રાજુલા તાલુકાના ચારોડીયા ગામના શિક્ષકે વ્યસનમુક્તિ સહિતના કાર્યો કરતા રાજય સરકાર દ્વારા શ્રેષ્ઠ શિક્ષકનું પારિતોષિક આપવામાં આવ્યું હતું. રાજુલાના ચારોડીયા પ્રાથમિક શાળાના શિક્ષક સંજયભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ વાંચી-લખીને તો જ્ઞાન પ્રાપ્ત કરે જ છે પરંતુ વિદ્યાર્થીઓ પોતે જ જોવે – અનુભવે ત્યારે સમજણ સાથે શિક્ષણને વધુ અસરકારક રીતે આત્મસાત કરે છે. આ માટે શિક્ષણ કાર્યમાં વિદ્યાર્થીઓની રસરૂચિ કેળવાય તે માટે શાળામાં સતત રચનાત્મક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તેમજ જુદી જુદી કચેરીઓની મુલાકાત લેવામાં આવે છે. શાળાની વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી ગ્રામજનોને પણ શિક્ષણ સાથે જોડ્‌યા. સ્વચ્છતા, વૃક્ષ ઉછેર અને વ્યસન મુક્તિ માટે પણ જરૂરી પ્રયાસો કર્યા અને તે માટે વિશેષ જાગૃતિ કેળવી આત્મનિર્ભર શાળા નામનો એક નવીન પ્રોજેક્ટ બનાવ્યો હતો. સંજયભાઈએ સ્વખર્ચે રૂપિયા ૧૫૦૦૦નું પેન બનાવવાનું મશીન ખરીદ્યું હતું. વિદ્યાર્થીઓ આ મશીન મારફત પેન બનાવે છે. શાળા સમય બાદ વિદ્યાર્થીઓ પેનની શાહી ફીલ કરવાની સાથે પેનનો પોઇન્ટ ફીટ કરે છે. સાથે સાથે શાળામાં રામહાટ પ્રોજેક્ટ પણ શરૂ છે. તેમાં વિદ્યાર્થીઓએ એક ગલ્લામાં પૈસા નાખી પોતાની જાતે જ તેમાંથી શિક્ષણ માટેની જરૂરી વસ્તુઓ મેળવી લે છે.
શાળામાં બચત ગલ્લા બેંક પણ શરૂ કરવામાં આવી છે, જેમાં દરેક વિદ્યાર્થીઓ પોતાની પોકેટમનીમાંથી પૈસા બચાવી આ ગલ્લા બેંકમાં જમા કરે છે. જેમાંથી વર્ષના અંતે વાલીની હાજરીમાં આ બચત બેંકના ગલ્લા ખોલવામાં આવે છે અને જે પૈસા નીકળે છે તેમાં વાલીઓ પણ પૈસા ઉમેરી બાળકના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.

 

 

ધો.૧ર સુધી અલગ-અલગ ગામમાં અભ્યાસ કર્યો
રાજુલાના ચારોડીયા ગામના શિક્ષક સંજય મકવાણાના પિતા પોલીસ કર્મચારી હોવાથી પિતાની બદલી થતી ત્યાં તેમણે અભ્યાસ કર્યો છે. જેમાં ધો.૧ અને ર બાબરા, ધો.૩ ખાંભા, ધો.૪-પ કોડીનાર, ધો.૬ જેતલસર, ધો.૭-૮ કોડીનાર, ધો.૯-૧૦ બગસરા અને ધો.૧૧-૧ર કુંકાવાવ ખાતે અભ્યાસ કર્યો હતો.

 

હરતું ફરતું પુસ્તકાલય પણ શરૂ કર્યુ
ચારોડીયામાં છાત્રો સાથે ગામ લોકોની પણ વાંચન માટે રૂચિ કેળવાય તેવા હેતુથી હરતું-ફરતું પુસ્તકાલય પણ શરૂ કરાયુંં છે. રવિવાર કે રજાના દિવસોમાં આ હરતું-ફરતું પુસ્તકાલય ગામની દરેક શેરીઓમાં ફરે છે. ગામ લોકો પુસ્તક વાંચવા માટે લઈ જઇ શકે છે. પુસ્તકો આપવા લેવા માટેની કામગીરી પણ વિદ્યાર્થીઓ જ નિભાવે છે.