રાજુલાના ધારેશ્વર ગામે રહેતા એક યુવકને માથાના ભાગે કુહાડીનો ઉંધો ઘા મારવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે હસમુખભાઈ ઝીણાભાઈ બાંભણિયા (ઉ.વ.૨૪)એ વલ્લભભાઇ ભાણાભાઇ બારૈયા તથા રોહિતભાઇ રમેશભાઇ બારૈયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ પોતાનું મોટર સાયકલ લઇને બસ સ્ટેશને પાર્સલ લેવા જતા હતા તે દરમિયાન ધારનાથ રોડ પર નાળાની પાસે પહોંચતા બન્ને આરોપીઓ ભેંસો લઇ જતા હોય અને રોડ ઉપર ભેંસો હોવાથી મોટર સાયકલ ચાલવાની જગ્યા ન હોવાથી ઉભુ રાખ્યું હતું. લાલભાઇની દીકરી હેતલબેનને તેમના કાકાનો દીકરો ભાઇ રવીભાઇ આતુભાઇ પાંચેક મહિના પહેલા ભગાડી લઇ ગયો હતો અને પ્રેમલગ્ન કરી લીધા હતા. આ વાતનું મનદુઃખ રાખી તેમને માથાના ભાગે કુહાડીનો ઉંધો ઘા મારી છ ટાંકાની ઇજા પહોંચાડી હતી. તેમજ બન્ને આરોપીએ તેમને બન્ને હાથ તથા પગના ભાગે કુહાડીના ઉંધા ઘા મારી ઈજા પહોંચાડી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે. ડી. હડીયા વધુ તપાસ કરી રહ્યા છે.