રાજુલાની માંડળ પે સેન્ટર શાળામાં ૯૮મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શાળાની સ્થાપના ૧૭ માર્ચ, ૧૯૨૬ના રોજ થઈ હતી. ૯૯મા વર્ષમાં મંગલ પ્રવેશના અવસરે શાળા વિકાસ અને સમગ્ર શિક્ષા કાર્યક્રમ અંતર્ગત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.શાળાના આચાર્ય મનસુખભાઈ તરસરીયાએ શાળાના પ્રાચીન ઈતિહાસ વિશે બાળકોને માહિતગાર કર્યા હતા. ધોરણ ૭ અને ૮ની વિદ્યાર્થિનીઓએ કચ્છી રાસ અને છત્તીસગઢનું સુઆ નૃત્ય રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. વિદ્યાર્થી અર્પિત પંડ્‌યાએ ‘મા સરસ્વતીનું મંદિર મારી શાળા’ વિષય પર વક્તવ્ય આપ્યું હતું, જ્યારે ખુશી તરસરીયાએ શાળા સ્થાપના દિવસ વિશે કાવ્યગાન રજૂ કર્યું હતું. શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ ચિથરભાઈ બલદાણિયાએ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અધ્યક્ષે મળીને કેક કાપીને સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. બાળકોને ચોકલેટ વહેંચીને મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું.