રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતના ભૂતપૂર્વ મંત્રી ડા. મહેશ જોશીની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જલ જીવન મિશન કૌભાંડમાં ઈડી અધિકારીઓ દ્વારા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ જાહેર બાંધકામ વિભાગ મંત્રી ડા. મહેશ જોશીની ૮ કલાક પૂછપરછ કરવામાં આવી હતી અને પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી. કોંગ્રેસ સરકાર દરમિયાન જ તેમની સામે એફઆઇઆર નોંધાઈ હતી. પહેલા એસીબીએ તપાસ કરી. આ પછી, ઈડીએ આ મામલામાં પ્રવેશ કર્યો.
રાજ્યમાં સરકાર બદલાયા પછી પણ મહેશ જોશીને નોટિસ ફટકારીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ હાજર થયા ન હતા. અનેક નોટિસ આપ્યા બાદ, મહેશ જોશી ઈડી ઓફિસ પહોંચ્યા હતાં અને કૌભાંડના સંદર્ભમાં તેમની પૂછપરછ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
જલ જીવન મિશન કૌભાંડ કેન્દ્ર સરકારની ‘હર ઘર નળ’ યોજના સાથે જાડાયેલું છે. વર્ષ ૨૦૨૧ માં, શ્રી શ્યામ ટ્યુબવેલ કંપનીના કોન્ટ્રાક્ટર પદ્મચંદ જૈન અને મહેશ મિત્તલ અને મેસર્સ શ્રી ગણપતિ ટ્યુબવેલ કંપનીએ નકલી અનુભવ પ્રમાણપત્રોના આધારે પાણી પુરવઠા વિભાગ પાસેથી કરોડો રૂપિયાના ટેન્ડર મેળવ્યા હતા. શ્રી ગણપતિ ટ્યુબવેલ કંપનીએ કુલ ૬૮ ટેન્ડરોમાં ભાગ લીધો હતો, જેમાંથી તે ૩૧ ટેન્ડરમાં એલ-૧ (સૌથી ઓછી બોલી) તરીકે બહાર આવી હતી અને ૮૫૯.૨ કરોડ રૂપિયાના ટેન્ડર મેળવ્યા હતા. તે જ સમયે, શ્રી શ્યામ ટ્યુબવેલ કંપનીએ ૧૬૯ ટેન્ડરોમાં ભાગ લીધો અને ૭૩ ટેન્ડરોમાં એલ-૧ બન્યું અને ૧૨૦.૨૫ કરોડ રૂપિયાના ટેન્ડર મેળવ્યા.
ઓગસ્ટ ૨૦૨૧ માં, ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરાએ જળ જીવન મિશન હેઠળ કરોડો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. ગુપ્ત સૂત્રો પાસેથી માહિતી મળ્યા બાદ,એસીબીએ જયપુરના સિંધી કેમ્પમાં એક હોટલ પર દરોડો પાડ્યો હતો, જ્યાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ અને બે કોન્ટ્રાક્ટરોને ૨.૨૦ લાખ રૂપિયાની લાંચ લેતા પકડવામાં આવ્યા હતા. આ ધરપકડો પછી, જળ જીવન મિશન હેઠળ હજારો કરોડ રૂપિયાના કૌભાંડના સ્તરો ખુલ્લા પડવા લાગ્યા. આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશને પણ તપાસ શરૂ કરી હતી.
આ કેસમાં ઈડીએ ત્રણ વખત દરોડા પાડ્યા હતા, જેમાં ડા. મહેશ જોશીના ઠેકાણાઓનો પણ સમાવેશ થતો હતો. આ સાથે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના નિવાસસ્થાનો પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. ૨૦૨૪ માં, ઈડીએ કેટલાક કોન્ટ્રાક્ટરો અને વચેટિયાઓની ધરપકડ કરી હતી અને તેમની પૂછપરછ દરમિયાન, ડા. મહેશ જાશીની સંડોવણી વિશે માહિતી મળી હતી.
આ પછી, ઈડીએ ડા. જોશીને ઘણી વખત નોટિસ ફટકારી હતી, પરંતુ દરેક વખતે તેમણે વ્યક્તિગત કારણો જણાવી પૂછપરછ ટાળવાનો પ્રયાસ કર્યો હતો. ક્યારેક તે દસ્તાવેજા લેવા માટે સમય માંગતો તો ક્યારેક બીમારીનું બહાનું બનાવતો. એકવાર, જ્યારે ઈડીએ તેમને છેલ્લી તક આપી, ત્યારે તેમને દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, આમ તેઓ ફરીથી પૂછપરછથી બચી ગયા. જો કે બાદમાં મહેશ જાશી આખરે ઈડી સમક્ષ હાજર થયા. તેમની સાથે તેમના અંગત સચિવ પણ હાજર હતા અને તેમની પાસે કેટલાક દસ્તાવેજા પણ હતા, જે તેમણે તપાસ એજન્સીને સોંપી દીધા. આ પૂછપરછ જળ જીવન મિશન કૌભાંડમાં તેમની ભૂમિકા અંગે હતી અને તેઓ આજે ઈડીના પ્રશ્નોના જવાબ આપવા માટે ઈડી ઓફિસ પહોંચ્યા હતા. આ કૌભાંડના સંદર્ભમાં ed અધિકારીઓએ તેમની ૮ કલાક પૂછપરછ કરી અને પછી તેમની ધરપકડ કરી.
મહેશ જોશી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે. ગેહલોત સરકારમાં તેમને રાજસ્થાનના જાહેર બાંધકામ વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા હતા. જોશીએ ૨૦૦૯માં રાજસ્થાનના જયપુર મતવિસ્તારમાંથી ૧૫મી લોકસભા જીતી હતી. ત્યારબાદ તેઓ ૨૦૧૮ ની રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં હવા મહલ મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે જીત્યા. જોશીને ૨૦૧૯ માં રાજસ્થાન વિધાનસભામાં મુખ્ય દંડક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેમને કેબિનેટ મંત્રીનો દરજ્જા આપવામાં આવ્યો હતો.