શ્રી જે.એ.સંઘવી હાઈસ્કૂલ-રાજુલાના એન.એસ.એસ. યુનિટે નવા આગરીયા ગામે વાર્ષિક શિબિરનું સફળ આયોજન કર્યું હતું. જેમાં વિવિધ સામાજિક અને જાગૃતિલક્ષી
પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. શિબિર અંતર્ગત ગ્રામ સફાઈ અભિયાન, વૃક્ષારોપણ કાર્યક્રમ અને પર્યાવરણ જાગૃતિના કાર્યક્રમો યોજાયા હતા. ઉપરાંત ભીંતસૂત્રો દ્વારા
જનજાગૃતિનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તા. ૩ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર-સાવરકુંડલાના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ૮૦ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. તા. ૫ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ નવકાર બ્લડ બેન્ક-મહુવાના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૨૫ યુનિટ રક્તદાન કરવામાં આવ્યું હતું. શિબિરને સફળ બનાવવામાં શાળાના ટ્રસ્ટી બીપીનભાઈ લહેરી અને આચાર્ય જે.એમ.વાઘના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ. કો-ઓર્ડીનેટર એમ.એમ. નિમાવત અને મદદનીશ શિક્ષક એચ.ડી. ગુજરીયા સહિત સમગ્ર શાળા પરિવારે યોગદાન આપ્યું હતું. નવા આગરીયા ગામના સરપંચ, ગ્રામ પંચાયત અને પ્રાથમિક શાળા પરિવારનો સહયોગ પ્રાપ્ત થયો હતો.