રાજુલા શહેરમાં હોટલ વ્હાઈટ હાઉસ પાસેની શ્રીજીનગર સોસાયટીમાં વર્ષોથી ગટરના પાણી ઊભરાવવાની સમસ્યા વકરી રહી છે. આજે ફરીથી ગટરના પાણીનો જળબંબાકાર સર્જાતા લોકોમાં વધુ નારાજગી જોવા મળી રહી છે. નગરપાલિકાનો વહીવટ સંપૂર્ણ ખાડે ગયો હોવાને કારણે શહેરીજનોની મુશ્કેલી વધી રહી છે. સોસાયટીમાં ગટરના ગંદા પાણી અને કચરાના ઢગલાના કારણે રહીશોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઉભી થઇ છે. ગટરના પાણી નદીની જેમ લોકોના ઘરમાં ઘૂસી જાય છે અને ઉપરવાસમાંથી આવતું ગટરનું પાણી પ્રેસર સાથે માર્ગો ઉપર ફરી વળે છે. પાણીનો નિકાલ નહિ થતા દુર્ગંધ મારતું પાણી રહીશોના પટાંગણમાંથી સીધું મકાનોમાં આવતું હોવાથી ભારે કચવાટ ફેલાયો છે. ગટરના પાણીની આ સમસ્યાનો કાયમી નિકાલ કરવામાં આવે તેવી લોકોએ માગણી કરી છે. નગરપાલિકાના કર્મચારીઓ કામગીરી નહિ કરતા હોવાને કારણે વધુ મુશ્કેલી સર્જાય રહી છે. કચરાની ગાડીઓ બંધ છે. રહીશોએ જણાવ્યું હતું કે આ ગટરના પાણી દુર્ગંધ મારે છે. અમારા ઘરમાં ઘૂસી જાય છે. ગટરના ગંધાતા પાણીને કારણે થોડા દિવસ પહેલા પ્રાંત કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું છતાં કોઈ પરિણામ આવ્યું નહિ હવે જિલ્લા કલેકટર પાસે મહિલાઓ સાથે નાછૂટકે રજૂઆત કરીશુ. આ અંગે નગરપાલિકા વહીવટદાર મામલતદાર હરેશ પુરોહિતે કહ્યું હતું કે, હાલ સૂચના આપી છે અને મેં નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેકટર સહિતને મામલતદાર કચેરીમાં બોલાવ્યા છે કાયમી નિરાકરણ આવે તેવા પ્રયાસ કરી રહ્યા છે. સ્થાનિકોએ એવી ચીમકી પણ ઉચ્ચારી છે કે, જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો નગરપાલિકાની આવનારી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરાશે.