની ઘણી વાતો છે. જો કે, આશ્ચર્યની વાત એ છે કે, મંદિર પર પડેલા બોમ્બ પૈકી એક પણ બોમ્બ ફૂટ્યો નહીં. જેના કારણે તનોટ મંદિર પ્રત્યે ગામજનોની આસ્થા વધારે મજબૂત થઇ. આ મંદિરનું પુનઃનિર્માણ અને સંચાલન બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા કરાયું હતું. (ક્રમશઃ)